હીરાને આપણે કચરા ટોપલીમાં ફેંકી દીધા

- આપણી પાસે આઇન્સ્ટાઈન કરતા પણ વધુ જીનિયસ બાળકો અને ૧૨ વર્ષની વયે M. Sc. ઉત્તીર્ણ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ હતાં
- વિવિધા-ભવેન કચ્છી
- જુદા જુદા ક્ષેત્રોની બાળ કે ટીન એજ અસાધારણ પ્રતિભાઓનું જતન કરવામાં વાલીઓ અને સમાજ નિષ્ફળ ગયો છે
- તથાગત ભણવામાં જીનિયસ હતો, પરંતુ તેની આસપાસની સિસ્ટમ, યુનિવર્સિટીના ચાલાક અને ઈર્ષાળુ સિનિયર પ્રોફેસરો તથા એકેડેમિક રાજકારણ સમજી શકવા જેટલો તે દુનિયાદાર નહોતો
- તથાગત
- વિલિયમ સિડિસ
- માસ્ટર મદન
- જોનાથન લેબેડ
- આરોન સ્વાર્ટ્ઝ
- દિવ્યા ભારતી
- હની સિંઘ
ગ યા અઠવાડિયે 'રતનનું જતન કરવાની જવાબદારી' શીર્ષક હેઠળના વૈભવ સૂર્યવંશી પરના લેખ પછી એવા કેટલાક કિસ્સાઓ પણ જોઈએ કે ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશી જેમ ક્રિકેટમાં અસાધારણ પ્રતિભા ધરાવે છે અને વિશ્વના દિગ્ગજ બોલરોને સમજાતું નથી કે કઈ રીતે તેઓના ઉત્કૃષ્ટ બોલને પોઝિશન, પાવર, પ્લેસિંગ અને ટાઈમિંગ મેળવીને વૈભવ બોલને છગ્ગો ફટકારી શકે છે તેવા જ જીનિયસ અને ટેકનોક્રેટ ભારત અને વિશ્વમાં ટેકનોલોજી, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, શિક્ષણ અને ગણિત જેવા પ્યોર ઈન્ટેલેક્ચ્યુઅલ (બૌદ્ધિક) ક્ષેત્રોમાં એક અરસામાં જોવા મળ્યા હતાં.
આવા વન્ડર કિડ્સ પણ ચાલાક તત્વો, માનસિક દબાણ, ડ્રગ્સ કે ભોળપણનો ભોગ બનવાથી બાકાત નથી રહ્યા. જ્યારે એક સામાન્ય બાળક રમત રમતો હોય, ત્યારે આ જીનિયસ બાળકોના મગજ કોડિંગ કે જટિલ સમીકરણો ઉકેલતા હોય છે. પરંતુ મેદાનની બહારની દુનિયાદારી અને સોશિયલ ઈન્ટેલિજન્સના અભાવે આ નવયુવાનો કઈ રીતે રસ્તા પર આવી ગયા, તેના કેટલાક હૃદયદ્રાવક અને ચોંકાવનારા ઉદાહરણો જાણવા જેવા છે.
૧૫ વર્ષનો ટેક-જીનિયસ જેને ડ્રગ્સ માફિયાએ બરબાદ કર્યા : જોનાથન લેબેડ
વર્ષ ૨૦૦૦ની આસપાસ જ્યારે ઇન્ટરનેટ અને સ્ટોક માર્કેટનું નવું મોજું આવ્યું, ત્યારે અમેરિકાના માત્ર ૧૪-૧૫ વર્ષના જોનાથન લેબેડ નામના કમ્પ્યુટર જીનિયસ બાળકે ઇતિહાસ રચી દીધો હતો. તે કમ્પ્યુટર કોડિંગ અને માર્કેટ એનાલિસિસમાં એટલો માસ્ટર હતો કે તેણે પોતાના ઘરના બેડરૂમમાંથી જ ઇન્ટરનેટ સિક્યોરિટીઝ અને સ્ટોક મેનિપ્યુલેશન કરીને લાખો ડોલર કમાઈ લીધા. અમેરિકન ગવર્મેન્ટની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા પકડાયેલો તે ઇતિહાસનો સૌથી યુવા સગીર હતો.
