છોડ ગઠરિયાં .
અર્વાચિંતનમ્ - પરેશ વ્યાસ
પ્રવાસમાં કોઇ તકલીફ પડી હોય. ક્યાંક ખાસ મજા ન પણ આવી હોય. પણ તો ય એવું ક્યારેય કોઇને પણ કહેવું નહીં કે ખાસ કાંઇ જામ્યું નહીં. કહેવું કે જગ્યા બહુ જ સરસ છે
સારું નરસું એવું શું ગજવે ભરવાનું?
ફરવા આવ્યા છો અહીંયા તો બસ ફરવાનું?
- 'સ્નેહી' પરમાર
યસ. અમે બસ ફરી લીધું. ભલે ગજવું થયું ખાલી. પણ સાહેબ, શુદ્ધ હવાને ફેફસાંમાં ભરી. પેટ ભરીને પકવાન ખાધા. દરિયા ય જોયા ને પર્વત પણ માણ્યાં. શહેર ખૂંદ્યા અને જંગલમાં ય ઘુમ્યા. ફરીને ફરી ઘરે આવ્યા. હવે રોજની પળોજણ ફરી શરૂ. બહાર હોઇએ ત્યારે ઘર અલબત્ત યાદ તો આવે જ. અને પછી ઘરે આવવું પણ તો પડે.
આ તો રવિવાર પછી સોમવાર આવે અને કેવાં મોતિયા મરી જાય, એના જેવું થયું. કદાચ એનાથી ય વધારે અઘરું કામ. ઓફિસ કે ધંધા ઉપર જઇએ એટલે પડતર કામનું નડતર અને નવાં કામનું ચઢતર. અને પછી એમ થાય કે ફરવા જ ન ગયા હોત તો ઘર બેઠા કાંઇ પ્લાન કરી શકત.
અફસોસ થાય કે ઘરે રહ્યા હોત તો આરામ પણ થઇ જાત. આ તો દેખાદેખીમાં ખોટા ફસાયા. હવે શું કરીએ? જાણકારો એનો ય ઉપાય બતાવે છે. એક બફર-ડે રાખવો. એટલે એમ કે ફરીને આવો અને કામે ચઢો તે પહેલાં એક ખાલી દિવસ. અને પછી ? બીજા દિવસે શું કરવાનું છે?
આખા અઠવાડિયામાં શું શું કામ કરવાનું છે? એનું પ્લાનિંગ કરી લેવું. પ્લાનિંગ મનોમન કરો તો મજા ન આવે. લખીને કરો તો વધારે સમજાય. યૂ સી! કહે છે ને કે રાઇટિંગ મેઇક્સ મેન (એન્ડ વૂમન) એક્ઝેટ. એવું થતું હોય કે તમે પાછા ફરો એટલે પારાવાર અફરાતફરી હોય. અને એટલે પ્રોયોરિટી લિસ્ટ તૈયાર કરી લેવું હિતાવહ છે. એમાં ય અચાનક આવી ચઢે એવા કામ માટે સમય ફાળવવાની જોગવાઇ રાખવી જોઇએ. બધું કામ એક સાથે નિપટાવવાની કોશિશ કરશો નહીં. હવે આવે રજા પછીનો પહેલો દિવસ. કામે ચઢવાનો દિવસ. પણ રજાની મીઠી મજાનું હેન્ગઓવર હજી હોય. મન ઉદાસ થઇ જાય.
મૂર્ધન્ય કવિ શ્રી નિરંજન ભગત સાહેબે ભલે કહ્યું કે હું તો બસ ફરવા આવ્યો છું પણ એ વાત પ્રેક્ટિકલી સ્પીકિંગ, સાવ ખોટી ઠરે. હું તો બસ ઢસરડો કરવા આવ્યો છું, એવું લાગે. યસ, આવું થશે. માટે જાત સંભાળ માટે થોડો સમય આપવો પડશે. પહેલા અઠવાડિયા દરમ્યાન કાંઇક નાનું પણ મનને ગમતું, કામ સિવાયનું કામ, કરવાનું હોય તો સારું. એના સહારે આખા પહેલાં અઠવાડિયાની ભયંકર ભાસતી અનુભૂતિને સહન કરી શકાય.
ચા-કોફી પણ પીવા જોઇએ. કેફેઇન આમ જુઓ તો સારું. પીધા કરવું. મન જાગૃત રહે. નાની નાની રીસેસ પણ સારી. સાથી કર્મચારીઓ સાથે થોડી ગપસપ, થોડી નૂતન વર્ષની શુભેચ્છાઓ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ... આખું પહેલું અઠવાડિયું દરરોજ રાતનાં શાંતિથી સૂઇ જવું. ઊંઘ અગત્યની વાત છે. સઘળું ઠેકાણે પડવા માંડે.
'ધ મીથ્સ ઓફ હેપ્પીનેસ' (સુખની ખોટી માન્યતા)નાં લેખિકા અને મનોશાસ્ત્રનાં પ્રોફેસર સોન્જા લ્યુબોરમિસ્કી કહે છે પ્રવાસની કોઇ યાદગીરી ચોક્કસ સાથે લાવવી. વેકેશનનું કાંઇ સુવેનીયર. એને જુઓ, સુંઘો, સ્પર્શો, સાંભળો કે પછી એનો સ્વાદ માણો તો એમ લાગે કે સારું થયું કે ફરવા ગયા હતા. અને ફરવા ગયા એટલે નવા નવા થઇ ગયા. વાહ ભૈ વાહ! એટલું ચોક્કસ કે પ્રવાસમાં કોઇ તકલીફ પડી હોય.
ક્યાંક ખાસ મજા ન પણ આવી હોય. પણ તો ય એવું ક્યારેય કોઇને પણ કહેવું નહીં કે ખાસ કાંઇ જામ્યું નહીં. કહેવું કે જગ્યા બહુ જ સરસ છે. જવા જેવું છે. વખાણ જ વખાણ કરવા. કોઇ પૂછે કે વેકેશન કેવું રહ્યું? તો કહેવું કે જલસો પડી ગયો. ભલે પછી ભીડમાં ખાવાનાં ય ઠેકાણાં ન રહે. આમ અમથાં ય તમે સારા સારા ફોટા તો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા જ હોય. હવે એની સ્ટોરી પણ વિગતે સંભળાવવી. ચકલીનો મોર બનાવવાની કળા અહીં કામ લાગે, સાહેબ!
અમેરિકન લેખક, પ્રકાશક, કલાકાર અને ફિલસૂફ એલ્બર્ટ હબ્બાર્ડ એવું કહેતા કે સૌથી વધુ વેકેશનની જરૂરિયાત એને જ હોય છે, જે હમણાં જ બહાર ફરીને આવ્યો હોય છે! પણ કામ પણ તો કરવું જ પડે. હેં ને?