Magazines

લેપડોગ : ખોળાનો શ્વાન .

By GS TEAM
16 Jun 20265 mins read
લેપડોગ : ખોળાનો શ્વાન                                                   .

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ

- કોઈ પણ મીડિયાના કર્તાહર્તા સમાહર્તા લેપડોગ માનસિકતા ધરાવતા હોઈ શકે

અમારો શ્વાન બહુ સમજુ છે.

આસપાસના બધા શ્વાન

ભસવા લાગી જાય

ત્યારે એ ચૂપ રહે છે.

અને સમજવાની કોશિશ કરે છે.

પછી કદાચ

સમજી જતો હશે કે

સૌને ભસવાનાં પોતપોતાનાં કારણો હશે

પણ

ટી.વી પર ચર્ચા ચાલે છે

ત્યારે

તો એ ટૂંટિયું વાળીને સૂઈ જ જાય છે.

અને

આસપાસમાં

શ્વાન ભસે.

તો એ પણ એને સંભળાતું નથી !                                                                                                             

- પ્રબોધ ૨. જોષી(૨૦૧૧) 

સ માચાર છે કે ટીવી ન્યૂઝ ચેનલ 'આજ તક'ના ન્યૂઝ એન્કર અંજના ઓમ કશ્યપે ઓનલાઇન સ્ટાર ટીચર્સના વધતા જતા પ્રભાવ પર ટિપ્પણી કરી તો ખાન સર તરીકે જાણીતા પટણાના કોચિંગ સેન્ટરના સંચાલક ફૈઝલ ખાને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને, એ મહિલા પત્રકાર પર 'બિકાઉ પત્રકાર' અને 'ચાટુકાર' હોવાનો આરોપ મૂક્યો, તેઓ દલાલી અને ફેક ન્યૂઝની દુકાન ચલાવી રહ્યા છે, એવું પણ કહ્યું. આથી નારાજ મહિલા પત્રકારે ફૈઝલ ખાન સહિત અન્યો ઉપર હાઇકોર્ટમાં માનહાનિનો બે કરોડનો દાવો કર્યો છે. આ ઉપરાંત 'હિંદુસ્તાન ટાઈમ્સ'ના એક અન્ય સમાચારમાં કોકરોચ જનતા પાર્ટી આયોજિત વિરોધ પ્રદર્શનમાં પણ 'મીડિયા પર અવિશ્વાસ'નો મુદ્દો જોવા મળ્યો. ટીવી ચેનલ્સવાળાઓ વિરોધ પ્રદર્શનકારીઓને પ્રશ્ન પૂછવા ગયા તો ઉત્તર મળ્યો કે 'હમ ગોદી મીડિયાસે બાત નહીં કરેંગે'. જો કે પાર્ટીનાં પ્રવક્તાએ મામલો થાળે પાડતા કહ્યું કે એવા મીડિયા તો આવીને જતા રહ્યા છે અને તેઓ પોતાની ટીવી ચેનલ્સ ઉપર, અહીં હાજર આપણે બધા વિરોધ પ્રદર્શનકારીઓ રાષ્ટ્રવિરોધી છે, એવું ઘોષિત પણ કરી ચૂક્યા છે. જનરેશન ઝીના શબ્દકોશમાં 'લેપડોગ(Lapdog) મીડિયા' શબ્દ આવી ચૂક્યો છે, એવો ઉલ્લેખ આ સમાચારમાં હતો. 

'લેપ' એટલે ખોળો અને 'ડોગ' એટલે શ્વાન. નાનકડો પાલતૂ કૂતરો, જે પૂંછડી પટપટાવતો માલિકનાં ખોળામાં બેસી જાય, એ લેપડોગ. જેમ કે પૌમેરિયન લોકપ્રિય લેપડોગ છે. પણ આ તો લેપડોગનો શાબ્દિક અર્થ. લેપડોગનો લાક્ષણિક અર્થ થાય : ચમચો, ચાપલૂસ, જી હજૂરી કરનાર, પૂંછડિયો, ગુલામી માનસિકતા ધરાવનાર, કઠપૂતળી, બીજાનાં હાથનું રમકડું. જ્યારે વિરોધ પ્રદર્શનકારીઓ 'ગોદી મીડિયા'ની વાત કરે છે ત્યારે તેઓ આવા લેપડોગ મીડિયાની વાત કરે છે, એ જે સરકારનાં ખોળામાં બેઠાં છે. 'મીડિયા' એટલે સંચાર માધ્યમ, પત્રકારિતા, લોકો સુધી ખબર પહોંચે એ માધ્યમ. 'પ્રિન્ટ મીડિયા' એટલે કે અખબાર, મેગેઝિન. 'ઇલેક્ટ્રોનિક મીડિયા' એટલે ટીવી, રેડિયો. હવે ઇન્ટરનેટ ઉપર સોશિયલ મીડિયા તરીકે જાણીતા એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, યૂ-ટયુબ વગેરે પણ આવી ગયા. કોઈ પણ મીડિયાના કર્તાહર્તા સમાહર્તા લેપડોગ માનસિકતા ધરાવતા હોઈ શકે. આ લોકશાહી છે. ચાપલૂસી કરવી કોઈ ગુનો નથી. અમે તો માનીએ છીએ કે દેશનાં તમામ નાગરિકોને ચાટુકારી કરવાનો બંધારણીય અધિકાર હોવો જોઈએ! પણ એ જવા દો. આપણે તો શબ્દની જ વાત કરવી જોઈએ.