પતનનું કારણ : નાની ઉંમરે કમ્પ્યુટર સ્ક્રીન પાછળ અબજોપતિ બની ગયેલા જોનાથન આસપાસના કેટલાક ચાલાક પન્ટર્સ અને ફાઇનાન્સિયલ માફિયાઓના ચક્કરમાં ફસાયો. તેને કાયદાકીય ભોળપણ હતું. લોભી તત્વોએ તેની પ્રતિભાનો ઉપયોગ પોતાની કાળી કમાણી ધોવા માટે કર્યો અને અંતે કાયદાના સકંજામાં આવીને આ ટેક-સેન્સેશનનું આખું ભવિષ્ય કાયદાકીય લડતો અને બદનામીમાં વેડફાઈ ગયું.
ઇન્ટરનેટનો રોબિનહુડ અને આત્મહત્યા : ૧૪ વર્ષનો આરોન સ્વાર્ટ્ઝ
આરોન સ્વાર્ટ્ઝ કદાચ સદીનો સૌથી મોટો ટેનકોક્રેટ જીનિયસ હતો. માત્ર ૧૪ વર્ષની ઉંમરે તેણે RSS (Rich Site Summary) વેબ ફીડની કોડિંગ સિસ્ટમ વિકસાવવામાં મદદ કરી હતી, જે આજે પણ આખું ઇન્ટરનેટ વાપરે છે. તે લોકપ્રિય સોશિયલ વેબસાઇટ ઇીગગૈા નો કો-ફાઉન્ડર પણ હતો. તેનું મગજ કમ્પ્યુટર આર્કિટેક્ચરમાં અદ્દભૂત ચાલતું હતું.
પતનનું કારણ : આરોન અત્યંત માસૂમ અને આદર્શવાદી હતો. દુનિયાના ચાલાક કોર્પોરેટ તત્વો અને શિક્ષણ માફિયાઓ જે રીતે જ્ઞાન અને સંશોધન પત્રોને ડિજિટલ તાળા મારીને કરોડો રૂપિયા કમાતા હતા, તે તેનાથી સહન ન થયું. તેણે MIT યુનિવર્સિટીના નેટવર્કમાંથી લાખો શૈક્ષણિક લેખો મફતમાં ડાઉનલોડ કરીને જનતા માટે ઓપન કરવાનો પ્રયાસ કર્યો. અમેરિકન સરકારે અને કોર્પોરેટ સિસ્ટમે તેના આ ભોળપણ અને ક્રાંતિકારી વિચાર પર એટલો જુલમ ગુજાર્યો કે તેને કરોડોનો દંડ અને ૫૦ વર્ષની જેલની ધમકી આપી. ચાલાક કોર્પોરેટ વર્લ્ડના દબાણ સામે આ ૨૬ વર્ષનો જીનિયસ હારી ગયો અને ૨૦૧૩માં તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.
ભારતનો તથાગત અવતાર તુલસી : ૧૨ વર્ષની વયે M.sc., ૨૨ વર્ષની વયે IITમાં પ્રોફેસર
બિહારના તથાગત અવતાર તુલસીનો કિસ્સો ભારતના શૈક્ષણિક ઇતિહાસનો સૌથી મોટો ગૌરવ અને બાદમાં કરુણ કિસ્સો છે. માત્ર ૯ વર્ષની ઉંમરે હાઈસ્કૂલ, ૧૧ વર્ષની ઉંમરે B.Sc. અને ૧૨ વર્ષની ઉંમરે સ્.જીબ. કરીને તેણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું હતું. ૨૨ વર્ષની ઉંમરે તેણે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ (IISc) માંથી ફિઝિક્સમાં Ph.D. પૂર્ણ કર્યું અને IIT મુંબઈમાં તે ભારતનો સૌથી યુવા પ્રોફેસર બન્યો.
