જૂનો મોબાઇલ એટલે કચરો નહીં પણ 'સોનાની નાની ખાણ'!

- સેલિબ્રેશન-ચિંતન બુચ
- સ્વીડનમાં રિપેર્સ કાફે લોકપ્રિય છે, જ્યાં લોકો તૂટેલી વસ્તુઓ સુધારવાનું શીખે છે.
- 5 જૂન
- પર્યાવરણ દિવસ
વ ર્ષ ૨૦૧૦માં આશરે ૪ લાખ ટન તો વર્ષ ૨૦૨૫માં ૬૦ લાખ ટન...ના, આપણે ત્યાં આયાત કરવામાં આવતા પેટ્રોલ ની આ વાત નથી. બલ્કે આ વાત છે, ઇ વેસ્ટની.સરળ શબ્દો માં કહીએ તો, ઈ-વેસ્ટ એટલે કોઈપણ ઇલેક્ટ્રોનિક અથવા ઇલેક્ટ્રિકલ ઉપકરણ જેનો ઉપયોગ પૂર્ણ થઈ ગયો હોય, તે બગડી ગયું હોય અથવા તેને ફેંકી દેવામાં આવ્યું હોય. તેમાં મોબાઇલ ફોન, કમ્પ્યુટર, ટેબ્લેટ, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, બેટરી, વાયર, ચાર્જર વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપકરણોમાં સીસું, પારો, કેડમિયમ જેવી ઝેરી ધાતુઓ પણ હોય છે. જો તેનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો જમીન, પાણી અને હવામાં પ્રદૂષણ ફેલાય છે અને માનવ આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ અને વૈશ્વિક ઈ-વેસ્ટ મોનિટરના અહેવાલો અનુસાર વિશ્વમાં દર વર્ષે અંદાજે ૬૦ મિલિયન ટનથી વધુ ઈ-વેસ્ટ ઉત્પન્ન થાય છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી દાયકામાં આ પ્રમાણ ૮૦ મિલિયન ટનથી પણ વધુ થઈ શકે છે.
ચિંતાજનક બાબત એ છે કે વિશ્વના કુલ ઈ-વેસ્ટમાંથી માત્ર એક નાનો હિસ્સો જ વૈજ્ઞાનિક રીતે રિસાયકલ થાય છે. બાકીનો કચરો લેન્ડફિલમાં જાય છે અથવા અનિયમિત રીતે બાળી દેવામાં આવે છે.આપણા દેશમાં દર વર્ષે અંદાજે ૩૫ થી ૪૦ લાખ ટન જેટલો ઈ-વેસ્ટ ઉત્પન્ન થાય છે. મોબાઇલ ફોનના વધતા ઉપયોગ, ઝડપી ડિજિટાઇઝેશન, ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ઘટતી આયુષ્ય અને વધતી ખરીદશક્તિના કારણે ઈ-વેસ્ટનું પ્રમાણ વધી રહ્યું છે.
એ જાણી ને નવાઈ લાગશે કે, જૂના મોબાઇલ અને કમ્પ્યુટર માત્ર કચરો નથી. તેમાં કિંમતી ધાતુઓ રહેલી હોય છે.એક ટન મોબાઇલ એટલે કે ૬ હજાર જેટલા સ્માર્ટ ફોનમાંથી સોનું, ચાંદી, તાંબું, પેલેડિયમ, એલ્યુમિનિયમ મળી શકે છે. આ કારણે ઈ-વેસ્ટને ઘણીવાર 'અર્બન માઇન'૨ પણ કહેવામાં આવે છે. કેટલીક વખત ઈ-વેસ્ટમાંથી મળતું સોનું પરંપરાગત ખાણોમાંથી મળતા સોના કરતાં વધુ પ્રમાણમાં હોય છે.ઈ વેસ્ટમાં સોનું હોતું નથી પણ ઈ -વેસ્ટમાંથી પહેલેથી જ સોનું રહેલું હોય છે. જેને રીસાયકલિંગ પ્રક્રિયા દ્વારા બહાર કાઢવામાં આવે છે. વીજળીનું ઉત્તમ વાહક, સરળતાથી કાટ નહીં ખાતું હોવાથી ઈલેક્ટ્રોનિક્સમાં સોનું વપરાય છે. મોેબાઇલ, કમ્પ્યુટર મધરબોર્ડ, સર્વર, ગેમિંગ કન્સોલ, ટેલિકોમ સાધનો ખાસ કરીને સર્કિટ બોર્ડના કનેક્ટર્સ-ચિપ્સમાં સોનાની પાતળી પરત હોય છે. દરેક ઉપકરણમાં માત્ર મિલિગ્રામ કે તેના કરતાં ઓછું સોનું હોય છે. પરંતુ જ્યારે લાખો જૂના મોબાઇલ, કમ્પ્યુટર, સર્વરન સર્કિટ બોર્ડ એકત્રિત કરાય છે ત્યારે કુલ મળીને નોંધપાત્ર સોનું મળી શકે છે. ઉપકરણમાંથી સોનું કાઢવાની આ પ્રક્રિયા ઔદ્યોગિક સ્તરે વિશેષ મશીનો અને રસાયણો વડે જ આ પ્રક્રિયા સુરક્ષિત રીતે થાય છે. ઈ-વેસ્ટનું મૂલ્ય સોનામાં નથી. તેમાં તાંબું, ચાંદી, પેલેડિયમ, એલ્યુમિનિયમ અને અન્ય દુર્લભ ધાતુઓ પણ હોય છે.
