Magazines

મમ્મી, ખોટ તારા દીકરામાં જ છે...

By GS TEAM
30 May 20266 mins read
મમ્મી, ખોટ તારા દીકરામાં જ છે...

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- અભિ, તું રહેવા દે. અત્યારે મમ્મીની સાથે જીભાજોડી ન કરીશ. રાત્રે શાંતિથી આપણે મમ્મી સાથે વાત કરીશું. બહારના લોકો સામે આપણા ઘરની આબરૂ શા માટે કાઢવાની

'કો કિલાબેન તમને શું વાત કરું... એવી માથાની ફરેલી વહુ મળી છે. નવાઈની ભણેલી છે, નોકરો કરે છે અને આખો દિવસ મારા અભિને દબાવ્યા કરે છે. છોકરાનીય જીભ ઉપડતી નથી. ખબર નથી શું જાદુ કરી નાખ્યો છે એણે?' - દેવિકાબેને બળાપો ઠાલવ્યો.

'દેવિકાબેન, અત્યારની બધી વહુઓ આવી જ છે. છોકરાઓ ઉપર શું ભુરકી નાખી દે છે, કે આપણા છોકરાઓ આપણને ભુલી જ જાય છે. અમારો નયન પણ જૂઓ... આખો દિવસ ઘેલો થઈને ફર્યા કરે છે પેલી વાલામુઈ પાછળ.'  - કોકિલાબેન પણ બોલ્યા.

'સાચી વાત છે. ઘરે ઘરે આવું જ છે. આ નવી પેઢી તો સાવ નમાલી જ નીકળી છે. રૂપિયા કમાતી લાવે એમાં તો શું ય તીર મારી લીધા હોય એવો તો ઠાઠ લઈને ઘરમાં ફરવાનું. આપણા કુંવરો તો હથિયાર હેઠા મેલીને પગચંપીઓ કરવા લાગે. સાલું નફરત થઈ ગઈ છે હવે તો.' - દેવિકાબેન બરાબર અકળાયેલા હતા. 

'જમાનો જ એવો છે બેન. આપણે કશું કહીએ તો ઘરમાં ઝઘડા થાય. ડોશી કજીયા કરાવે છે એવું લાગે. આપણે કશું ન કહીએ તો રાજી થઈને બારે દરવાજા ફરી ખાવાનું. શનિ-રવિ તો ઘરમાં ટાંટિયો ટકતો જ ના હોય. રવિવાર એટલે તો બહાર જ જવાનું, બહાર જ ખાવાનું. જાણે આખું અઠવાડિયું શું ઘરમાં છપ્પનભોગ રાંધીને થાકી ગયા હોય.' - કોકિલાબેને પણ બળાપો ઠાલવ્યો.

'બેન તમારે તો તોય સારું છે. ઘરમાં વસ્તાર તો છે. તમારા ઘરમાં નાનું છોકરું હોય તો પણ ઘૈડયાનો સમય જાય... અમારે તો એવું ય સુખ નથી. અમારે તો લગનના પાંચ વર્ષ થયા હજી ચારેબાજુ વાયણા જ ચાલે છે... ખબર નહીં ક્યારે આ ઘરમાં પાયણા બંધાશે. મારો તો સાવ બિકણ છે. પોતે ઘરમાં રહીને કામ કરે છે અને બૈરાને બહાર નોકરી કરવા જવા દે છે. આવું ક્યાંય હોતું હશે. પેલા બેન માર્કેટિંગ મેનેજર થઈને આખી ગામમાં રખડી ખાય. સાંજે ઘરે આવીને થાકી જાય.' 

'બંને જણા વાતો કરતા હોય તો તેમાં ક્યાં પ્રેમ, પરિવારની તો વાતો જ હોતી નથી. આખો દિવસ ટાર્ગેટ, કેરિયર, ગોલ એવું જ બધું કરતા હોય છે. છૈયા-છોકરા લાવવા પડે એવું તો ભાન જ પડતું નથી. ઘરમાંય રસોઈયા રસોઈ કરે, કામવાળા કામ કરે અને વહુરાણી ટીપટાપ કરીને બહાર ફર્યા કરે. આ બાયલો બાબો, બેબી તને કોફી બનાવી આપું.. બેબી તને માથું દબાવી આપું... બેબી તને ઠીક ના હોય તો આરામ કર, હું બહાર જાઉં છું. બેબીને ના ફાવતું હોય તો એના બાપના ઘેર પાછી મોટી થવા મુકી આયને ભઈ..' - દેવિકાબેન બરાબર અકળાયા હતા. 