પતનનું કારણ : તથાગત ભણવામાં જીનિયસ હતો, પરંતુ તેની આસપાસની સિસ્ટમ, યુનિવર્સિટીના ચાલાક અને ઈર્ષાળુ સિનિયર પ્રોફેસરો તથા એકેડેમિક રાજકારણ સમજી શકવા જેટલો તે દુનિયાદાર નહોતો. તે માનસિક તનાવનો શિકાર બન્યો. લાંબી રજાઓ અને આંતરિક વિવાદોને કારણે વર્ષ ૨૦૧૯માં IIT મુંબઈએ તેને નોકરીમાંથી બરખાસ્ત કરી દીધો. જે બાળકને ભારતનો 'આઈન્સ્ટાઈન' માનવામાં આવતો હતો, તે સિસ્ટમના ચાલાક તત્વો અને માનસિક એકલતાના ચક્રવ્યૂહમાં એવો ફસાયો કે આજે તે ગુમનામીની જિંદગી જીવી રહ્યો છે.
વિશ્વની સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ ટિકિટ ચેકર : વિલિયમ જેમ્સ સિડિસ
૧૮૯૮માં જન્મેલા વિલિયમ જેમ્સ સિડિસનો આઈક્યુ (IQ) ૨૫૦ થી ૩૦૦ ની વચ્ચે હોવાનો અંદાજ હતો (આઈન્સ્ટાઈનનો આઈક્યુ ૧૬૦ હતો!). માત્ર ૧૧ વર્ષની ઉંમરે તેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું અને તે ૪૦ થી વધુ ભાષાઓ બોલી શકતો હતો. ગણિત અને ઉચ્ચ ટેકનોલોજીકલ કન્સેપ્ટ તેના માટે રમત હતા.
પતનનું કારણ : મીડિયા, ચાલાક પબ્લિસિટી એજન્ટો અને લોભી પિતાએ તેની માસૂમિયતને એક 'શો-પીસ' બનાવી દીધી. તેને નાની ઉંમરે એટલો ટોર્ચર કરવામાં આવ્યો કે તેને માણસો અને અતિશય બુદ્ધિ પ્રદર્શન પ્રત્યે નફરત થઈ ગઈ. તે પોતાના પરિવારથી ભાગી ગયો અને પોતાની ઓળખ છુપાવીને કમ્પ્યુટર કે ગણિતના બદલે ઓફિસમાં ક્લાર્ક અને રેલ્વેમાં ટિકિટ કલેક્ટર તરીકે સાવ નાની નોકરીઓ કરવા લાગ્યો. દુનિયાના ચાલાક તત્વોના ડરથી આ સદીનો સૌથી મોટો જીનિયસ માત્ર ૪૬ વર્ષની ઉંમરે અત્યંત ગરીબી અને ગુમનામીમાં બ્રેઈન હેમરેજથી મરી ગયો.
માસ્ટર મદન : ભારતીય સંગીતનો સૌથી મોટો રહસ્યમય કિસ્સો : ૧૯૩૦ના દાયકામાં ભારતીય શાસ્ત્રીય સંગીતમાં 'માસ્ટર મદન' નામનો એક આઠ વર્ષનો બાળક ઉભરી આવ્યો હતો. તેમની ગાયકી એટલી દિવ્ય હતી કે કેએલ સાયગલ અને મોટા ગુલામ અલી ખાન જેવા દિગ્ગજો પણ સ્તબ્ધ થઈ જતા. શિમલાના આ વન્ડર કિડના રેડિયો પર પ્રોગ્રામ આવતા અને લોકો પાગલ થઈ જતા. પરંતુ, માત્ર ૧૪ વર્ષની ઉંમરે આ અદ્ભૂત પ્રતિભાનું રહસ્યમય સંજોગોમાં અવસાન થયું. એવું કહેવાય છે કે તેમની લોકપ્રિયતાથી ઈર્ષ્યા કરીને કોઈ અન્ય ગાયકે દૂધમાં પારો ભેળવીને તેમને ઝેર આપી દીધું હતું. આ કિસ્સો દર્શાવે છે કે જો પરિવાર બાળકની આસપાસ કડક સુરક્ષા કવચ ન રાખે, તો હરીફો કેવા નીચ સ્તરે ઉતરી શકે છે.
