રતનનું જતન કરવાની જવાબદારી .

- ઇતિહાસમાં એવા ઘણાં ઉદાહરણો છે જેમાં બાળ કે યુવા વયે અસાધારણ પ્રતિભા પૈસાના મદમાં કે છોકરીઓ અને ડ્રગની લતમાં ફસાઈને પતન પામ્યા છે. વૈભવનો ઉપયોગ કરી લેવા અને તેને પાડવા માટે એક જૂથ સક્રિય બની શકે છે
- વિવિધા-ભવેન કચ્છી
- વૈભવ સૂર્યવંશીના પરિવાર અને ક્રિકેટ બોર્ડની જવાબદારી છે કે સ્વાર્થી અને ઈર્ષાળુ તત્ત્વો તેમજ તેના મેનેજર,એજન્ટની હિલચાલ પર નજર રાખે
૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીને આઈ.પી.એલ.માં દંગ થઈ જવાય તેવી રમત બદલ ટી ૨૦ ક્રિકેટના 'બેબી ડોન બ્રેેડમેન' જેવી ઓળખ પ્રાપ્ત થઈ છે. જેમની સાથે સેલ્ફી ખેંચીને ચાહકો ધન્યતા અનુભવે તેવા ભૂતપૂર્વ અને વર્તમાન દિગ્ગજ ખેલાડીઓ વૈભવને સેલ્ફી માટે પોઝ આપવા વિનંતી કરે છે અને આ તસ્વીરને નજરાણું સમજે છે. વૈભવના આવા દબદબા વચ્ચે ભારતના ભૂતપૂર્વ સ્પિનર આર. અશ્વિને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું
અશ્વિને વૈભવના પરિવારને એક ખાસ સલાહ અને ચેતવણી પણ આપી છે કે વૈભવ જેવી અસાધારણ પ્રતિભાને સમાજના દૂષણો અને સ્વાર્થી લોકોથી દૂર રાખવી એ હવે તેના પરિવારની અને તેના નજીકના લોકોની સૌથી મોટી જવાબદારી બની ગઈ છે.
આવા સમયે બાળકનું ધ્યાન માત્ર રમત પર જ કેન્દ્રિત રહે અને તે ભટકી ન જાય તે જોવું તેની ભાવિ કારકિર્દી માટે નિર્ણાયક બનશે.
ભાવિ રોળાયું
ઇતિહાસ પર નજર કરીશું તો જુદા જુદા ક્ષેત્રોના અગણિત 'વન્ડર કિડ્સ' (બાળ પ્રતિભાઓ) નું ભવિષ્ય રોળાઈ ગયું હોય તેવા ઉદાહરણો જોઈ શકાય છે. જ્યારે કાચી ઉંમરે પાકી સફળતા મળે છે, ત્યારે ગ્લેમર, પૈસા અને પ્રશંસકોના વેશમાં આવતા 'ચાલાક તત્વો' બાળકની માસૂમિયત અને કારકિર્દી બંનેને ભરખી જાય છે.
ફૂટબોલની દુનિયાના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં જેની ગણના થાય છે તે જ્યોર્જ બેસ્ટની પડતી રમત જગતની સૌથી મોટું અને કરુણ ઉદાહરણ છે. ૧૫ વર્ષની ઉંમરે માન્ચેસ્ટર યુનાઇટેડ દ્વારા શોધાયેલા આ ઉત્તરી આઇરિશ યુવકની રમત અદ્દ ભૂત હતી. પરંતુ, અઢળક પૈસા અને પ્લેબોય જેવી જીવનશૈલીએ તેને દારૂના ભયાનક વ્યસન તરફ ધકેલી દીધો. ચાલાક તત્વો અને છોકરીઓના ચક્કરમાં ફસાયેલા બેસ્ટનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડયું અને અંતે તેનું કરુણ મોત થયું. તેનું એક પ્રખ્યાત અને દર્દનાક ક્વોટ આજે પણ બુમરેંગ સમાન છે. 'મેં મારો ઘણો પૈસો દારૂ, છોકરીઓ અને ફાસ્ટ કાર પાછળ ખર્ચ્યો. મારા પતન માટે હું જ જવાબદાર છું.'
બીજો રોનાલ્ડો
રોનાલ્ડો જેવી જ પ્રતિભાની ઝલક બ્રાઝિલિયન ફૂટબોલર એડ્રિયાનોમાં જોઈ શકાતી હતી.
