વુમન વેઇટ્રેસ એક સેલ્યુટની હકદાર છે !

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- અતિથિ આગળ ખૂબ હાસ્ય સાથે પ્રેમથી અને આત્મવિશ્વાસપૂર્વક આંખોથી આંખો મેળવીને વાત કરવી પડે છે
કો ઈપણ કાર્ય નાનું નથી હોતું. તે કાર્ય પાછળનો શારિરીક શ્રમ, સખત મહેનત, તે કાર્ય માટેનું સમર્પણ અને તેની ગતિઊર્જાની માત્રા જ ફક્ત વધતે ઓછે અંશે હોય છે.
એક ડીલક્ષ હોટેલમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર ત્રણે સમયે કાર્યરત રહેતી અને હસીને થાક્યા વગર ગેસ્ટની સરભરા કરતી, સરવીંગ ગર્લ- મહિલા વેઇટ્રેસને જોઇને જીવનના કાર્યનું સમીકરણ ઊંડાણથી સમજાયું.
ભારતીય હોટેલ બીઝનેસ અને ફુડ સરવીંગ ઇન્ડસ્ટ્રીમાં લગભગ ૩૦ ટકાથી ૩૫ ટકા યુવતીઓ મહિલાઓ વેઇટ્રેસ તરીકે કામ કરે છે. આ કાર્યક્ષેત્રમાં ડોકીયું કરી ભારતીય યુવતી મહિલા વેઇટ્રેસનું દૈનિક કાર્ય જાણવા પ્રયત્ન કરીએ અને તેમના કાર્યની મહત્તા સમજીએ.
આ કાર્ય પાછળ મહિલાઓના ૨૪ કલાકમાંથી લગભગ ૧૨-૧૫ કલાક તેમના કાર્ય માટે વપરાતા હોય છે ત્યારે આપણે અતિથિ તરીકે સુપર ડુપર બ્રેકફાસ્ટ, લંચ અને ડીનરની લજ્જિત માણી શકીએ છીએ.
વધારે વિગતે જાણીએ વેઇટ્રેસ વિષે સામાન્ય રીતે વેઇટ્રેસનું કાર્ય જુવાન યુવતીઓ વધારે કરે છે. કારણ કે ભણતા, ભણતા આ યુવતીઓ આ ફરજ બજાવે છે. આવી જ એક વેઇટ્રેસ અંજલિ કહે છે : હું પોતે આર્ટસ વિભાગમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકનું ભણું છું. ઘેર મહેનત કરી એકસટરનલ વિદ્યાર્થી તરીકે ત્રીજા વર્ષની પરીક્ષા આપું છું અને તેના નાના ભાઈને પણ ભણાવું છું જે સાતમા ધોરણમાં છે અને શહેરમાં રહે છે, જ્યારે માતા-પિતા ગામડે રહે છે.
અંજલીની સવાર ૪.૧૫ વાગે શરૂ થાય છે. કારણ કે તેને હોટેલ પર સવારના ૫.૫૦ એ.એમથી ૬.૦૦ વાગ્યા સુધીમાં હાજર થઇ જવાનું હોય છે. આથી ઘરનું કામ પતાવી ભાઈ માટે બે ટાઈમની રસાઈ કરી પોતે પોતાનો સ્પોટલેસ, અક્કડ ઇસ્ત્રીવાળો યુનિફોર્મ પહેરી લાઈટમેકઆપ કરીને ૫.૧૫ વાગે સવારે નીકળવાનું હોય છે. જેથી બે બસ બદલી તે ૬.૦૦ વાગે હોટેલ પર પહોંચી શકે.
પ્રથમ અંજલી કે કોઈપણ વેઇટ્રેસની ફરજ તેના મેનેજરને રીપોર્ટ કરવાની હોય છે. ૬.૦૦ વાગે હાજર રહેવાનું હોય છે.
