નેધરલેન્ડ: 1973માં ક્રુડતેલનો ભાવ વધારો ફરી સાયકલ અપનાવવાનો નિમિત્ત બનેલો!

- મીડ વીક- હસમુખ ગજજર
- નેધરલેન્ડવાસીઓએ સાબીત કર્યુ છે કે વિકાસ માત્ર ફયૂઅલના ધૂમાડા ઉડાડવાથી જ નહી પેડલ મારવાથી પણ થઇ શકે છે. ૨૦૨૪માં નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુટ ૧૪ વર્ષ પછી ચૂંટણી હાર્યા ત્યારે પોતાની સાયકલ લઇને ઘરે જવા નિકળી ગયા હતા.
સા માન્ય રીતે કોઇની આર્થિક પ્રગતિની ગાથા ગવાય ત્યારે સાયકલથી લકઝરી કાર સુધીની સફર એમ કહેવામાં આવે છે. આમાં સાયકલ જાણે કે ગરીબી અને સ્ટ્રગલનું પ્રતિક હોય એવો ભાવ પ્રગટ થતો રહે છે. કોઇ સાયકલચાલક શરીરના બળથી પેડલ મારીને ક્રમશ ગતિ વધારીને આગળ વધતો હોય ત્યારે રોડ પરના મોટા સાધનોવાળા ગોકીરો મચાવી દે છે. જાણે કે રોડ પર સાયકલ ચલાવવી ગુનો હોય એવું ચિત્ર ઉપસે છે. ઇરાન યુદ્ધ અને હોર્મુઝ નાકાબંધી પછી ભારતમાં પેટ્રોલ-ડિઝલ ઓછું વાપરો અને કરકસર કરો એવી ઝુંબેશ શરુ થઇ છે. વૈશ્વિક ભૌગોલિક પોલિટિકસના પગલે દુનિયા આખી ઉર્જા કટોકટી તરફ જઇ રહી છે ત્યારે યુરોપીયન દેશ નેધરલેન્ડની પ્રદૂષણમુકત અને પર્યાવરણ ફ્રેન્ડલી સાયકલમાર્ગ દાખલારુપ છે. આમ પણ સાયકલિંગની વાત નિકળે ત્યારે નેધરલેન્ડનું નામ ખૂબ આદરથી લેવામાં આવે છે. સાયકલ સાદગીનું પ્રદર્શન (શો ઓફ) કરવાનું સાધન નહી પરંતુ એક જીવનશૈલી છે. નેધરલેન્ડવાસીઓએ સાબીત કર્યુ છે કે વિકાસ માત્ર ફયૂઅલના ધૂમાડા ઉડાડવાથી જ નહી પેડલ મારવાથી પણ થઇ શકે છે. નેધરલેન્ડમાં ૧.૮ કરોડની વસ્તી સામે ૨.૫ કરોડ સાયકલ મતલબ કે માણસો કરતા સાયકલની સંખ્યા વધારે છે. સરકાર સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવા પ્રતિ કિલોમીટર ૦.૨૨ યૂરો આપે છે. રસ્તાઓ પર કારના હોર્ન કરતા સાયકલની ઘંટડીઓ વધારે રણકતી રહે છે. જો કે એવું નથી કે નેધરલેન્ડમાં લઝકરી કારો નથી પણ વાત એમ છે કે સાયકલ ચલાવનારાની પણ ઇજજ્ત કમ નથી. સાયકલચાલકોનું ગુ્રપ નિકળતું હોય ત્યારે કારચાલકો ઉભા રહી જાય છે. સાયકલની લેનનું ૩૫૦૦૦ કિમી લાંબુ અતિ સુરક્ષિત નેટવર્ક બાળકો અને વડીલો માટે આવન જાવનનું આરામદાયક માધ્યમ છે. દુનિયાની સાયકલ રાજધાની ગણાતા એમસ્ટર્ડમ જ નહી બીજા ડચ શહેરોમાં પણ આ સુવિધાજનક સ્થિતિ જોવા મળે