Magazines

શાંડિલ્ય ભક્તિ દર્શન : પરમ પ્રેમ અને પૂર્ણ સમર્પણ

By GS Team
1 Oct 20263 mins read
શાંડિલ્ય ભક્તિ દર્શન : પરમ પ્રેમ અને પૂર્ણ સમર્પણ
  • વિચાર-વીથિકા- દેવેશ મહેતા

મહર્ષિ શાંડિલ્યનો સંબંધ મહાન ઋષિ કશ્યપના વંશ સાથે છે. તેઓ ઋષિ અસિતના પૌત્ર અને મંત્ર દ્રષ્ટા મહર્ષિ દેવલના પુત્ર હતા. તેમનો ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદ શતપથ બ્રાહ્મણ અને મહાભારત જેવા પ્રસિદ્ધ ગ્રંથોમાં જોવા મળે છે. ઉપનિષદમાં વર્ણવાયેલી શાંડિલ્ય વિદ્યા ખૂબ જ પ્રસિદ્ધ છે. જેમાં આત્મા અને બ્રહ્મની એકતા સમજાવવામાં આવી છે. તેમણે શાંડિલ્ય ભક્તિ સૂત્રની રચના કરી હતી. આ ગ્રંથમાં ભક્તિના સ્વરૂપ, તેના પ્રકારો અને મહત્વનું ખૂબ જ સુંદર અને તાત્વિક વર્ણન કરવામાં આવ્યું છે. તેમણે ભક્તિને ઇશ્વર પ્રાપ્તિનો સૌથી સરળ અને સર્વોચ્ચ માર્ગ ગણાવ્યો છે. કુલ ૩ અધ્યાય અને ૧૦૦ સૂત્રોમાં વહેંચાયેલો આ ગ્રંથ મનુષ્યને બુદ્ધિથી હૃદય તરફ અને હૃદયથી અંતરાત્મા તરફ અને છેવટે પરમાત્મા તરફ લઈ જાય છે.
મહર્ષિ શાંડિલ્ય ગ્રંથના પ્રારંભમાં જ ભક્તિની અતિ સચોટ વ્યાખ્યા આપતા લખે છે - સા પરાનુરક્તિ ઇશ્વરે એટલે કે ઇશ્વર પ્રત્યેનો પરમ અને સર્વોચ્ચ અનુરાગ એટલે ભક્તિ. સંસારના નશ્વર પદાર્થો કે સંબંધો પ્રત્યે જે આકર્ષણ થાય તેને આપણે મોહ કે આસક્તિ કહીએ છીએ. પરંતુ જ્યારે આ આકર્ષણ પરમાત્મા તરફ થાય છે ત્યારે તે અનુરાગ બને છે. અનુરાગ એક એવો નિસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમ છે જેમાં કોઈ લોભ, ભય કે લૌકિક સુખોની અપેક્ષા હોતી નથી. આ ભક્તિનું ફળ દર્શાવતા શાંડિલ્ય ઋષિ જણાવે છે - તત્સંસ્થસ્ય અમૃતત્વબોધાત્ અર્થાત્ આ પરમ પ્રેમમાં જે જીવ સ્થિર થઈ જાય છે તેને અમૃતત્વ એટલે કે પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઇશ્વર તરફનો આ પ્રેમ જ જીવને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ અપાવનારો અમૃતકુંભ છે.
નારદ ભક્તિસૂત્રમાં ભક્તિને જ્ઞાનથી તદ્દન સ્વતંત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવી છે પણ શાંડિલ્ય ઋષિ બન્ને વચ્ચે સુંદર સેતુ બાંધે છે. તેઓ સ્પષ્ટ કહે છે - 'ન જ્ઞાનં વિશિષ્ટં ચેતસ્તદાયતત્વાત્ : કેવળ શુષ્ક જ્ઞાનથી મુક્તિ મળતી નથી કેમકે જ્ઞાનનું અંતિમ લક્ષ્ય પણ ચિત્તને ઇશ્વરમાં પરોવવાનું