'મમ્મી, તમારી પાસે વહુઓની ખોદણી કરવા સિવાય કોઈ કામ નથી. તમને જો બીજાની દીકરીઓથી બહુ વાંધો હતો તો તમારા છોકરાઓને વાંઢા રાખવા હતા. તમારા જેવા લોકોના દંભના કારણે જ ઘણા લોકોના ઘર ભાંગે છે. મને ઘણી વખત એમ થાય છે કે, આ મારી જ મમ્મી છે. તારા સંસ્કારો, તારી સંવેદનાઓ, તારા ગુણો ક્યાં ગયા... લાગે છે, દાદાની પાછળ બધાનું તર્પણ કરી દીધું હતું.' - અભિસાર ઘરની બહાર નીકળવા દરમિયાન બરાબર અકળાયો. 

'તું સંતાઈને અમારી વાતો સાંભળતો હતો. તને શરમ નથી આવતી.' - દેવિકાબેન અકળાયા.

'મમ્મી, શરમ તમને આવવી જોઈએ. આવી રીતે આખો દિવસ પોતાના જ દીકરા અને વહુઓની કુથલી કરો છો. આ ઉંમરે ભગવાનનું નામ લેવું જોઈએ, દેવદર્શને જવું જોઈએ. આ બધું ન થતું હોય તો ઘરમાં પડયા રહેવું જોઈએ. તમે લોકો આવી વાતો કરો છો. આ કોકિલામાસી, આખો દિવસ એમના ઘરે સંતોની પધરામણી થતી હોય છે, ભજન થતા હોય છે, દાન-ધરમ થતા હોય છે પણ પોતાના કર્મો તો રાક્ષસ જેવા જ છે. ઘરનાને જ બદનામ કરવાના.' - અભિસાર અકળાઈને જતો રહ્યો અને બંને તેની સામે જોઈ રહ્યા. 

અભિસારના ગુસ્સા બાદ લગભગ પંદર દિવસ સુધી માહોલ શાંત રહ્યો હતો. કોકિલાબેન આ તરફ ફરકતા નહોતા અને દેવિકાબેન પોતે પણ થોડા શાંત થઈ ગયા હતા. તેમને જો વાતો કરવી હોય તો કોકિલાબેનના ઘરે જતા અથવા બંને બગીચામાં જતા. અભિસારની હાજરીમાં દેવિકાબેનના ઘરે ડાયરો જામતો નહીં. 

એક વખત અભિસારના ઘરે જ ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરના સમયે આસપાસના લોકો અને કેટલાક સંબંધીઓ આવી ગયા હતા. હેમાક્ષી હજી આવી નહોતી. દેવિકાબેન થોડા અકળાયેલા હતા પણ ભજનનું ટાણું હતું એટલે વધારે બોલ્યા નહીં. સમયસર ભજન શરૂ થઈ ગયા અને સાડા છ વાગ્યે આરતી થઈ પણ વહુરાણી ઘરે આવ્યા જ નહોતા.

આરતી થયા બાદ લોકોએ પ્રસાદ લીધો અને નાસ્તો કરવા બહાર બગીચામાં જ ગોઠવાયા. નાસ્તાપાણી ચાલતા હતા ત્યાં હેમાક્ષી આવી. તેની સાથે એક ગાડી આવી હતી. તેમાંથી ગરમા ગરમ નાસ્તાના પેકેટ ઉતાર્યા અને બધા જ મહેમાનોના હાથમાં આપ્યા. દેવિકાબેન આ જોઈને ભડકી ગયા.

'ઘરમાં પ્રસંગ હોય તો હાજર રહેવું પડે. બહાર રખડી ખાવાનું અને પછી તૈયાર નાસ્તા લાવીને લોકોના હાથમાં પકડાવી દેવાના. આવી તો કોઈ મહેમાનગતી હોતી હશે. લોકોને ખવડાવવું જ હતું તો ઘરમાં હાજર રહીને બનાવવું હતું કે, અહીંયા બોલાવીને બનાવડાવવું હતું. આમ તૈયાર પેકેટો લાવીને શું સાબિત કરવા માગે છે. નવાઈના પૈસા છે એની જોડે કે પછી નવાઈની નોકરી કરે છે.' - દેવિકાબેને ગુસ્સા સાથે કહ્યું.