'ધ એમ્પરર' (શાહજહાં) તરીકે ઓળખાતા આ ખેલાડી પાસે અસાધારણ શારીરિક તાકાત અને ગોલ કરવાની અદભુત ક્ષમતા હતી. ખૂબ નાની ઉંમરે યુરોપિયન ક્લબ ઇન્ટર મિલાને તેને કરોડો રૂપિયામાં ખરીદ્યો. પરંતુ, પિતાના અવસાન બાદ તે માનસિક રીતે ભાંગી પડયો. તેની આસપાસના ચાલાક મિત્રો અને ફેક પ્રશંસકો તેને ડ્રગ્સ, દરરોજ રાતની મોંઘી પાર્ટીઓ અને છોકરીઓના ચક્કરમાં લઈ ગયા. પરિણામ એ આવ્યું કે કરિયરના પીક પર તે ફૂટબોલ ભૂલી ગયો અને આજે તે બ્રાઝિલના સૌથી ખતરનાક ગરીબ વિસ્તારોમાં (ગેંગસ્ટરો સાથે સામાન્ય જીવન જીવતો જોવા મળે છે.
બેકરનું પતન
૧૯૮૫માં માત્ર ૧૭ વર્ષની કાચી ઉંમરે બોરિસ બેકરે વિમ્બલ્ડન જીતીને ટેનિસ જગતમાં સનસનાટી મચાવી દીધી હતી. રાતોરાત તે વૈશ્વિક સેલિબ્રિટી બની ગયો અને કરોડો ડોલરની કમાણી કરી. પરંતુ નાની ઉંમરે મળેલી આ સફળતા પછી તે ચાલાક નાણાકીય સલાહકારો ની જાળમાં ફસાયો. ઉપરાંત, મોડેલો સાથેના વિવાદાસ્પદ અફેર્સ, હની-ટ્રેપ જેવા કિસ્સાઓ અને મોંઘા છૂટાછેડાના કારણે તેની અબજોની સંપત્તિ રોળાઈ ગઈ. સ્થિતિ એટલી ખરાબ થઈ કે વર્ષો પછી આ મહાન ખેલાડીએ લોન ન ચૂકવવા અને સંપત્તિ છુપાવવાના ગુનામાં બ્રિટનની જેલમાં જવું પડયું હતું.
બેકર તેની કારકિર્દી દરમ્યાન જ ઐયાશીમાં લપેટાતો જતો હતો. તેની પ્રતિભા એવી હતી કે તે ફેડરર, નડાલ અને યોકોવિચની હરોળમાં યાદ રખાતો હોત પણ માત્ર ૩૧ વર્ષની વય સુધી જ તે ગ્રાન્ડ સ્લેમ રમી શક્યો અને તે પછીના વર્ષો વધુને વધુ ભોગ વિલાસમાં ગળાડૂબ રહેવા માંડયો અને હવે માનસિક બીમાર બની એકલવાયું જીવન વીતાવે છે.
જોન્સ કૌભાંડમાં ફસાઈ
૨૦૦૦ની સિડની ઓલિમ્પિક્સમાં ૩ ગોલ્ડ મેડલ જીતીને ટ્રેક એન્ડ ફિલ્ડની ક્વીન બનેલી મેરિયન જોન્સ અમેરિકાની લાડલી બની ગઈ હતી. પરંતુ તેની આસપાસના કોચ, એજન્ટો અને ચાલાક ફાર્માસ્યુટિકલ તત્વોએ તેને પ્રદર્શન વધારવા માટે પ્રતિબંધિત સ્ટેરોઇડ્સ લેવાની જાળમાં ફસાવી દીધી. જ્યારે આ કૌભાંડ બહાર આવ્યું ત્યારે તેના મેડલ પાછા લઈ લેવાયા, કરોડોના સ્પોન્સરશિપ કોન્ટ્રેક્ટ રદ થયા અને ખોટું બોલવા બદલ તેને જેલની સજા ભોગવવી પડી. ચાલાક તત્વોએ એક અદભુત કુદરતી એથ્લેટનું ભવિષ્ય કેમિકલના નશામાં હોમી દીધું.
કાંબલીની દુર્દશા
આવું જ કંઈક ભારતીય ક્રિકેટમાં વિનોદ કાંબલી સાથે થયું. સચિન તેંડુલકર સાથે સ્કૂલ ક્રિકેટમાં રેકોર્ડ ભાગીદારી કરનાર કાંબલી પ્રતિભાના મામલામાં કદાચ સચિન કરતાં પણ વધુ આક્રમક હતો. શરૂઆતની ટેસ્ટ મેચોમાં બેવડી સદીઓ ફટકારનાર કાંબલી નાની ઉંમરે સ્ટારડમ પચાવી ન શક્યો. ગ્લેમરની દુનિયા, મોડી રાતની પાર્ટીઓ, વ્યસન અને શિસ્તના અભાવે તેને ટીમની બહાર કરી દીધો. સચિન 'ક્રિકેટના ભગવાન' બન્યા કારણ કે તેમની પાછળ ભાઈ અજિત તેંડુલકર અને પરિવારનું કડક માર્ગદર્શન હતું, જ્યારે કાંબલી આસપાસના ચાલાક વાતાવરણમાં ખોવાઈ ગયો.
