Magazines

જીભલડી ! તને કેવા કેવા ચટાકા થાય !

By GS Team
21 Dec 20194 mins read
This article was originally published on 21 Dec 2019
જીભલડી ! તને કેવા કેવા ચટાકા થાય !

પ્રોફેસર પ્યારેલાલને જરાક વિચાર આવ્યો કે કોચિંગ ક્લાસ માત્ર ભણાવવા માટે નથી હોતો. એના બીજા 'સદુપયોગ' પણ હોય છે. 

પ્રોફેસર પ્યારેલાલ એક દિવસ સાંજે એમની કોલેજની ઓફિસમાં પોતાનું કામકાજ પતાવીને ઘેર જવા નીકળ્યા હતા. રસ્તે જતાં ય એમને આસપાસ નિરીક્ષણ કરવાની આદત એટલે ધીમે ધીમે એમનું સ્કૂટર, સાઇડ પર ચલાવતા હતા. રસ્તામાં ઠેકઠેકાણે દુકાનો, ઓફિસો પર ધંધાદારી બોર્ડ લગાવેલા હતાં.

એક સ્થળે કોચિંગ ક્લાસનું બોર્ડ હતું અને એમાં 'ભણવા' આવનારાં કિશોર-કિશોરીઓએ એમનું ધ્યાન ખેંચ્યું. સ્કૂટરો આમતેમ ખડકાયેલાં હતાં. એ સ્કૂટરો ખાલી ના રહે એ માટે કદાચ બોયફ્રેન્ડ-ગર્લ ફ્રેન્ડ સ્કૂટરોની સીટ પર આખું શરીર જમાવીને હળવી મસ્તી કે રંગભરી ગોષ્ઠિ કરતાં હતાં.

પ્રોફેસર પ્યારેલાલને જરાક વિચાર આવ્યો કે કોચિંગ ક્લાસ માત્ર ભણાવવા માટે નથી હોતો. એના બીજા 'સદુપયોગ' પણ હોય છે. કોચિંગ ક્લાસમાં કદાચ થોડાક 'બોરિંગ' ધ્યાનપૂર્વક જાણવા મને 'સર'. જે કંઈ પરીક્ષામાં ઉપયોગી નોટ્સ લખાવે તે ઉત્સાહપૂર્વક લખતા હશે.

પણ ભણવું એ જ કંઇ જિંદગીનો એક માત્ર ઉદ્યમ થોડો છે... કોચિંગ ક્લાસમાં 'બોચિયાગીરી' કરવા ઉપરાંત પણ જીવનને તાજગી આપનાર 'ઉદ્યમ' હોય છે.

પ્રોફેસર પ્યારેલાલ બધા દ્રશ્યો મઝેથી માણતા ધીમેધીમે વચમાં સ્કૂટર રોકીને અવનવા માહોલ પર નજર નાખતા હતા.

રસ્તાઓના વળાંક પર કે જ્યાં મોટા ફૂટપાથની બાજુમાં નાની મોટી જમીનો બિન્ધાસ્ત રોકી પાડીને કેટલાક 'લઘુઉદ્યોગી' વેપારીઓ એમની દુકાનોમાંથી તાજાં ફરસાણની ગોટા, ભજિયાંની સુગંધ લેતા હતા. દુકાન પાસે કે લારીઓ ની એવી નાની દુકાનોની આજુબાજુ પણ જીભના ચટાકા સંતોષવા નાની મોટી ભીડ પ્રોફેસર પ્યારેલાલનું ધ્યાન ખેંચી રહી આ સતત દોડધામના જમાનામાં ઘરમાં લુસલુસ ખાઈને પેટ ભરાયું માનીને નોકરી નીકળી પડતાં કેટલાય નોકરિયાતો ફૂટપાથ રોકી પાડેલી અને જમાવટ કરેલી રેંકડી મોમાંથી ફટાફટ ખાઈ શકાય તેવી સેવઉસળ કે વડાપાવ કે એવી જીભને વધારે અને પેટને થોડો સંતોષ આપે તેવી વાનગી માટે નિરાંતે પૈસા ખરચતા હતા. જાતજાતની આંખને અને જીભને તરત જ લલચાવી દે એવી 'ખુશબોદાર' વાનગીઓ ફટાફટ મોટા, તેલ ભરેલા પેણામાં તરતી હતી.

પ્રોફેસર યંત્ર બાદની ઝડપ અને જિંદગીની ફટાફટ વહી જતી ઝડપ વિશે વિચારતા હતા.

'ઘરની ચોખ્ખી સીધી સાદી વાનગીઓ વિદાય થઇ ગઈ મમ્મીઓ ને પણ હવે કામથી 'સમયની તૂટ' અને મહેનત કે કડાકૂટની 'એલર્જી' એટલે બાળકોને નાસ્તાનાં પેકેટ પકડાવી દે. અને અંગ્રેજી માધ્યમની કેગુજરાતી નિશાળોમાં રીસેસમાં એ જ નાસ્તો જીભને સંતોષે.'