છે. નેધરલેન્ડના બધા જ શહેરોમાં સાયકલ ઓફિસરની નિયુકતી કરવામાં આવી છે જેમનું કામ સાયકલ નેટવર્કને સુવ્યવસ્થિત રીતે ચલાવવાનું છે. નેધરલેન્ડમાં આર્થિક રીતે સમૃધ્ધિમાં આળોટતા ધનાઢયો અને રાજનેતાઓ પાસે લકઝરી કારો હોવા છતાં સાયકલ સવારી કરીને દફતરે પહોંચતા જોઇ શકાય છે. પોતાની જીવનશૈલીને આરોગ્ય સાથે જોડી દીધી હોવાથી જીમ અને દવાખાનામાં પ્રવેશ કરવાની જરુર પડતી નથી. નેધરલેન્ડવાસીઓની ગણતરી દુનિયાના સ્વસ્થ લોકોમાં થાય છે. ૨૦૨૪માં નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રુટ ૧૪ વર્ષ પછી ચૂંટણી હાર્યા ત્યારે પોતાની સાયકલ લઇને ઘરે જવા નિકળી ગયા હતા. તેઓ અનેક વાર પોતાના નિવાસસ્થાનથી સંસદ સુધીનું અંતર સાયકલ ચલાવીને કાપતા હતા. માર્ક રુટના સાયકલપ્રેમ અને સાદગીના દુનિયા આખીમાં વખાણ થતા હતા. પીએમ, મંત્રી, અધિકારી, પ્રોફેસર અને બિઝનેસમેન સાયકલ ચલાવેએ અહીંયાની નોર્મલ સંસ્કૃતિનો જ એક ભાગ છે. એક માહિતી મુજબ નેધરલેન્ડમાં ૨૮ થી ૩૦ ટકા લોકો પોતાનો પ્રવાસ સાયકલ પર જ કરે છે.
નેધરલેન્ડમાં સાયકલ ચલાવવાની સામાજીક જવાબદારી અને સંસ્કૃતિના મૂળિયાનો ઇતિહાસ જૂનો છે. નેધરલેન્ડમાં ૧૦૦ વર્ષ પહેલા સાયકલ લકઝરી ગણાતી જે ધનાઢય પરિવારના યુવાઓ માટે મનોરંજનનું સાધન હતી. ૧૯૪૦ સુધી નેધરલેન્ડમાં ૩૩ લાખ કરતા વધારે સાયકલો ઉપયોગમાં લેવાતી હતી. બીજા વિશ્વયુધ્ધ પછી આર્થિક સ્થિતિ સુધરવાના કારણે લોકોએ કાર ખરીદવાની શરુ કરી હતી. ૧૯૬૦ થી ૧૯૭૦ના દસકા દરમિયાન શહેરોમાં કારોની સંખ્યા વધવાથી સાયકલોની ઉપેક્ષા થવાની શરુઆત થઇ હતી. કારોની સંખ્યા ૩૦ લાખ જેટલી થવાથી સાયકલોનો વપરાશ ૮૦ ટકા જેટલો ઘટી ગયો હતો. જુલાઇ ૧૯૬૫માં પ્રોવો નામનું એક રાજનીતિક સંગઠન સાયકલના સમર્થન અને મોટર વાહનોના ઉપયોગની વિરુધમાં મેદાનમાં ઉતર્યુ હતું. સામાજિક અને પર્યાવરણના મુદ્વાઓ પર લડતા આ સંગઠનના કાર્યકર્તાઓએ એમ્સ્ટર્ડમમાં ૫૦ જેટલી સફેદ રંગની સાયકલો જુદા જુદા સ્થળોએ લોક માર્યા વગર ખુલ્લી મુકી દીધી હતી. આ સાયકલોનો લોકો મફત ઉપયોગ કરી શકે તેવો હેતું હતો. જો કે આ એક આદર્શવાદી પગલું હતું જેમાં કેટલીક સાયકલો પોલીસે જપ્ત કરી લીધી તો કેટલીક ચોરાઇ ગઇ હતી. ભલે સફળતા ના મળી પરંતુ દુનિયામાં સાયકલ શેર સિસ્ટમનો