Magazines

જેના મનમાં અટક હોય, તે અટકે! .

By GS Team
19 Aug 20252 mins read
This article was originally published on 19 Aug 2025
જેના મનમાં અટક હોય, તે અટકે!                     .

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

એ ક જમાનામાં એવી માન્યતા હતી કે રજપૂત સિંધુ નદીને પાર કરીને પરદેશમાં જઈ શકે નહીં. પરદેશગમન એ મહાપાપ છે એવી માન્યતાથી જીવનારો એ સમાજ હતો. આને કારણે તો વિરાટ સિંધુ નદીને 'અટક નદી' તરીકે ઓળખવામાં આવતી. જેના તટ પર સહુ અટકી જતા. એને પાર કરીને કોઈ મુસલમાન દેશમાં જતું નહીં.

આમેરના રાજવી મહારાજા માનસિંહ કાબુલ જીતવા નીકળ્યા હતા. અફઘાનિસ્તાનના એ શહેર પર વિજય મેળવીને પોતાની યશપતાકા સર્વત્ર લહેરાવવા માગતા હતા. રાજા માનસિંહ એક પછી એક રાજ્ય પર વિજય મેળવીને છેક સિંધુ નદીના કિનારે આવી પહોંચ્યા. આ કિનારા પર એમની રજપૂત સેના અટકી ગઈ. સૌના મનમાં એવી માન્યતા ઠસાવી દીધી હતી કે સિંધુ નદી પાર કરવાથી પરદેશગમનનો મહા અનર્થ અને મોટો અધર્મ થઈ જાય છે.

રાજા માનસિંહ પરિસ્થિતિ પામી ગયા. એમણે સેનાને કહ્યું, 'જો સબ ભૂમિ ગોપાલ કી' હોય તો પછી સિંધુ નદીની આ બાજુની ભૂમિ અને સિંધુ નદીની પેલી બાજુની ભૂમિ વચ્ચે ભેદ કઈ રીતે હોઈ શકે ? જે ઈશ્વરનું આ જગત છે એ જ ઈશ્વરનું પેલું જગત છે.

રાજા માનસિંહની વાત સેના સાંભળતી હતી. રાજાએ કહ્યું, 'આવી રીતે અટકવું કેમ ? જેના મનમાં અટક છે એ જ અટકે છે. બીજા કોઈ નહીં.'

એક સૈનિકે પ્રશ્ન કર્યો, 'તો પછી અટક પાર કરવાની મનાઈ શા માટે?'

રાજા માનસિંહે કહ્યું, 'ધર્મનો સંબંધ આત્માની સાચી શ્રદ્ધા સાથે છે. કોઈ ભૂમિવિશેષ સાથે નહીં. એક ભૂમિમાં ધર્મ હોય અને બીજી ભૂમિમાં 

જવામાં અધર્મ હોય તેવું નથી. સિંધુ નદી પાર કરીને વિદેશમાં જવાથી ધર્મને કોઈ હાનિ થતી નથી.'

પોતાની આ વાતને માર્મિક રીતે રજૂ કરતાં રાજા માનસિંહે કહ્યું,

'સબૈ ભૂમિ ગોપાલ કી, યા મેં અટક કહાં !

જાકે મન મેં અટક હૈ, સોઈ અટક રહા !!'

આ ઘટના દર્શાવે છે કે સમાજમાં ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધા સમાજને ઘણી ગંભીર હાનિ કરે છે. આ અંધશ્રધ્ધાને કારણે સમાજ બંધિયાર બની જાય છે અને તેનો વિકાસ ગૂંગળાઈ જાય છે. આવી માન્યતાઓને તોડવી જોઈએ.

આ માન્યતાને કારણે જ મહાન ગણિતશાસ્ત્રી રામાનુજમનાં પત્ની પતિની સાથે ઈંગ્લેન્ડ ગયાં નહીં અને એ સમયે યોગ્ય, પૌષ્ટિક ખોરાક ન મળતાં રામાનુજમને ટી.બી. લાગુ પડયો અને વિશ્વના આ મહાન ગણિતશાસ્ત્રી અકાળે અવસાન પામ્યા.

સમાજમાં પેસી જતી ખોટી માન્યતા વ્યક્તિનું અને રાષ્ટ્રનું કેટલું ગંભીર અહિત કરે છે તે પરદેશગમનની માન્યતાના સંદર્ભમાં જોઈ શકાય.