Magazines

ધારી લીધું એના કરતા પૂછી લીધું હોત તો...

By GS TEAM
23 May 20266 mins read
ધારી લીધું એના કરતા પૂછી લીધું હોત તો...

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'સાંભળો, મેં અજાણતામાં મમ્મીને બહુ અન્યાય કર્યો છે, હું તાત્કાલિક તેમને મળવા જવા માગું છું. વેકેશન ચાલે છે તો જઈ જ આવું. મને કાલની મળે તો કાલની ટિકિટ કરાવી આપો.'

'મ મ્મી મને ઠંડી લાગે છે, મારું બ્લેન્કેટ આપને. મને આ નથી ફાવતું.' - કહાને ઉપરની બર્થ ઉપર પડયા પડયા કહ્યું અને નીચે સાક્ષીની વિચારોની ગાડી અટકી પડી. તે ઊભી થઈ અને બેગમાંથી બ્લેન્કેટ કાઢીને કહાન તરફ ફેંક્યો.

'બસ. ગાડીમાં બેસતાની સાથે જ તારું મોબાઈલ રમવાનું ચાલુ થઈ ગયું. થોડીવાર આરામ કર.' - સાક્ષીએ છણકો કરતા કહ્યું પણ કહાનને ખાસ ફરક પડયો નહીં. સાક્ષી પણ બોલીને બેસી ગઈ.

થોડીવારમાં ગાડીની સાથે સાક્ષીની વિચારોની ગાડી ચાલી. તેને લાગતું હતું કે, તેણે ઘણી મોટી ભુલ કરી દીધી છે. તેની ગેરસમજ અથવા તો એમ કહીએ કે ઓવરથિંકિંગને કારણે તેનાથી ખોટું પગલું ભરાઈ ગયું હતું પણ સમયવર્તે તેને ભાન થઈ ગયું.

બરાબર એક દાયકા પહેલાં સાક્ષીના લગ્ન ઉર્વિલ સાથે થયા હતા. સાક્ષીનો મામાનો દીકરો સંદિપ અને ઉર્વિલ એક જ કંપનીમાં અમદાવાદમાં નોકરી કરતા હતા. સાક્ષી અને તેનો પરિવાર સુરતમાં રહેતા હતા પણ મામાના દિકરાની અંગત સલાહ હતી તેથી સાક્ષીએ ઉર્વિલને પસંદ કરી લીધો અને ખરેખર તેની પસંદ સારી હતી. 

સાક્ષીના લગ્ન થયા અને તેઓ લગ્ન કરીને જોધપુર ગયા. ઉર્વિલના પિતા ત્યાં બીએસએફમાં અધિકારી હતી અને પછી નિવૃત્ત થઈને ત્યાં જ સ્થાયી થઈ ગયા હતા. ઉર્વિલને ડિફેન્સમાં રસ નહોતો. તેણે મેકેનિકલ એન્જિનિયરિંગ કર્યા બાદ એમબીએ કર્યું હતું અને અમદાવાદની એક મોટી કંપનીમાં ફાઈનાન્સ હેડ હતો. સાક્ષીનો ભાઈ આ જ કંપનીનો સીએસ હતો તેથી બંને વચ્ચે મિત્રતા પણ હતી. તેના કારણે જ સાક્ષીને ઘણું સારું પાત્ર મળી ગયું હતું. લગ્ન સમયે સાક્ષીની મમ્મીએ માત્ર એક જ શિખામણ આપી હતી કે, હવે તારો નવો જન્મ થયો છે. તારી સાસુ અને તારા સસરા જ તારા માતા-પિતા છે. તેમના ઘરને જ તારું ઘર ગણીને રહેજે અને સુખી થશે તથા પરિવારને કરજે.

સાક્ષી આ જ શિખામણ અને સપનાં લઈને ઉર્વિલ સાથે જોધપુર આવી હતી. તેઓ અહીંયા અઠવાડિયું જ રહ્યા હતા. ત્યારબાદ હનિમૂન ઉપર જતા રહ્યા અને પછી સીધા જ અમદાવાદ ગયા. દિવાળી વખતે સાક્ષીને એક મહિનો જોધપુર રહેવા જવાનું સૌભાગ્ય સાંપડયું હતું. આ દરમિયાન સાસુ અને વહુ વચ્ચે અત્યંત સારી આત્મિયતા કેળવાઈ ગઈ હતી. સાક્ષીના સસરા તો દીકરીનો અભાવ હોવાથી તેને સવાઈ રીતે રાખતા હતા. તેમને દીકરી જોઈતી હતી અને પરિવારમાં બંને દીકરા જ હોવાથી સાક્ષી તેમને મન વધારે હતી.

