વિદેશી વિમાન મથકોનું અવનવું .

- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- 1998માં ખુલ્લા મૂકાયેલા હાર્ટ્સફિલ્ડ જેક્સન એરપોર્ટને વિશ્વનું સૌથી બીઝી એરપોર્ટ જણાવાયું છે
દુ નિયાભરના પર્યટન શાખીનો માટે જાણીતું દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ૨૦૩૫માં કાયમ માટે બંધ થઇ જશે એવા સમાચારે સમગ્ર વિશ્વમાં સારી એવી ચકચાર જગાડી દીધી. અત્યારે દુબઇ એરપોર્ટ લગભગ ચોવીસ કલાક ધમધમે છે છતાં એને વિશ્વનું સૌથી બીઝી કે વ્યસ્ત એરપોર્ટ કહી શકાય નહીં. લેટેસ્ટ સગવડો ધરાવતા આ એરપોર્ટનો ક્રમ બીજા ક્રમે આવે છે. વિશ્વનું સૌથી બીઝી એરપોર્ટ અમેરિકાનું હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. એ નંબર વન એરપોર્ટ ગણાય છે. અહીં રોજ સરેરાશ ૨૨૦૦થી ૨૫૦૦ ફ્લાઇટ્સ આવ-જા કરે છે અને રોજના લગભગ અઢીથી ત્રણ લાખ લોકોની અવરજવર રહે છે. આ એરપોર્ટ પર વરસે દસ કરોડથી વધુ લોકોની અવરજવર રહે છે. પીક અવર્સ ગણાતા સમયે અહીં દર કલાકે ૯૦ વિમાનો ઊતરે છે અને સોએક વિમાનો ટેક ઓફ્ફ કરે છે. બીજા ક્રમે દુબઇ એરપોર્ટ આવે જ્યાં વરસે નવથી સાડા નવ કરોડ લોકોની અવરજવર રહે છે.
૧૯૯૮માં ખુલ્લા મૂકાયેલા હાર્ટ્સફિલ્ડ જેક્સન એરપોર્ટને વિશ્વનું સૌથી બીઝી એરપોર્ટ જણાવાયું છે. કોરોના-કોવિડ રોગચાળા દરમિયાન સરકારી પ્રતિબંધ હોવાથી માત્ર ૨૦૨૦માં આ એરપોર્ટ સૂમસામ હતું. બાકી આ એરપોર્ટ બારે માસ અને ચોવીસે કલાક ધમધમતું રહે છે. અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં આવેલું આ એરપોર્ટ ૧૯ વર્ગ કિલોમીટરથી પણ વધુ લાંબું છે અને અહીં પૂર્વ-પશ્ચિમ હોય એવા પેરેલલ પાંચ રન વે છે. એમાંનો એક લાંબામાં લાંબો રનવે ૧૨,૩૯૦ ફૂટ લાંબો છે જે એરબસ ૩૮૦ જેવા વિરાટ વિમાનની હેરફેર માટે ફિટ ગણાય. આવી દરેક એરબસમાં વધુમાં વધુ સવા આઠસો ઉતારુ સમાવી શકાય છે.
દુબઇ એરપોર્ટને કાયમ માટે બંધ કરી દેવા પાછળ દુબઇના શાસકોનો હેતુ હાર્ટ્સફિલ્ડ જેવું વિરાટ એરપોર્ટ ધમધમતું કરવાનો છે. એ એરપોર્ટ અલ મક્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે. આ એરપોર્ટની ક્ષમતા વરસે ૨૬ કરોડ પર્યટકોની અવરજવરને પહોંચી વળે એટલી કરવાની આરબ શેખની ઇચ્છા છે. અબજો ડૉલર્સના ખર્ચે આ એરપોર્ટ અત્યારે તૈયાર થઇ રહ્યું છે. એ વિશ્વનું પહેલા નંબરનું એરપોર્ટ બની રહે એવી આરબ દેશોની મહત્ત્વાકાંક્ષા છે. આમ પણ હાલ સમગ્ર વિશ્વના લોકોની રહેણીકરણી જેટની કહો કે ઇન્ટરનેટની ઝડપે ચાલી રહી છે. ઘડિયાળના કાંટે લોકો દોડાદોડ કરે છે. વેપારી ઉદ્યોગપતિઓ પરોઢિયે એક દેશમાં ચા નાસ્તો કરે, મધ્યાહ્ન સુધીમાં બીજા દેશમાં લંચ લે, બપોરની ચા ત્રીજા દેશમાં લે અને ડિનર વળી ચોથા દેશમાં લે એવી અત્યારે પરિસ્થિતિ છે. દરેક દેશ અન્ય દેશોને પોતાના હરીફ ગણીને પોતાના અર્થતંત્રને ચઢિયાતું બનાવવાના કીમિયા શોધે છે.