મેનેજર અંજલીની પ્રેઝનટેબલીટી જુએ છે. તેનો સ્પોટલેસ ઇસ્ત્રી ટાઈટ યુનિફોર્મ, બરાબર ઓળેલા વાળ, ટાઈટ, ઓછો મેકઅપ સાથે હસતું મોઢું ૬.૦૦ વાગે હાજરી પૂર્યા પછી અંજલીને બ્રેકફાસ્ટમેનુનું લીસ્ટ અપાય છે. પછી વીઆઈપી ગેસ્ટ, કોઈ ડીગનીટરી ગેસ્ટ હોય તો અને એ દિવસના બ્રેકફાસ્ટ માટે કોઈ સ્પેશ્યલ વાનગી હોય તો તેનું કાર્ડ બનાવવા માટેની સૂચનાઓ અપાય છે.
પછી અંજલી બધા તેને સોંપાયેલા ટેબલો પર સફેદ ચાદર પાથરે છે. નીચેની જમીન તદ્દન સ્વચ્છ છે કે નહિ તે ચેક કરે છે પછી ટેબલો પર સ્પોટલેસ સફેદ પ્લેટસ, બાઉલ્સ, ને કટલરી ગોઠવે છે. નેપકીનો વાળી કાચના ગ્લાસમાં મૂકે છે. અને પછી બ્રેકફાસ્ટ સ્ટેશન પર ડયુટી હોય તો મેનુ પ્રમાણે ક્રોકરી સેટ ગોઠવે છે. જે વાનગીઓ ગરમ રાખવાની હોય તેની વ્યવસ્થા કરે છે. ફ્રુટ સ્ટેશન, જ્યુસના જાર, બ્રેડ સુપ વગેરે ગોઠવી બ્રેકફાસ્ટ તૈયાર રાખે છે.
આ સમય દરમ્યાન અંજલી જણાવે છે કે કોઈપણ વેઇટ્રેસ માટે સૌથી મોટો કાર્યનો પડકાર એ છે કે તેને ગમે તેટલું કોઈપણ પ્રકારનું દુ:ખ હોય તેને હસતા જ રહેવું પડે છે. અતિથિ આગળ ખૂબ હાસ્ય સાથે પ્રેમથી અને આત્મવિશ્વાસપૂર્વક આંખોથી આંખો મેળવીને વાત કરવી પડે છે.
અંજલી જણાવે છે કે તેની નોકરી મલ્ટીટાસકીંગવાળી છે. વચમાં કોઈવાર રૂમમાંથી સર્વીસનો ઓર્ડર આવે તો પણ તેને જવું પડે છે.
લગભગ ૧૦.૩૦ વાગ્યાથી ૧૦.૪૫ સુધીમાં તેને ટેબલો સમેટી લેવા પડે છે. બધી જ ક્રોકરી ધોવા માટે આપવી પડે છે. કટલરી ને ક્રોકરી ધોવાઈ જાય પછી તેને ઓવનમાં મૂકી થોડીવાર સૂકાવવી પડે છે, જેથી જો કોઈ ફુગ વગેરે હોય તો તે પણ નીકળી જાય.
આ પતાવી તરત લંચની તૈયારી કરવી પડે છે. ફરી શેફ પાસે જઇ લંચનું મેનુ જોઇ તે પ્રમાણે લંચ સ્ટેશનની ક્રોકરી ગોઠવવી પડે છે. જેમાં ખાસ ધ્યાન રાખવું પડે છે કે શાકાહારી ને માંસાહારી વાનગીઓ ભેગી ના થાય તેનું ધ્યાન રાખવું પડે છે. છેલ્લે ડેઝર્ટ કાઉન્ટર સેટ કરી ને પાછા મુખ પર હાસ્ય સાથે ઓર્ડરો લેવા માટે તૈયાર.