આ જ કારણે ઈ -વેસ્ટ નું શું મૂલ્ય હોય છે અને તેનો યોગ્ય નિકાલ શા માટે જરૂરી છે તે કેટલાક દેશ ખૂબ સારી રીતે જાણે છે. જેમાં સૌ પ્રથમ વાત સ્વિટ્ઝરલેન્ડની,જેને ઈ-વેસ્ટ મેનેજમેન્ટનો જન્મદાતા માનવામાં આવે છે. ૧૯૯૦ના દાયકામાં જ્યારે મોટાભાગના દેશો ઈ-વેસ્ટને સામાન્ય કચરા તરીકે જ જોતા હતા, ત્યારે સ્વિટ્ઝર્લેન્ડે તેના માટે અલગ રાષ્ટ્રીય નીતિ બનાવી હતી. જેના ભાગરૂપે દરેક ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે એડવાન્સ રિસાયકલ ફી વસૂલવામાં આવે છે. શું છે આ એડવાન્સ રિસાયકલ ફી? તો વાત એમ છે કે તમે કોઈ મોબાઇલ રૃા. ૫૦,૦૦૦માં ખરીદો છો. તો તેની કિંમતમાં રૃા. ૧૦૦- રૃા. ૫૦૦ જેટલી રકમ પહેલેથી જ રિસાયક્લિંગ ફી તરીકે ઉમેરવામાં આવે છે.આ રકમનો ઉપયોગજૂના મોબાઇલનો સંગ્રહ કરવા,તેને રિસાયક્લિંગ પ્લાન્ટ સુધી પહોંચાડવા, ઝેરી પદાર્થોનો સુરક્ષિત નિકાલ કરવા, અને કિંમતી ધાતુઓ પુન:પ્રાપ્ત કરવા માટે થાય છે.
તેનો અન્ય એક ફાયદો એ કે, ગ્રાહક વસ્તુ ખરીદે ત્યારે જ નાની ફી ચૂકવે છે. વર્ષો પછી જ્યારે મોબાઇલ કે ટીવી બગડી જાય, ત્યારે તેને કોઈપણ અધિકૃત કલેક્શન સેન્ટરમાં મફતમાં જમા કરાવી શકાય છે.સરકાર કે રિસાયક્લિંગ સંસ્થાને અલગથી પૈસા માંગવા પડતા નથી, કારણ કે ખર્ચ પહેલેથી જ એકત્રિત થઈ ચૂક્યો હોય છે. આ ઉપરાંત લોકો કચરો રસ્તા પર કે ડમ્પિંગ યાર્ડમાં ફેંકતા નથી, રિસાયક્લિંગ માટે સતત નાણાં ઉપલબ્ધ રહે છે અનેઉત્પાદકો અને સરકાર પર વધારાનો બોજો પડતો નથી. ઉદાહરણ તરીકે સમજીએ તો, એક દેશમાં દર વર્ષે ૧૦ લાખ મોબાઇલ વેચાય છે અને
દરેક પર રૃા. ૨૦૦ રિસાયક્લિંગ ફી લેવામાં આવે છે. એકત્રિત થયેલા આ રૃા. ૨૦ કરોડનો ઉપયોગ જૂના મોબાઇલના સંગ્રહ અને રિસાયક્લિંગ માટે થઈ શકે છે. આ ઉપરાંત સ્વિટ્ઝર્લન્ડમાં હજારો કલેક્શન પોઈન્ટ છે.જૂના સાધનો પરત આપવા માટે કોઈ ચાર્જ નથી. ૭૫%થી વધુ ઈ-વેસ્ટ સત્તાવાર રીતે રિસાયકલ થાય છે.