યો યો હની સિંઘ : સફળતાના શિખરેથી અંધકાર તરફ : આધુનિક ભારતીય મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં હની સિંઘે જે ક્રેઝ ઊભો કર્યો હતો તે અભૂતપૂર્વ હતો. કરોડો રૂપિયા, અંધાધૂંધ લોકપ્રિયતા અને રાતોરાત સ્ટારડમ. પરંતુ અતિશય આલ્કોહોલનું વ્યસન, ડ્રગ્સ, ગ્લેમરની વિકૃત લાઈફસ્ટાઈલ અને બાયપોલર ડિસઓર્ડરને કારણે તેઓ કરિયરના પીક પર જ ગાયબ થઈ ગયા. હની સિંઘે પોતે સ્વીકાર્યું હતું કે, ''જ્યારે તમને નાની ઉંમરે આટલી સફળતા મળે છે, ત્યારે તમારી આસપાસ ખોટા લોકો આવી જાય છે જે તમારો માત્ર ઉપયોગ કરી તમને ખતમ કરતા હોય છે. હું એવા અંધકારમાં ધકેલાઈ ગયો કે મારે જીવવા માટે અને ફરી કારકિર્દી જમાવવા સંઘર્ષ કરવો પડે છે પડે છે.''
દિવ્યા ભારતી (માત્ર ૧૯ વર્ષની ઉંમરે સફરનો અંત) : ૯૦ના દાયકાની શરૂઆતમાં માત્ર ૧૬-૧૭ વર્ષની ઉંમરે દિવ્યા ભારતીએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને બે જ વર્ષમાં સુપરસ્ટાર બની ગયા. તેમની માસૂમિયત અને અસાધારણ અભિનય ક્ષમતાને કારણે તેમને આગામી શ્રીદેવી માનવામાં આવતા હતા. પરંતુ નાની ઉંમરે ફિલ્મ જગતના અંડરવર્લ્ડ કનેક્શન, ઉતાવળમાં કરેલા લગ્ન, આસપાસના ચાલાક લોકો અને ગ્લેમરના અતિશય દબાણને કારણે ૧૯ વર્ષની ઉંમરે ફ્લેટની બાલ્કનીમાંથી રહસ્યમય સંજોગોમાં પડી જવાથી તેમનું અવસાન થયું. એક અદભુત પ્રતિભા સમય પહેલાં જ વેડફાઈ ગઈ.
આવા તો ઘણી કરુણાંતિકા છે. જેવી કોઈ જીનિયસ પ્રતિભા ઉભરે તે સાથે જ સમાજના 'ગીધ' સક્રિય થાય છે.પુરુષ હોય તો તેને સ્ત્રીઓના (હની ટ્રેપ કે અફેર) ચક્કરમાં ફસાવવા માંગે છે, કોઈ તેને મોંઘી ગાડીઓ અને વ્યસનની આદત પાડી દે છે, તો કોઈ તેના પૈસા હડપ કરવા ખોટા રોકાણો કરાવે છે.આવી જીનિયસ બાળ કે યુવા પ્રતિભા પાસે ચાલાક દુનિયા અને સિસ્ટમને પારખવાની કે તેની સામે લડત આપી ઉભા રહેવાની માનસિક રીતની મજબૂતાઈ નથી હોતી તેથી સહેલાઇથી શિખર પરથી ખીણમાં ગબડી પડે છે
જ્ઞાન પોસ્ટ
પ્રતિભાવાન સંતાનોના જો માતા-પિતા 'મેનેજર' બનીને માત્ર પૈસા ગણવામાં વ્યસ્ત થઈ જશે તો બાળક બરબાદ થઈ જશે. પરિવારે બાળકની આસપાસ 'ઝેન ગાર્ડન' (શાંત અને પવિત્ર વાતાવરણ) બનાવવું પડશે, જ્યાં તે બહારના પ્રદૂષણથી બચી શકે.