એવું નથી કે બાળ કે યુવા પ્રતિભાનું જ જતન આવશ્યક છે. ભૂતપૂર્વ સ્પિનર મનીંદર સિંઘ ૪૨ વર્ષની વયે ડ્રગના સેવનમાં પકડાયા હતાં અને જેલ પણ થઈ હતી. તેની કોમેન્ટેટર અને કોચ તરીકેની કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું. બાહોશ વિકેટ કિપર બનાવની ક્ષમતા ધરાવનાર સદાનંદ વિશ્વનાથની કારકિર્દી પણ સંગત અને શિસ્તના અભાવે સંકેલાઈ ગઈ.
બુકીઓની નજર
વૈભવ સૂર્યવંશી તો કરોડોનો આસામી નાની વયથી બની ગયો હોઈ છોકરીઓની ચૂંગાલ કે હની ટ્રેપનો શિકાર ન બંને તે પણ ધ્યાન રાખવું પડશે. બુકી કે સટોડિયા પણ તેના પર જાળ ફેંકવાનો પ્રયત્ન કરી જ શકે કેમ કે તેનું ફોર્મ સાથે રમવું કે આઉટ થઈ જવું તેના પરથી મેચનું પરિણામ લગભગ નક્કી થશે. આ બોલે ચોગ્ગો કે છગ્ગો ફટકારશે કે કેમ તેના પર પણ કરોડોનો સટ્ટો ખેલાશે.
ટાયસનની વિકૃતિ
બોક્સિંગની રિંગનો સૌથી ક્રૂર અને નાની ઉંમરે હેવીવેઇટ ચેમ્પિયન બનનાર માઈક ટાયસનની સફર પણ આવી જ છે. ટાયસન જ્યારે રિંગમાં ઉતરતો ત્યારે વિરોધીઓ ધ્રૂજતા. પરંતુ મેદાનની બહાર તેનું ભોળપણ અને આક્રમકતા બંનેનો ચાલાક મેનેજરો (જેમ કે ડોન કિંગ) એ દુરુપયોગ કર્યો. તેના કરોડો ડોલર લૂંટાઈ ગયા, તે સ્ત્રીઓના ચક્કરમાં ફસાયો, બળાત્કારના આરોપમાં જેલ ગયો અને ્રડ્રગ્સના રવાડે ચડયો. ટાયસને સ્વીકાર્યું હતું કે, 'મારી આસપાસ એવા લોકો હતા જેમને મારી રમત સાથે નહીં, પણ મારા પૈસા સાથે પ્રેમ હતો.'
ચેસના જાદુગર ગેરી કાસ્પારોવ પણ ખૂબ નાની ઉંમરે વિશ્વ ચેમ્પિયન બન્યા હતા. જોકે તેઓ ગુમરાહ ન થયા, પણ તેમના પુસ્તકો અને ઇન્ટરવ્યુમાં તેમણે વારંવાર ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે રશિયન સિસ્ટમ અને ચાલાક રાજકારણીઓએ તેમને માનસિક રીતે તોડવા અને પોતાના સ્વાર્થ માટે વાપરવા પ્રયાસો કર્યા હતા.
'હોમ અલોન'નો બાળ કલાકાર
આ દૂષણ માત્ર સ્પોર્ટ્સ પૂરતું સીમિત નથી. હોલીવુડના સુપરસ્ટાર બાળ કલાકાર મેકોલે કલ્કિન જેણે 'હોમ અલોન' ફિલ્મથી વિશ્વભરમાં ધૂમ મચાવી હતી, તે નાની ઉંમરે અબજોપતિ બની ગયો. પરિણામે, તેના માતા-પિતા વચ્ચે પૈસા માટે ઝઘડા થયા, તેનું ભોળપણ છીનવાઈ ગયું અને તે ગંભીર ડ્રગ્સના નશામાં ડૂબી ગયો. એક અભિનેતાનું ભવિષ્ય તેની આસપાસ રચાયેલ લોભી તત્વોએ વેરવિખેર કરી નાખ્યું.