છે. જ્ઞાન એ જાણી શકે છે કે ઇશ્વર કોણ છે, કેવા છે પણ તેમને પામવા માટે હૃદયનો ભાવ જરૂરી છે. હૃદયનો આ ભાવ પરમ પ્રેમનો ભાવ છે. તે જ ભક્તિનો આધાર છે. જ્ઞાન વિના પ્રેમની આવી સ્થિતિ આવી શકતી નથી. જ્ઞાન પરિપક્વ થાય છે ત્યારે તે ભક્તિમાં પરિવર્તિત થઈ જાય છે. આમ, શાંડિલ્ય દર્શનમાં જ્ઞાન સાધન છે અને ભક્તિ સાધ્ય (અંતિમ ધ્યેય) છે.
ભક્તિમાં નાત, જાત, લિંગભેદ, પાંડિત્ય એવું કોઈ બંધન નથી તે દર્શાવવા શાંડિલ્ય મુનિ ગોપીઓનું ઉદાહરણ આપે છે - અત એવ તદવિહીનાનાં વ્રજસુંદરીણામ્ - જે વેદ-ઉપનિષદો કે મોટા શાસ્ત્રો જાણતી નહોતી તેવી વ્રજસુંદરીઓ (ગોપીઓ)ની ભક્તિ જગતમાં સર્વોચ્ચ માનવામાં આવી છે. ગોપીઓ પાસે બુદ્ધિનું પ્રદર્શન નહોતું, પણ હૃદયનું સમર્પણ હતું, આત્મ-નિવેદન હતું. તેમનો પ્રેમ એટલો પવિત્ર અને પ્રગાઢ હતો કે બ્રહ્મજ્ઞાની ઉદ્ધવજી પણ તેમનું જ્ઞાન ભૂલીને ગોપીઓની ચરણ રજ પોતાના પર પડે તે હેતુથી વૃંદાવનમાં લતા, વેલી કે ઘાસ બનવાની ઇચ્છા વ્યક્ત કરવા લાગ્યા હતા - 'આસામહો ચરણરેણુજુષામહં સ્યાં વૃંદાવને કિમપિ ગુલ્મલતૌષધીનામ્ । યા દસ્ત્યજં સ્વજનમાર્યપથં ચ હિત્વા, ભેજુર્મુકુન્દપદવીં શ્રુતિભિર્વિમૃગ્યામ્ ।।
(શ્રીમદ્ ભાગવત્, દશમ્ સ્કંધ) અધ્યાય-૪૭, શ્લોક-૬૧ અહો ! હું વૃંદાવનની ભૂમિ પર કોઈ લતા, વેલી કે વનસ્પતિ (ઘાસ) તરીકે જન્મું (એવી મારી ઇચ્છા છે) જેથી મને આ ગોપીઓના ચરણની ધૂળ પ્રાપ્ત થતી રહે. આ ગોપીઓએ પોતાના સગાં-વહાલાં અને લોકમર્યાદાના એ રસ્તાનો ત્યાગ કરીને, જેનો ત્યાગ કરવો અત્યંત કઠિન છે, ભગવાન શ્રીકૃષ્ણના ચરણોનો આશ્રય લીધો છે, એ ચરણકમળ કે જેને વેદની શ્રુતિઓ પણ નિરંતર શોધતી રહે છે.
આ પરમ સ્થિતિ સુધી પહોંચવા માટે શાંડિલ્ય ઋષિ ભક્તિના બે ભાગ પાડે છે : પરા ભક્તિ અને ગૌણી ભક્તિ. શ્રવણ, કીર્તન, સ્મરણ અને પૂજા-અર્ચના એ ગૌણી ભક્તિ છે. ભજનાનારેષુ શ્રવણ, કીર્તનાદીનાં ગૌણત્વમ્ । આ તમામ ક્રિયાઓ સાધનરૂપ છે. જે માનવીના અંત:કરણ અને હૃદયને નિર્મળ બનાવે છે. તે બધું નિર્મળ થઈ જાય ત્યારે જે પરમ અગાધ પ્રેમ પ્રક્ટે છે તે પરા ભક્તિ છે. તે સંજોગોમાં ભક્ત ભગવાનની પૂર્ણ શરણાગતિ સ્વીકારે છે. શાંડિલ્ય ઋષિ કહે છે - શરણાગતિરેવ આર્તસ્ય મુખ્યં સાધનમ્ - સંસારના તાપથી પીડાતા મનુષ્ય માટે ભગવાનનું શરણ લેવું (પ્રપત્તિ) એ જ કલ્યાણનો સર્વોત્તમ માર્ગ છે.