આ પ્રથમ પ્રયોગ અવશ્ય હતો. વધતા જતા કાર ટ્રાફિકની એટલી ભયંકર અસર થઇ કે ૧૯૭૧માં ટ્રાફિક દુર્ઘટનાઓમાં મરનારની સંખ્યા વધીને ૩૩૦૦ જેટલી થઇ હતી. એ જ વર્ષે ટ્રાફિક દુર્ઘટનાઓમાં ૪૦૦થી વધુ બાળકોના મુત્યુ થયા હતા. ભારે જાનહાની પછી એકિટવિસ્ટોના વિવિધ સમૂહોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.એમ્સ્ટર્ડમમાં રહેતી વેન પુટેન નામની એકિટવિસ્ટના નેતૃત્વમાં શરુ થયેલું 'સ્ટોપ ડે કિંડરમૂર્ડ '(બાળકોની હત્યા બંધ કરો) આંદોલન સૌથી યાદગાર હતું. ૧૯૭૨માં ડચ ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (એનઇઆઇ)ના એક અહેવાલમાં હિસાબ લગાવાયો હતો કે કારોનું જે રીતે પ્રભુત્વ વધી રહયું છે તે જોતા વર્ષ ૨૦૦૦ સુધીમાં સડકોના વિસ્તાર માટે કુલ ૧૫ થી ૨૨ ગિલ્ડર (૮ થી ૧૫ અબજ યુએસ ડોલર) ખર્ચ કરવો પડશે. કાર અને રસ્તાઓનો વિકાસ અને સાયકલની ઉપેક્ષા વિરોધના પ્રદર્શનો જોતા આ અહેવાલની રાજકીય સ્તરે ખૂબ ચર્ચા થઇ હતી.
ઓકટોબર ૧૯૭૩માં ક્રુડ તેલનો ભાવ વધારો નેધરલેન્ડમાં ફરીથી સાયકલ અપનાવવાનો નિમિત્ત બન્યો હતો. સાઉદી અરબ અને તેલ નિકાસકર્તા બીજા અરબ દેશોએ યોમ કિપ્પુર યુધ્ધમાં ઇઝરાયેલનો સાથ આપવા બદલ અમેરિકા,બ્રિટન, કેનેડા, જાપાન અને નેધરલેન્ડને ક્રુડતેલ વેચવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ પ્રતિબંધથી પ્રતિ બેરલ ૩ ડોલર ભાવ હતો જે વધીને ૧૨ પ્રતિ ડોલર થયો હતો. ૩૦૦ ટકા જેટલો ભાવ વધારાની વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક રાજકારણ પર લાંબા ગાળાની અસર પડી હતી. આ પ્રતિબંધની અસરથી નેધરલેન્ડમાં ક્રુડ તેલની કિંમત ૪ ગણી વધી ગઇ હતી. નેધરલેન્ડના તત્કાલિન પ્રધાનમંત્રી જૂપ ડેન ઉઇલેએ એક ટેલિવિઝન ભાષણમાં નાગરિકોને એક નવી જ જીવનશૈલી અપનાવીને ઉર્જા બચાવવા અંગે ગંભીરતાથી વિચાર કરવા આગ્રહ
કર્યો હતો. સરકારે દર રવિવારે કાર મુકત રવિવાર મનાવવાની જાહેરાત કરી હતી. કારમુકત રવિવારની પહેલની એવી અસર થઇ કે સપ્તાહના અંતે રસ્તાઓ પર સન્નાટો પ્રસરી જવા લાગ્યો. લોકોને અચાનક જ કાર પહેલાની જીંદગી કેવી હતી તે યાદ આવવા લાગ્યું હતું. ધીમે ધીમે ડચ રાજનેતાઓને સાયકલ ચલાવવાના ફાયદા અંગે મગજમાં ટયૂબલાઇટ થવા લાગી હતી. ક્રુડ તેલ કટોકટીના પગલે