લગભગ ૩.૩૦ વાગે બપોરે લંચ પૂરું થાય. પચી અંજલી ફરી ટેબલ પરથી બધી ડીશો, બ્લાઉલ્સ, કટલરી ધોવા આપે છે. લંચસ્ટેશન, ડેઝર્ટ સ્ટેશન પર વધેલી વાનગીઓ રહેવા દે છે કારણ કે પછી તરત જ તેમને લંચ લેવાનું હોય છે. પોતે લંચ લઇ બધો સ્ટાફ વાનગીઓ લઇ થોડો આરામ કરે છે. અંજલીને લગભગ ૪૫ મિનિટથી ૫૦ મિનિટ સુધીની રીસેસ મળે છે.
અંજલી જણાવે છે કે આ ટાઈમ મારે માટે ખૂબ અગત્યનો છે. શરૂઆતની પાંચથી દસ મિનિટ તે તેના ભાઈ સાથે ને માતા-પિતા સાથે વાત કરે છે. પછી તે પોતાના ભણવાના પ્રકરણો લઇને આવે છે, તે વાંચે છે. પાછા ૬.૦૦ વાગતા સાંજના ડીનરની તૈયારી શરૂ થઇ જાય છે.
અંજલી જણાવે છે કે, ડીનરનો સમય લંચ કરતા જરા વધારે વ્યસ્ત હોય છે. ઘણા અતિથીઓ હેવી બ્રેકફાસ્ટ કર્યા પછી, સવારે જમતા નથી, સાંજે જમે છે એટલે ડીનરમાં રશ વધારે હોય છે. અંજલીને ડીનરમાં મેનુ ખાસ કરીને જણાવવાનું હોય છે. પછી ગરમ વાનગીઓ જેવી કે સુપ, પરોઠા, રોટી વગેરેના ઓર્ડરો લેવાના હોય છે. ઘણીવાર કોઈ પ્રશ્ન કે તકલીફ હોય તો તે શાંતિથી હલ કરવો પડે છે.
રાત્રિના દસ વાગે આખા ડીનર ટેબલો પરથી ફરી બધી સામગ્રીઓ લઇ ધોવા મૂકવાની હોય છે. ત્યારબાદ વેક્યુમ કરી ફ્લોર સાફ કરવાનો હોય છે અને ક્રોકરી કટલરી ધોવાઈ જતા ઓવનમાં મૂકી, બીજા દિવસની તૈયારી કરી ઘેર જવાનું હોય છે.
અંજલી જણાવે છે કે ઘેર હોટલમાંથી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા હોય છે પણ જતા લગભગ ૧૧.૦૦ વાગી જાય છે. આમ અંજલીની ડયુટી કે કોઈપણ વેટ્રેસની ફરજ ૧૪થી ૧૫ કલાકની હોય છે.
ઘેર જઇ થોડી દસ મિનિટ ભાઈ સાથે વીતાવી, તેની દિવસભરની વાતોનો દોર ચાલે છે. પછી જો થાકી ના હોય તો એ દિવસનો યુનિફોર્મ સારી રીતે ધોઈ નાખે છે, ઘરનું કામ વગેરે કરી લગભગ બાર વાગે પથારી ભેગી થાય છે.
આમ અંજલી કે કોઈપણ વેટ્રેસની આ કહાની છે. તેઓ દિવસના ઘરકામ સાથે ૧૮થી ૧૯ કલાક કામ કરે છે.
શિસ્તબધ્ધતા હાસ્ય સાથેનું ટાઈટ પોશચર સતર્કતા, જાગૃતતા ને આત્મવિશ્વાસ સાથે ફુદરડીની જેમ કામ કરે છે.
આ જાણ્યા પછી એ જ તારણ કે કોઈ કામ કે નોકરીનું પદ નાનું નથી હોતું. સમાજે ઉભી કરેલી માન્યતા છે.
સેલ્યુટ અંજલી અને ભારતની બધી જ યુવતી, મહિલા વેઇટ્રેસની મહેનત ને અથાગ પરિશ્રમ ને હસતામુખે બજાવતી ફરજોને.