વાત સ્વીડનની કરવામાં આવે તો, ત્યાં માનવામાં આવે છે કે 'ફેંકો નહીં, સુધારો'. એટલે કે, વસ્તુને શક્ય હોય ત્યાં સુધી ઉપયોગમાં લો અને પછી જ રિસાયકલ કરો. જેના કારણે ઇલેક્ટ્રિક ઉપકરણો રિપેર કરાવનારાઓને કરમાં રાહતો આપવામાં આવે છે . એટલું જ નહીં, સ્વીડનમાં રિપેર્સ કાફે લોકપ્રિય છે, જ્યાં લોકો તૂટેલી વસ્તુઓ સુધારવાનું શીખે છે.
જાપાનમાં માનવામાં આવે છે કે, 'ભવિષ્યની ખાણો જમીનની અંદર નહીં પણ લોકોના ઘરોમાં પડેલા જૂના ઈલેક્ટ્રિક સાધનોમાં છે....' આ વિચારને વિશ્વભરમાં ઓળખ ત્યારે મળી જ્યારે વર્ષ ૨૦૨૦ની ટોકિયો ઓલિમ્પિક્સ માટેના મેડલ જૂના મોબાઇલ ફોન, લેપટોપ, કેમેરા અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી મેળવેલી ધાતુઓ વડે બનાવવામાં આવ્યા હતા. સમગ્ર જાપાનમાંથી ૬૨ લાખથી વધુ મોબાઇલ ફોન અને આશરે ૭૯ હજાર ટન જેટલું ઇલેક્ટ્રોનિક સામાન એકત્રિત કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન લોકો સ્વેચ્છાએ પોતાના જૂના ફોન અને ગેજેટ્સ દાન કરવા લાગ્યા. પોસ્ટ ઓફિસ, ઇલેક્ટ્રોનિક સ્ટોર અને સ્થાનિક સંસ્થાઓએ દેશભરમાં કલેક્શન બોક્સ મૂક્યા હતા. આ ઈ-વેસ્ટમાંથી અંદાજે ૩૨ કિલોગ્રામ સોનું, ૩૫૦૦ કિલોગ્રામ ચાંદી, ૨૨૦૦ કિલોગ્રામ બ્રોન્ઝ માટે જરૂરી ધાતુઓ મેળવવામાં આવી હતી, જેના વડે લગભગ ૫૦૦૦ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક મેડલ બનાવવામાં આવ્યા હતા.જાપાનની બીજી એક ખાસિયત એ છે કે ત્યાં લોકો જૂના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને સામાન્ય કચરામાં ફેંકતા નથી. ઘણી જગ્યાએ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદતી વખતે જ તેના ભવિષ્યના રિસાયક્લિંગ માટેની વ્યવસ્થા નક્કી થઈ જાય છે. સરકાર, કંપનીઓ અને નાગરિકો -ત્રણેય મળીને આ પ્રક્રિયામાં ભાગ લે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કેટલીક વખત એક ટન સર્કિટ બોર્ડમાંથી મળતું સોનું ૧૦૦ ટન સોનાની ખાણના ખડક જેટલું હોઈ શકે છે. આ કારણસર જાપાન ઈ-વેસ્ટને 'કચરો' નહીં પરંતુ 'સોનાની ખાણ' તરીકે જુએ છે.જાપાનની સફળતા પાછળનું સૌથી મોટું રહસ્ય માત્ર ટેક્નોલોજી નથી, પરંતુ લોકોની વિચારસરણી છે. ત્યાં પ્રશ્ન એવો નથી કે 'જૂનો મોબાઇલ ક્યાં ફેંકવો?' પરંતુ એવો છે કે 'આમાંથી ફરી શું બનાવી શકાય?' - અને કદાચ આ જ વિચાર ભવિષ્યના પર્યાવરણને બચાવવાનો સૌથી મોટો માર્ગ બની શકે છે.