'મમ્મી, એ મહેમાનો માટે ગરમાગરમ નાસ્તો લઈને આવી તે તને દેખાતું નથી. તને અત્યારે પણ એને સંભળાવવાની તક જતી કરવી નથી. તને કંઈ ખ્યાલ આવે છે, આમ ગામની સામે તું હેમાક્ષીને ઉતારી પાડે છે. લોકોની સામે કંઈક તો મર્યાદા રાખ. તને નથી ગમ્યું  તો તારે મહેમાનોના ગયા પછી કહેવું હતું.' - અભિસારે તેની મમ્મીને સમજાવવાનો પ્રયાસ કર્યો. 

'બેટા, તું મને તો સમજાવીશ જ નહીં. તારે જે સમજાવવું હોય તે તારી બાયડીને સમજાવ. ઘરમાં ઘરની જેમ રહેવું પડે, પ્રસંગ હોય તો રજા રાખવી પડે, ઘરના માણસોને કામ કરાવવું પડે, છેલ્લી ઘડીએ આવીને લોકોને નાસ્તા પિરસીને સારું ન થવાનું હોય. ઘરની વહુ હોય તો આમન્યા પણ જાળવવી જોઈએ.' - દેવિકાબેને કહ્યું. 

'અભિ, તું રહેવા દે. અત્યારે મમ્મીની સાથે જીભાજોડી ન કરીશ. રાત્રે શાંતિથી આપણે મમ્મી સાથે વાત કરીશું. બહારના લોકો સામે આપણા ઘરની આબરૂ શા માટે કાઢવાની. આપણે છોકરા છીએ તો થોડું સાંભળી લેવાનું. હવે વાત ખેંચીશ નહીં.' - હેમાક્ષીએ અભિને સમજાવવાનો પ્રયાસ કર્યો.

'લો બોલો, વાંક પોતાનો છે અને પાછા મારી જોડે જીભાજોડી નહીં કરવાની સલાહ આપે છે. હવે મારે મારા છોકરા સાથે પણ વાત નહીં કરવાની. પોતાને છોકરા છે નહીં અને અમારા છોકરાઓને ફોસલાવીને રાખ્યા છે, પાછા અમને સલાહ આપવા નીકળ્યા છે.' - દેવિકાબેન બોલ્યા.

'મમ્મી, શું નોનસેન્સ જેવી વાતો કરે છે? જ્યારે જોઈએ ત્યારે બસ છોકરા નથી, બાળકો લાવતા નથી, બાળકો થતા નથી, હેમાને કરવા નથી, ફિગર સાચવવું છે, કેરિયર સાચવવી છે. તમારા લોકો પાસે બીજું કોઈ કામ નથી. નથી લાવવા અમારે છોકરા, નથી જોઈતો અમારે કોઈ વસ્તાર...' - અભિસાર બરાબર ગિન્નાયો....

'એ તો તું નહીં જ લાવું અને નહીં જ માનું, ભાઈ... તારી આંખે તારી આ લાડવઈએ પાટા બાંધી દીધા છે. તમે એની જ આંખે જોવાના છો. પછી ડંફાસો મારે છે, એકાદ છોકરું જણીને તો બતાવો.' - દેવિકા બેન પણ બરાડયા.

'અમારે છોકરા જોઈતા નથી અને અમારે છોકરા થવાના પણ નથી. એક્ચ્યુલી અમારે છોકરા થઈ શકે તેમ જ નથી. તેનું કારણ હેમુ નહીં હું છું. 

તારા છોકરામાં જ ખોટ છે. તારો છોકરો નપુંસક છે. આ છોકરી લગ્નની પહેલી રાતથી જાણે છે છતાં મારી સાથે જીવન પસાર કરે છે. તને વિશ્વાસ ન આવતો હોય તો એક વખત કેતન અંકલને ફોન કરીને પૂછી લેજે... તેમણે પણ તમામ રિપોર્ટ જોયા છે. હેમુએ તો સંતાન દત્તક લેવાની પણ ના પાડી કારણ કે મારા આત્મસન્માનને ઠેસ ન પહોંચે. જ્યારે જોઈએ ત્યારે છોકરા... છોકરા... તારા છોકરામાં જ ભલીવાર નથી અને કોઈની દીકરીને મેણા માર્યા કરે છે. તારો છોકરો પવૈયો છે. તારામાં હિંમત હોય તો આ વાત સ્વીકારી લેજે અને કાલથી આ ડોશીઓ જોડે એની ચર્ચા કરજે.' - અભિસારે બરાડા પાડીને કહ્યું અને બધા જ સ્તબ્ધ થઈને જોઈ રહ્યા એની સામે.