સાક્ષીનું તેના સાસુ-સસરા સાથે ખૂબ જ સરસ બોન્ડિંગ થઈ ગયું હતું. સ્થિતિ એવી થતી કે ધીમે ધીમે સાક્ષીનું પિયર તરફનું આકર્ષણ મર્યાદિત થઈ ગયું હતું. તે સમય મળ્યે તેની મમ્મી સાથે વાત કરતી પણ તેની સાસુ સાથે તો કલાકો સુધી વાતો કરતી. બે-ચાર દિવસ મળે તો જોધપુર ચક્કર મારી આવતી. ત્યાં સુધી કે કહાનનો જન્મ થયો ત્યારે સાક્ષી પિયર જવાના બદલે જોધપુર ગઈ હતી.

તેમનું બોન્ડિંગ સરસ રીતે ચાલતું હતું. ઉર્વિલ સાથેનું દાંપત્ય પણ સુમધુર હતું પણ છ મહિના પહેલાં બનેલી એક ઘટનાએ તેના મનમાં ક્યાંક ખટાશ લાવી દીધી હતી. ઘટના એવી હતી કે, ઉર્વિલના કાકાની દીકરીના લગ્ન હતા. આ લગ્ન જોધપુરમાં જ રાખવામાં આવ્યા હતા. ઉર્વિલના પપ્પાને એકપણ દીકરી નહોતી તેથી નક્કી થયું હતું કે, તેમની એક ભત્રીજીનું કન્યાદાન તેઓ કરશે. મોટી દીકરીને તો કાકાએ પરણાવી હતી પણ નાનીના લગ્ન જોધપુર રાખવામાં આવ્યા હતા. 

ઉર્વિલનો અને તેના કાકાનો પરિવાર સુખી અને સમૃદ્ધ હતો તેથી ખર્ચાની કોઈ ચિંતા નહોતી. એક અઠવાડિયા સુધી બધો તામજામ રાખવામાં આવ્યો હતો. તેમાં લગ્નની બે રાત પહેલાં સવારે થોડી સમસ્યા સર્જાઈ હતી. સવારે દીકરીના કરિયાવરની વસ્તુઓ ગોઠવાતી હતી ત્યારે સાક્ષીની સાસુએ કહ્યું કે, સિલ્કની ત્રણ સાડીઓ પણ અહીંયા મુકી દે. છોકરીને પહેરવા ચાલશે.

'ના મમ્મી. આપણે પહેલેથી જ ૨૧ સાડીઓ આપી છે. નિકિતાબેન લગ્ન કરીને પણ શહેરમાં જ જાય છે. ત્યાં નોકરી કરવાના છે. તેમની કંપનીમાં સાડી પહેરવાનું નહીં ફાવે. તેના બદલે તેમના માટે હું ડ્રેસ અને કેટલાક જિન્સ અને ટોપ લાવી છું. તેમને વધારે અનુકુળ રહેશે. હું એ મુકી દઉં છું.' - સાક્ષીએ જવાબ આપ્યો અને ઊભી થઈને પોતે લાવેલા કપડાં લેવા બીજા રૂમ તરફ ચાલવા લાગી.

'ભલે. તને ઠીક લાગે તેમ કર.' - સાક્ષીની સાસુએ કહ્યું પણ સાક્ષીના જવાબની સાથે જ ત્યાંનું વાતાવરણ તંગ થઈ ગયું.

'લો બોલો, વહુઓ સાસુને સામે જવાબ આપી દે છે. અમે તો ક્યારેય અમારી સાસુ સામે આંખ ઉંચી કરીને પણ જોઈ શકતા નહોતા. આજકાલની વહુઓ મોઢે ના પાડી દે છે.' - સાક્ષીની ફોઈએ ટોણો માર્યો.

'હસુમતી તો વહુના ઘુંટણીયે પડી ગઈ છે. મેં તો પહેલાં જ કહ્યું હતું કે, શહેરની છોકરીઓને આટલી હવા આપો એટલે માથે ચડી જાય. મારું માને છે કોણ આ ઘરમાં. હવે જૂઓ સાક્ષી સામે હસુમતીનો અવાજ પણ નીકળતો નથી.' - ઉર્વિલના મોટાકાકીએ કહ્યું અને સાક્ષી રૂમમાં જતા અટકી ગઈ. તેને પાછા ફરીને જવાબ આપવાની ઈચ્છા થઈ પણ તેણે જવાબ આપવાનું ટાળ્યું. તેને આશા હતી કે તેના સાસુ જવાબ આપશે પણ તેવું થયું જ નહીં. 

