Magazines

મારું કશુંય બળતું નથી ! .

By GS TEAM
10 Feb 20262 mins read
મારું કશુંય બળતું નથી !                                     .

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

મુનિરાજને મોટું આશ્ચર્ય તો એ થયું કે કોઈ ઋષિ યા યોગીને નહીં, બલ્કે રાજમહેલના વૈભવમાં વસતા સમ્રાટને પરમ જ્ઞાાન પ્રાપ્ત થયું છે.

મુનિના આશ્ચર્યનો પાર ન રહ્યો કે જેણે કશું ત્યાગ્યું ન હોય તે કઇ રીતે પરમાત્માને પામી શકે ?

અત્યંત ઉત્સુકતાથી મુનિરાજ એ સમ્રાટને મળવા ગયા. એમણે જોયું તો સમ્રાટ સઘળી સુવિધાઓ અને વૈભવ વચ્ચે રહેતો હતો. કિંમતી પોશાક પહેરતો. શરીર પર સુવર્ણનાં અતિ મૂલ્યવાન આભૂષણો ધારણ કરતો. સંગીત અને નૃત્યનો આનંદ માણતો.

મુનિરાજની તો મતિ મૂંઝાઈ ગઈ. એમને થયું કે આ તો સઘળા ભોગ ભોગવે છે અને છતાં એને પરમજ્ઞાાન કઇ રીતે પ્રાપ્ત થયું ? આશ્ચર્યની અવધિમાં ડૂબેલા મુનિરાજ આખી રાત સૂઈ શક્યા નહીં.

સવાર પડી. સ્નાનની વેળા થઈ. સમ્રાટ એન મુનિ બંને સ્નાન માટે નદીમાં સાથે ઉતર્યા.

ચોતરફ શાંત અને મધુર વાતાવરણ પથરાયેલું, એવામાં એકાએક કોલાહલ મચી ગયો. ચીસો અને બૂમો સંભળાવા લાગી.

ખબર પડી કે નદીના કિનારે આવેલો રાજમહેલ ભડભડ સળગી રહ્યો છે. આગની જ્વાળાઓ પવનને કારણે બધે ફેલાઈ રહી છે. નદીના ઘાટ તરફ આગ આગળ વધી રહી છે.

મુનિ પાસે હતા તો લંગોટી જ, પણ એને બચાવવા માટે એમણે દોટ મૂકી.

એવામાં યાદ આવ્યું કે પોતાની સાથે તો સમ્રાટ પણ હતો. એનો તો રાજમહેલ બળી રહ્યો છે. એની ઉપાધિઓનો તો પાર નહીં હોય. એ કેટલો બધો આકળ-વિકળ બની ગયો હશે.

આમ વિચારીને સંન્યાસીએ પાછળ જોયું તો સમ્રાટ શાંતિથી ઊભા હતા. મુનિને થયું કે આને સાચી વાતની કશી ખબર લાગતી નથી. આથી બૂમ પાડી,

'અરે સમ્રાટ ! આમ શું ઊભા છો ? તમારો આખો મહેલ ભડભડ સળગી રહ્યો છે અને તમે સાવ સૂનમૂન કેમ ઊભા છો ?'

સમ્રાટે શાંતિથી જવાબ આપ્યો, 'હે મુનિરાજ ! માત્ર મારો રાજમહેલ નહીં, પણ મારું સમસ્ત રાજ્ય સળગી જાય તો પણ મારું કંઇ બળતું નથી.'

આ સમ્રાટ હતા જનક અને મુનિ હતા શુકદેવ.

માનવી પાસે શું છે, એનાથી એની સાચી ઓળખ મળતી નથી. પણ એ માનવી કેવો છે, એના પરથી એની સાચી ઓળખ સાંપડે છે. રાજમહેલથી જનકને ન ઓળખી શકાય. જનકને ત્યારે જ જાણી શકાય જ્યારે જનકને ઓળખીએ.

જગતમાં જેને સુખથી જીવવું છે એણે જનકની માફક જીવવું જોઇએ. જે સંપત્તિ મેળવે છે, પણ તેમાં ડૂબી જતો નથી. જે પોતાની પાસે છે એનાથી એની જાતને અળગી રાખે છે, એમાં જ લુપ્ત થઇ જતો નથી.

મનને બહારની દુનિયાથી ઉપર લઇ જાવ, બહારની દુનિયાથી દોરવાતું મન સદાય ખરડાયેલું રહેશે. એને દુ:ખ અને યાતના વેઠવી પડશે, પણ જો એ મનને આ બધાથી ઉપર લઇ જઈએ, તો કેળવાયેલો અસ્પર્શ્ય ભાવ જીવવાનો આનંદ આવશે.