Magazines

પત્ની પિયર જવા માટે તરત તૈયાર થાય એ માટે શું કરવું?

By GS TEAM
20 Jun 20263 mins read
પત્ની પિયર જવા માટે તરત તૈયાર થાય એ માટે શું કરવું?

- સ્કવેર કટ-અધીર અમદાવાદી

= પત્ની પિયર જવા માટે તરત તૈયાર થાય એ માટે શું કરવું?

- કાનજીભાઈ ઓ. વેણ, તા. ધરણીધર વાવ થરાદ

- 'બહેન છોકરાઓ સાથે આવવાનું વિચારે છે', એવું કહો એને.

= ઘીમાં ખીચડી ઢોળાઈ જાય તો શું કરાય?

- નરેશભાઈ બી. પરમાર, ભરૂચ

- ખીચડીનો જ્યુસ કાઢીને ડોલચામાં ભરવો.

= જે કશું જ નથી કરતા એ શું કરતા હશે?

- સરદારખાન મલેક, મહેસાણા

- જો લોગ કુછ નહીં કરતે વો કમાલ કરતે હૈ (દાગ દહેલવી)

= પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ બંને મળે છતાં એને પેટ્રોલ પંપ જ કેમ કહે છે?

- માયા ડી. સોની, ગોધરા

- પેટ્રોલ પરત્વે પરમ પક્ષપાત.

= સાળી હમણાથી વખાણ બહુ કરે છે. મારે શું સમજવું ?

- નીરવ રામી, વડોદરા

- સ્ટાર્ટ અપ આવતું હશે કોઈ. તમે ઇન્વેસ્ટર હશો.

= તમારાં જવાબો ક્યારેક ન સમજાય તો શું કરવાનું?

- શિવમ યાજ્ઞિાક, રાજકોટ

- મારું ટયુશન રાખી શકાય.

= કઈ વાતની મસ્તી ના કરાય?

- પંકજ કપાસી, મહેસાણા

- વસ્તી કરતી વખતે પસ્તી ઊડે એની અમસ્તીએ ના કરાય.

=કરચોરી, કામચોરી અને ભ્રષ્ટાચાર આ દેશને ક્યાં લઈ જાશે?

- મુકેશ ટી. ચંદારાણા, મીઠાપુર

- દેશ હજારો વર્ષ જાતજાતની આફતો સામે ટક્યો છે. ફિકર નોટ.

= સાચો પ્રેમ કોને કહેવાય?

- મોહિત મર્થક, રાજકોટ

- પ્રેમીએ પીરસેલ ગુવારનું શાક પણ ખાઈ લે તે.

= કોકરોચ જનતા પાર્ટીનું ભવિષ્ય કેવું લાગે છે?

- ફારૂક દેસાઈ, અમરેલી

- પારકે પૈસે તાગડધિન્ના છે

= વાઈફ અને પ્રેમિકા બેમાંથી કોણ વધારે સુંદર?

- ચેતન ત્રિવેદી, અમદાવાદ

- તમે એકેયના ફોટા એટેચ કર્યા નથી.

=ઉંમર જેમ વધતી જાય તેમ ખડખડાટ હસવાનું કેમ ઘટતું જાય છે? - નયનભાઈ પટેલ, ભરૂચ

- ચોકઠું પડી જવાના ભયથી

= દુનિયામાં એવો કયો પ્રશ્ન છે જે પૂછવાથી ડોન્કી અને ડોગી બેઉને એકસાથે તાવ આવે?

-દર્શન કોઠારી, અમદાવાદ

- આ.

= કોઈ ગુંડો, મવાલી, કુંવારો હોય છતાં કેમ એ દાદો કહેવાય છે?

- યોગેશ જોશી, હાલોલ

- ખરેખર. શબ્દકોશમાં ચોખવટ છપાવી જોઈએ. તમે લખો.

= કાગડો જ કેમ દહીથરું લઈ જતો હશે?

- વિપુલાબેન મકવાણા, રાજકોટ

- એવું નથી, જે દહીંથરું લઈ જાય છે લોકો એને જ કાગડો કહે છે.

= તમે છેલ્લે ક્યારે મૂર્ખ બન્યા હતા?

- જ્યોતિષ પાઠક, વડોદરા

- ના. એ મારી લગ્નની ડેટ નથી.

=સાસુ એમ કહે કે 'મારી દીકરી તો ગાય જેવી છે' તો શું સમજવું?

- જયેશ ઠક્કર, નડિયાદ

- તો એ તમને બળદ કહે છે.

= છૂટાછેડા માટે લોન ક્યાંથી મળે?

- કુંતેશ જી. ભરુચા, મુંબઈ

- નર્સરીમાં

= પર્યાવરણ અને માણસને સુધારવા સ્પ્લીટ એસીનું બહારનું યુનિટ ઘરમાં અને ઘરનું યુનિટ બહાર લગાડીએ તો?

- ગોપાલ દવે, અમદાવાદ.

- શરૂ કરો. વાંદરાઓના આશીર્વાદ પણ મળશે.

= કાગળનો વાઘ એટલે શું?

- અનિલ ગોસ્વામી,પાટણ

- ટ્રાફિક પોલીસ

= અમારા સવાલને પસંદ કરી તમે વ્યંગમાં જવાબ આપો એટલે જાણે અમને 'મેન્ડેટ' મળી ગયો હોય એવું કેમ લાગે છે?

- રોહિત દરજી 'કર્મ', હિમ્મતનગર 

- મેન્ડેટ એટલો સસ્તામાં મળે છે? પહેલાં કીધું હોત તો અત્યારે કોર્પોરેટર હોત!