'લેપડોગ' શબ્દ પંદરમી સદીમાં ઈંગ્લિશ ભાષામાં આવ્યો. એવો કૂતરો જે શિકારીનો સંગાથી નથી કે નથી ઘરની સુરક્ષા માટે. લેપડોગ માલેતુજાર લોકોના દેખાડા માટે છે. આ કૂતરો ખાવાપીવા માટે સંપૂર્ણ રીતે માલિક ઉપર આધારિત છે. જો કોઈ ખોળામાં બેસાડીને લાડ લડાવે તો એને માટે એ કાંઈ પણ ખેલ કરે. એ પરથી સત્તરમી સદીમાં સત્તાધીશ કે પૈસાદાર પાસે વગર પૂંછડીએ પૂંછડી પટપટાવે એવો માણસ લેપડોગ કહેવાયો. પછી વીસમી સદીમાં આ શબ્દ મીડિયા કર્મી માટે વધારે વપરાતો ગયો. એનું કારણ મીડિયા વોચડોગ(watchdog) છે, એવું કહેવાતું. વોચડોગ એટલે એવું મીડિયા જે ચોર આવે તો ભસીને લોકોને જગાડે, સરકારી ભ્રષ્ટાચારને જગજાહેર કરે અને લોકશાહીની રક્ષા કરે. એની સાપેક્ષ લેપડોગ એટલે એવું મીડિયા જે રાજકારણીના કે કોર્પોરેટનાં ખોળામાં બેસી રહે, એડવર્ટાઈઝમેન્ટ અને બીજા લાભોથી એને થતા અછો વાનાંની જેને આદત પડી હોય અને પછી.... જ્યારે જરૂરી હોય ત્યારે ભસવાની કે કરડવાની એ ઘસીને ના પાડે. જેનું ખાઈએ એનું ખોદાય નહીં. યૂ સી! પૈસા અને સત્તા ગમતી વાત છે. લેપડોગ મીડિયા ઉપર કોઈ દરોડા પડતા નથી. અને રાષ્ટ્ર સુરક્ષાનો ઉપાડો લઈ, બૂમાબૂમ કરીને ટીઆરપી વધારી શકાય છે. સરકારને તો બખ્ખાં જ છે. કોઈ એકાઉન્ટેબિલિટી રહેતી નથી. પાયાનાં પ્રશ્નો જેમ કે મોંઘવારી, બેકારીની જગ્યાએ કોઈ બીજી જ વાત હેડલાઈન બની જાય છે. 

લેપડોગ મીડિયાનું હોવું લોકશાહી માટે સારું નથી. અલબત્ત એના કેટલાંક ફાયદા જરૂર છે. જ્યારે સમય અઘરો હોય, યુદ્ધ હોય, સામાજિક અશાંતિ હોય ત્યારે મીડિયા સરકારની વધારે પડતી ટીકા કરે તો લોકોમાં ગભરાટ વધે, સાંપ્રદાયિક તણાવ પણ વધે, જે રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન કરે. મીડિયા જો લેપડોગ હોય તો એ માત્ર સારું સારું જ ભસે અને એટલે લોકોને ભાસે કે ઓલ ઈઝ વેલ! લોક સુખાકારીની યોજનાઓ સારી રીતે અમલી બને. દેશની સરકારને અસ્થિર કરવાનો ફોરેન પ્રોપેગન્ડા ચાલતો જ હોય છે. દેશના ટૂકડાં થાય, મતભેદ મનભેદમાં તબદીલ થાય એવા પ્રયાસને લેપડોગ મીડિયા અટકાવે. એક જ સરકાર લાંબો સમય રહે તો લાંબા ગાળાની ઇકોનોમિક પોલિસી અમલમાં મૂકવામાં આસાની રહે. અને પછી સરકારનું મુખપત્ર બની જાય છે લેપડોગ મીડિયા. 

જાણકારો કહે છે કે લોકશાહીમાં મીડિયાનું વોચડોગ હોવું જરૂરી છે. વોચ રાખે અને શંકા પડે કે આ ડેન્જરસ છે ત્યારે ભોં ભોં ભસીને આપણું ધ્યાન દોરે. હવે વોચડોગ કાયમ તો સાચો ન હોઈ શકે. સારો વોચડોગ એ છે જે દરેક શંકાસ્પદ વસ્તુઓ સામે ભસે. એની સાપેક્ષ લેપડોગ મીડિયા સરકારની પગચંપી કરતું રહે છે. એના પર વિશ્વાસ શી રીતે મૂકી શકાય? જો કે મીડિયાનું એટેક ડોગ હોવું પણ ખરાબ છે. આપણે જાગૃત રહેવું. સમાચારનો મૂળ સ્ત્રોત અને ક્રોસ વેરિફિકેશન જરૂરી. એકતરફી, સનસનીખેજ અને આપણને ગુસ્સો કરાવે એવા સમાચાર ચેનલ્સ માટે આપણે ગાંધીજીનાં ત્રણ વાંદરા બની જવું. તઇં શું?

શબ્દશેષ

''વોચડોગ જ્યારે લેપડોગ બને ત્યારે ચોરને મોકળું મેદાન મળી જાય.''-અજ્ઞાત