Magazines

કરોડપતિમાંથી કોડીપતિ બની ગયો કલાકાર....!

By GS TEAM
24 Mar 20263 mins read
કરોડપતિમાંથી કોડીપતિ બની ગયો કલાકાર....!

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- એક સમયે જસ્ટિન બીબર 500 કરોડ ડોલરથી વધુ સંપત્તિ ધરાવતો હતો 

ઇ રાન-અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધના લોહિયાળ સમાચાર વચ્ચે ગયા અઠવાડિયે લોસ એંજલ્સમાં એક વિશ્વવિખ્યાત કલાકારને એની પત્ની સાથે રઝળપાટ કરતો જોઇને એના લાખો ચાહકો સ્તબ્ધ થઇ ગયા હતા. આ સંગીતકાર ગાયક કલાકારને તમે કદાચ સાંભળ્યો હશે. કદાચ એના વિશે સાંભળ્યું હશે. આપણા સૌથી શ્રીમંત ગણાતા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન પ્રસંગે આ કલાકારને અમેરિકાથી ખાસ તેડાવાયો હતો. સિલેક્ટેડ ઓડિયન્સની હાજરીમાં આ કલાકારે ભવ્ય કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમે એને મબલખ મહેનતાણું પણ અપાવ્યું હતું. 

યાદ આવ્યું તમને ? ન આવ્યું હોય તો વાંચો આગળ. આ વાત ગાયક સંગીતકાર જસ્ટિન બીબરની છે. ગયા અઠવાડિયે એ લોસ એંજલ્સની સડક પર પત્ની હૈલી સાથે ચાલીને જતો જોવા મળ્યો હતો. યૂરોપિયન મિડિયાને તો જાણે ગોળનું ગાડું મળી ગયું હતું. એક સમયે જસ્ટિન બીબર ૫૦૦ કરોડ ડાલરથી વધુ સંપત્તિ ધરાવતો હતો. મૂળ કેનેડાના ઓન્ટારિયો સ્ટેટના સ્ટ્રેટફોર્ડ વિસ્તારમાં જન્મેલો જસ્ટિન હેન્ડસમ શબ્દ ઓછો પડે એવો દેખાવડો છે. પિયાનો, ગિટાર, ડ્રમ અને ટ્રમ્પેટ જેવાં વાદ્યો પર ગજબનો કાબુ ધરાવતો જસ્ટિન અચ્છો ગાયક પણ છે. કરોડો સમકાલીન ટીનેજર્સને એની ગાયકી અને એના સંગીતે રીતસર દિવાના બનાવી દીધા હતા.

એક સમયે જસ્ટિન બીબર સેલેના ગોમેઝ નામની ગાયિકા સાથે સંકળાયેલો હતો. બંને વચ્ચે એટલો મનમેળ હતો કે જસ્ટિને પોતાના શરીર પર સેલેનાના નામનું છૂંદણું (ટેટુ) કોરાવ્યું હતું. જો કે સંગીતની કારકિર્દી એટલી લપસણી છે કે આવા સંબંધો લાંબો સમય ટકતાં નથી. આપણા અજોડ ગાયક અભિનેતા કિશોર કુમારે ચચ્ચાર લગ્નો કર્યાં હતાં છતાં ખરા અર્થમાં સુખી હતો એવું કહી શકાય નહીં. જસ્ટિન અને સેલેના છૂટાં પડયાં. ૨૦૧૮માં જસ્ટિને હૈલી બાલ્ડવીન નામની ગાયિકા સાથે લગ્ન કર્યાં. આ દંપતીને એક પુત્ર છે. જસ્ટિન જે કંઇ ગાતો એ તમામ ગીતો રાતોરાત સુપરહિટ થઇ જતા. એનાં મ્યુઝિક આલ્બમ્સ બજારમાં આવે એવાં જ વેચાઇ જતા. એક તબક્કે એણે સાત બેડરૂમ અને દસ બાથરૂમ ધરાવતો વિશાળ બંગલો બનાવ્યો હતો. ૧૧ હજાર ચોરસફૂટથી વધુ વિસ્તાર ધરાવતો આ બંગલો અન્ય કલાકારો માટે અદેખાઇનું કારણ બન્યો હતો.