જેક્સન પણ ભોગ બન્યો
પોપ સંગીતના રાજા માઈકલ જેક્સનની આખી જિંદગી આનું ઉદાહરણ છે. બાળપણથી જ પ્રખ્યાત થયેલા માઈકલનું બાળપણ નિષ્ઠુર પિતા અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના શોષણમાં હોમાઈ ગયું. તેઓ ક્યારેય સામાન્ય જીવન જીવી ન શક્યા અને અંતે દવાઓના ઓવરડોઝથી તેમનો અંત આવ્યો.ભલે માઇકલ જેક્સન લેજેન્ડ બન્યા પણ જો આડે રસ્તે ન ચઢયા હોત તો રોલ મોડેલ તરીકે યાદ રખાત અને તેમનું જીવન માણી શક્યા હોત.
'ધ આઉટલાયર્સ'
માલકમ ગ્લેડવેલ આ પુસ્તકમાં સમજાવે છે કે અસાધારણ પ્રતિભા માત્ર ૧૦,૦૦૦ કલાકની સખત મહેનતથી નથી બનતીત તેને યોગ્ય સામાજિક વાતાવરણ અને 'પ્રોટેક્ટિવ ઈકોસિસ્ટમ' (રક્ષણાત્મક વાતાવરણ) ની જરૂર પડે છે. જો પરિવાર અને સારી સંગત રક્ષક ન બને, તો સમાજ તે પ્રતિભાને ગળી જાય છે.
અગાસીની આત્મકથા
ટેનિસ સ્ટાર અગાસીએ આ પુસ્તકમાં લખ્યું છે કે નાની ઉંમરે પિતાના અત્યાચારી દબાણ અને પ્રારંભિક સફળતા બાદ તે કેવી રીતે ભટકી ગયો હતો. તેણે માનસિક તનાવથી બચવા માટે 'ક્રિસ્ટલ મેથ' (એક પ્રકારનું ડ્રગ) લેવાનું શરૂ કર્યું હતું. આ પુસ્તક દર્શાવે છે કે સેલિબ્રિટી બન્યા પછી બાળક કેટલી હદે એકલતા અને નકારાત્મકતાનો શિકાર બને છે.
પરિવાર જ રક્ષક
જ્યારે ૧૫ વર્ષના કિશોર પાસે કરોડો રૂપિયા આવે અને અપાર લોકપ્રિયતા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિલિયન ફોલોઅર્સ થાય છે, ત્યારે તેનું મગજ એ સ્ટારડમ જીરવવા માટે પરિપક્વ હોતું નથી. આવા સમયે તેની આસપાસ 'હા માં હા મિલાવનારા'ની ટોળકી ગોઠવાઈ જાય છે. આ ટોળકી તેને મોજ-મસ્તી, નશા, ટૂંકા રસ્તાઓ અને સ્ત્રીઓના આકર્ષણ તરફ ધકેલે છે, જેથી તેઓ પોતાનો સ્વાર્થ સાધી શકે.
અહીં પરિવારની ભૂમિકા 'મેનેજર' તરીકેની નહીં, પણ 'દિવાલ' તરીકેની હોવી જોઈએ. જેવી રીતે સચિન તેંડુલકર માટે તેમનો પરિવાર રહ્યો, અથવા લિઓનેલ મેસ્સી માટે તેના પિતા રહ્યા. પિતા કે માતાએ બાળકના મિત્ર બનવાની સાથે એક કડક શિસ્તપાલક પણ બનવું પડે છે.
જ્ઞાન પોસ્ટ
કોઈપણ ક્ષેત્રની ઉગતી પ્રતિભા એક કાચા ઘડા જેવી હોય છે. તેને આકાર આપવો જેટલો અઘરો છે, તેનાથી વધુ અઘરું તેને બહારના પથ્થરોથી બચાવવાનું છે.
વૈભવના સંવર્ધનમાં જો સાવચેતી રાખવામાં નિષ્ફળ જઇશું, તો ઇતિહાસના પાના પર વધુ એક 'ગુમરાહ પ્રતિભા'નું નામ ઉમેરાતા વાર નહીં લાગે. સસ્તી પ્રસિદ્ધિ અને ગીધ સંસ્કૃતિથી આવી જન્મજાત ભેટને બચાવવી એ જ દેશનું સાચું રોકાણ છે.સચિન તેંડુલકર પછી ભારતને જ નહીં ક્રિકેટ વિશ્વને વૈભવ જેવો 'વન્ડરકીડ' મળ્યો છે.