અચાનક એમના વિચારમાં ભંગ પડયો. સાંજ પડવાની વેળા હતી. એક સ્થળે, બગીચાથી થોડે દૂર, શાકમાર્કેટથી જવા આવવાના રસ્તા પર ગલીઓને નાકે થોડે થોડે અંતરે 'પાણીપુરી'ની લારીઓ મફતની જગા રોકી પાડીને આકર્ષણ જમાવી રહી હતી.

પ્રોફેસરને જરા હસવું આવી ગયું કે વાનગી એમા ભજિયાં ગોટા તો બરાબર, પણ પાણીપુરીનો પુરી પકોડીનો તો સ્વાદ જ જુદો. વાનગીઓમા એનો અવ્વલ નંબર આવે. એમણે પોતે ક્યારેય ભૈયાજીની પાણીપુરીનો સ્વાદ એમના નિશાળના દિવસોમાં ચાખ્યો હોય તેવું યાદ નહોતું. હા, એકવાર પેથાભાઈને ત્યાં પાણીપુરી ખાવાની કોમ્પિટીશન હતી 

ત્યારે થોડો ઘણો સ્વાદ માણ્યો હશે.

પાણીપુરીની રેંકડીઓ અને એની આસપાસ, જેમ ગોળની આસપાસ મંકોડા તેમ રમણીઓનું જૂથ વિંટળાયું હતું.

એમને આશ્ચર્ય થયું કે આ બધી મહિલાઓને આ સ્વાદ ક્યાંથી લાગ્યો હશે ?

એવું વિચારતા એકાએક એમની નજર એક આધેડ મહિલા પર પડી અને ઠરી.

'અરે ! આ તો ફેન્ટા !' આશ્રર્યથી ઉદ્ગાર નીકળી ગયો એમણે જરા ધ્યાનથી જોયું તો એની સાથે એના સાસુ પટલાણી-કમળાબહેન હતાં.

પ્યારેલાલને એમની નજીક જઇને એમને નાહક શરમાવવાનું ઠીક ના લાગ્યું. થયું કે જીભનો ચટાકો એકલા પુરુષોને જ હોય ? મહિલાઓનેય શોખ હોય ને ?

એમણે જવું ટાળ્યું, પણ ફેન્ટાની નજર એમના પર પડી ગઈ. એકદમ એનાથી બોલી પડાયું 'આપણા પ્રોફેસર અન્કલ !'

અને એ સાથે જ બધાંનો દ્રષ્ટિયોગ સધાયો ના છૂટકે પ્યારેલાલને એમની નજીક જવું પડયું હજી એમનો નંબર લાઈનમાં પાછળ હતો. આગળ ચાર પાંચ મહિલાઓ એ જમાવટ કરી દીધી હતી. પ્રોફેસર પ્યારેલાલે સહેજ હસતાં પૂછ્યું : 'આજે અહીંયા ?'

ફેન્ટા ડઘાઈ ગઈ, સંકોચાઈ ગઈ. પણ તરત જ એણે ટોપલો સાસુને માથે ઓઢાડયો. વહુનીય જીભ વખત આઈએ જીવતી થઇ જતી હોય છે. 'અન્કલ ! મમ્મીને જરા પાણીપુરીનો ટેસ કરવો હતો !'

પટલાણી એકદમ છંછેડાયાં : 'ટેસ મારે કરવો હતો કે તારે ? મારું ખોટું નામ દે છે ?'

પ્રોફેસર પ્યારેલાલ સાસુવહુનું આ નાટક જોઈ હસી પડયાં : 'એમાં ખોટું કે ખરાબ શું છે ? શોખ બધાંને થાય'

પટલાણીએ હવે ફોડ પાડયો : 'અમે બજારમાંથી શાકભાજી લઇને આવતાં હતાં અને રસ્તામાં પાણીપુરીની લારી પાસે બીજી બહેનોને જોઈ.'

'એટલે અમને મન થઇ ગયું' ફેન્ટાએ વાક્ય પૂરું કર્યું.

પટલાણીએ પ્રોફેસરને આગ્રહ કર્યો : 'તમે ય અમને સાથ આપો ને ?'

'નારે બાબા ! પ્રિયા જાણે તો માછલાં ધૂએ.'

ફેન્ટાએ મજાક કરી : 'પ્રિયા આન્ટીની એટલી બધી બીક લાગે છે ?'

પ્રિયાનેય આવો બધો શોખ છે. એ જાણે કે હું પાણીપુરીનો ટેસ્ટ કરીને આવ્યો છું તો એ પોતે એવા 'ટેસ'માં રહી ગઈ. એને ચાન્સ ના મળ્યો એનો ગુસ્સો મારા પર કાઢે. કંઇ નહિ તમે તમારે નિરાંતે પાણીપુરીનો સ્વાદ કરો.

એમ કહેતાં એ ત્યાંથી તરત આગળ નીકળી ગયા.