જો કે આ સંજોગોમાં કોઇ તમને એમ કહે કે દુનિયામાં એક એરપોર્ટ એવું પણ છે જેને દુનિયાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાવ ખાલીખમ એરપોર્ટ તરીકે ઓળખે છે. આજની તારીખે આ વાંચીને તમને જરૂર આશ્ચર્ય થશે કે સાવ ખાલી હોય એવું એરપોર્ટ બનાવવાની જરૂર શી ? એક એરપોર્ટ બનાવવા પાછળ કરોડો રૂપિયાનું આંધણ થાય. શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મહેન્દ્ર રાજપક્ષાના નામે બનેલું મટ્ટાલા રાજપક્ષા ઇન્ટરનેશનલ એરપોર્ટ કોલંબોની દક્ષિણે ઊંડે ગાઢ જંગલમાં આવેલું છે. ચીને આપેલી લોનની મદદથી ૨૧ કરોડ અમેરિકી ડાલરના ખર્ચે બનેલું આ એરપોર્ટ ખરેખર તો ધોળો હાથી ગણાવું જોઇએ. અહીં પર્યટકો કે માલવહન તદ્દન ઓછું છે. એના કરતાં પણ વધુ શોચનીય એ છે કે અવરજવર તદ્દન ઓછી હોવાથી વરસે લાખો ડૉલરનું નુકસાન થાય છે. એક લાખ દસ હજાર ચોરસ ફૂટમાં વિસ્તરેલા આ એરપોર્ટ પર વિશ્વની ભાગ્યે જ કોઇ એરલાઇન્સની ફ્લાઇટ્સ અવરજવર કરે છે. એમાં પણ અત્યારે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે આ મટ્ટાલા એરપોર્ટ ભૂતિયું બની ગયું છે. શ્રીલંકાની સરકાર કતાર એરલાઇન્સ અને અમીરાત્સ એરલાઇન્સ જોડે વાટાઘાટો કરી રહી છે કે ભૈ અમારે ત્યાં પણ અવરજવર કરો.
પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોને માતબર લોન આપીને ચીન એમનો જબરદસ્ત ગેરલાભ લે છે. લોનની ગરજ હોવાથી આવા દેશો ગમે તેવી આકરી શરતો પણ કબૂલ કરી લે છે. શ્રીલંકાની સ્થિતિ પાકિસ્તાન કરતાં પણ વધુ દયામણી છે. જો કે એને માટે એક આશ્વાસન એ છે કે દુનિયામાં કેટલાક ટચૂકડા દેશો એવા પણ છે જ્યાં એરપોર્ટ જ નથી. રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મના જગદ્ગુરુ નામદાર પોપ લીયો જ્યાં વસે છે એ વેટિકન સિટિમાં એરપોર્ટ નથી. એજ રીતે મોનાકો નામના દેશમાં એરપોર્ટ નથી. આવા તો પાંચેક ટચૂકડા દેશો છે જ્યાં એરપોર્ટ જ નથી. એરપોર્ટ બનાવી શકાય એટલી ભૂમિ એમની પાસે નથી. લોકોએ આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રવાસ કરવો હોય તો પાડોશી દેશમાં જઇને ત્યાંથી વિમાન પકડવું પડે. આંતરરાષ્ટ્રીય વિમાન મથકોની આ તો માત્ર ઊડતી ઝલક છે.