પરંતુ ભલભલા કલાકારો પર ક્યારેક એવી અણધારી આફત આવી પડે છે કે જે એની સમગ્ર કારકિર્દીને આસમાન પરથી ધરતી પર લાવી દે. જસ્ટિન બીબર સાથે પણ એવું જ થયું એમ કહીએ તો ચાલે. ૨૦૨૦માં એણે એક વિશ્વપ્રવાસની જાહેરાત કરી જેમાં એ દુનિયાના દરેક દેશમાં સંગીતના કાર્યક્રમો કરવાનો હતો. એ કાર્યક્રમની જાહેરાતે રાતોરાત દુનિયાના ટોચના ઇવેન્ટ મેનેજરોને દોડતા કરી દીધા. ઠેર ઠેર સૌથી વધુ બેઠકો ધરાવતાં થિયેટર્સ કે પાર્ટી પ્લોટ્સ બુક થઇ ગયા. ટોચના મંડપ ડેકોરેટર્સને વરદી અપાઇ ગઇ. ટિકિટો ધડાધડ વેચાઇ ગઇ. કરોડો ચાહકો બીબરને જોવા સાંભળવા તડપી ઊઠયા. મિડિયાએ બીબર વિશે એક્સક્લૂસીવ સ્ટોરીઝ પ્રગટ કરવા માંડી. મનોરંજન ઉદ્યોગમાં અબજો રૂપિયાનું રોકાણ થઇ ગયું.

કમનસીબે જસ્ટિનને રેમસે હન્ટ સિન્ડ્રોમ તરીકે ઓળખાતી મગજની બીમારીનો એટેક આવ્યો. એક ચોક્કસ પ્રકારના વાઇરસથી થતી આ તકલીફમાં અર્ધો ચહેરો લકવા (પેરેલિસિસ)નો ભોગ બની જાય છે. ચહેરાનો એક તરફનો ભાગ હલનચલન કરી ન શકે એવો આ લકવા છે. કોઇ પણ ગાયક કલાકાર માટે ચહેરાનું હલનચલન અનિવાર્ય હોય છે. ગીતના શબ્દો મુજબ ચહેરા પર ભાવ પ્રગટ કરવા અનિવાર્ય હોય છે. જસ્ટિન બીબર ટોચના ન્યૂરોલોજિસ્ટની સારવાર લઇ રહ્યો હતો પરંતુ હવે એ અગાઉ જાહેર કરેલી પોતાની વર્લ્ડ ટુર કરી શકે એવી સ્થિતિમાં રહ્યો નહીં.એણે નછૂટકે વર્લ્ડ ટુર રદ કરવાની જાહેરાત કરી. એ સાથે આખી દુનિયામાં ખળભળાટ થઇ ગયો. એક જાહેરાતથી એ હીરો મટીને ઝીરો થઇ ગયો. એના પર નુકસાનીના અસંખ્ય કાનૂની કેસ થયા. એણે અબજો રૂપિયા નુકસાની પેઠે ચૂકવવા પડયા. પોતાના શ્રેષ્ઠ આલ્બમ્સને ૨૦ કરોડ ડાલર્સમાં વેચી નાખવા પડયા. બંગલો કાઢી નાખવો પડયો. એના માનીતા શ્વાન અને દુર્લભ જાતિના વાનરને પણ વેચી દેવા પડયા. એક રાતમાં એ કરોડપતિ મટીને કોડીપતિ જેવો થઇ ગયો. અત્યારે એ જાહેરમાં બહુ ઓછો દેખાય છે. ૩૩ વર્ષનો જસ્ટિન બીબર હવે પહેલા જેવો હૉટ કલાકાર રહ્યો નથી.