કાર જ ભવિષ્યનું સાધન છે અને સાયકલની કોઇ જ જરુર નથી એ ભ્રમ તૂટવો શરુ થયો. ૧૯૭૫માં સાયકલ સંઘની સ્થાપના થઇ જે જોત જોતામાં પ્રતિષ્ઠિત સંગઠન બની ગયું હતું. ૧૯૭૫ની એક મહત્વની ઘટના જેને એમ્સ્ટર્ડમની ટ્રાંસપોર્ટ પોલિસીને સમગ્ર રીતે બદલી નાખી હતી. એક યોજના હેઠળ એમસ્ટર્ડમની વચ્ચે આવેલા ન્યૂ માર્કેટ વિસ્તારનો ઐતિહાસિક મહોલ્લો તોડીને મેટ્રો લાઇન, શહેરી હાઇવે અને એક નવું જ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીકટ (સીબીડી) બનાવવાની તૈયારી થતી હતી. આ નવી ઇમારતમાં કાર્યાલયો, યુનિવર્સિટીની ઇમારતો અને આલિશાન દુકાનોનો સમાવેશ થવાનો હતો. એ સમયે આ એક આધુનિકતાવાદી વિચાર હતો જેનો સ્થાનિક નિવાસીઓની જરુરિયાત સાથે મેળ પડતો ન હતો. નિવાસીઓએ મોહલ્લા સ્થળના ઐતિહાસિક મહત્વને બચાવવા માટે અવાજ ઉઠાવવો શરુ કર્યો. આ વિરોધના પગલે મ્યુનિસિપાલિટીએ પોતાનો નજરિયો બદલવો પડયો હતો. ૧૯૮૦ની આર્થિક મંદીના લીધે નીતિ નિર્માતાઓને સાયકલ તમામ માટે એક ટકાઉ અનેલ્ સ્વસ્થ પરિવહન વિકલ્પ ગણવાની ફરજ પડી હતી. ૧૯૮૦ના દાયકામાં ડચ કસ્બાઓ અને શહેરોમાં સાયકલ ચલાવનારાને અગવડ ના પડે તેનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. ધ હેગ અને ટિલબર્ગ એવા પહેલા શહેરો હતા જેમાં શહેરોમાંથી પસાર થતા સાયકલ માર્ગોને સુધારવાની શરુઆત થઇ હતી. આ સાયકલ માર્ગ ચમકતા લાલ રંગના હતા જે દૂરથી પણ દેખાતા હતા. ડેફલ્ટ શહેરમાં સાયકલ સવારો માટેના રસ્તાઓનું એક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું. આ અસરકારક નેટવર્ક પછીથી બીજા શહેરોમાં પણ તૈયાર થવા માંડયું હતું. ફૂટપાથ પર ચાલનારા લોકોની સલામતી વધે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. બ્રિજ,અંડર પાસ,સ્માર્ટ પાર્કિગ બધુ જ સાયકલોની જરુરિયાતને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યું હતું. કારોની લેન ઘટાડીને શહેરોના નવા નકશા દોરીને સાયકલ માટેના ટ્રેક પહોળા કરવામાં આવ્યા. સરકારે નીતિ બદલીને સાયકલ લેન અને પાર્કિગ સહિતના જુદા જુદા માર્ગો પર ભારે રોકાણ કર્યુ હતું. પરિણામ સ્વરુપ નેધરલેન્ડ આજે દુનિયાનો સૌથી સુરક્ષિત અને સુવ્યવસ્થિત અને સૌથી સ્ટાઇલિશ સાઇકલિંગ દેશ બની ગયો છે.