તે રૂમમાં જતી રહી અને ઉર્વિલની અન્ય એક બહેન સાથે કપડાં મોકલાવી દીધા. તે દિવસ તો તેણે પરાણે પસાર કર્યો. તેને બહુ માઠું લાગ્યું હતું કે, તેના સાસુ કે જેને તેણે પોતાની સગી મા કરતા સવાયો દરજ્જો આપ્યો હતો તેમણે આજે તેના માટે કોઈ સ્ટેન્ડ લીધું નહીં. 

આ જ રીતે કાકાની દીકરીના લગ્ન સંપન્ન થઈ ગયા. બધું પૂરું કરીને તેઓ અમદાવાદ આવતા રહ્યા પણ હવે સાક્ષી બદલાઈ ગઈ હતી. ત્યારથી આજદિન સુધીમાં લગભગ છ મહિનામાં તેણે પરાણે એકાદ-બે વખત પોતાની સાસુને ફોન કર્યો હતો. તેમનો ફોન આવે તો પણ મોટાભાગે લાંબી વાત કરવાનું ટાળતી હતી. કહાનના ભણવાનું, ટયૂશનનું કે એક્ટિવિટીમાં લાવવા-લઈ જવાનું બહાનું કાઢીને વાત ટાળવા લાગી હતી. 

આમ કરવાના લીધે તેના મનમાં ઘણો ભાર વધી ગયો હતો. તેનો આક્રોશ, તેની પીડા, તેની ચિંતા બધું જ બરાબર ગોરંભાયું હતું. એક દિવસ સાક્ષીના સસરા આવ્યા અને આ વાદળ વરસી પડયું. 

સાંજે ભોજન કરીને, પરવારીને બધા સાથે વાતો કરતા હતા. ઉર્વિલના પપ્પા મુંબઈ કોઈ સંબંધીને ત્યાં જવા માટે આવ્યા હતા. તેની પહેલાં એક દિવસ અહીંયા રોકાવાના હતા. તેમણે રાત્રે સાક્ષીને પોતાની પાસે બેસાડી અને કહ્યું,

'દીકરી તારા ફોન હવે નિયમિત આવતા નથી. તું સારી રીતે વાત પણ કરતી નથી. સાચું બોલ શું થયું છે? અમારાથી કોઈ ભુલ થઈ છે કે પછી ઉર્વિલ સાથે કંઈ થયું છે.' 

'બાપુજી એવું કશું જ નથી... આતો...' - એટલું બોલતા જ સાક્ષી રડી પડી. તેણે રડતા રડતા લગ્ન પ્રસંગની સમગ્ર વાત કહી. તેના જવાબમાં બાપુજી અને ઉર્વિલ જોર જોરથી હસવા લાગ્યા. સાક્ષી તેમને જોઈને ડઘાઈ ગઈ.

'બેટા તું જે વાત કરે છે, તે વાત મને તારી સાસુએ કહી હતી. મારી બહેન કે મારી ભાભી અથવા બીજી સ્ત્રીઓ ટોણા મારતી હતી ત્યારે હસુમતી ત્યાં હાજર જ નહોતી. મોટા વેવાઈ અને વેવાણ આવ્યા હતા તેથી તેમને આવકારવા બહાર ગઈ હતી. સામેની તરફ હું અને ઉર્વિલ બેઠા હતા પણ અમને કોઈ ફેર પડયો નહોતો. તારી સાસુ હાજર જ નહોતી તો તારો પક્ષ કેવી રીતે લે. તું પણ ખરી છું. 

તે આટલું બધું ધારી લીધું અને છ મહિના સુધી દુ:ખી થઈ તેના કરતા એક વખત મમ્મીને પુછી લીધું હોત તો તારો ભાર હળવો થઈ જાય.' - સાક્ષીના સસરા બોલ્યા અને સાક્ષીની આંખમાં ફરી આંસુ આવી ગયા.

'સાંભળો, મેં અજાણતામાં મમ્મીને બહુ અન્યાય કર્યો છે, હું તાત્કાલિક તેમને મળવા જવા માગું છું. વેકેશન ચાલે છે તો જઈ જ આવું. મને કાલની મળે તો કાલની ટિકિટ કરાવી આપો.' - સાક્ષી ફરીથી રડમસ અવાજે બોલી. 

આ લાગણીઓ સાથે સાક્ષી ટ્રેનમાં ગોઠવાઈ હતી અને જોધપુર આવીને ટ્રેન અને તેના વિચારો પણ અટક્યા.