Magazines

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન : હવે 'વેન્ટિલેટર' ઉપર જીવન વિતાવી રહ્યું છે?

By GS TEAM
20 Jun 20266 mins read
આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન : હવે 'વેન્ટિલેટર' ઉપર જીવન વિતાવી રહ્યું છે?

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

અં તરિક્ષના અનંત અંધકારમાં માનવજાતે કંડારેલી પ્રગતિની કેડી, આજે એક મોટા વળાંક પર આવીને ઊભી રહી છે. પૃથ્વીથી આશરે ૨૫૦ માઇલ ઉપર, અવિરત ચક્કર લગાવતું આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઇ.એસ.એસ.), હાલમાં તેના અસ્તિત્વના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. નાસાના ઇન્સ્પેક્ટર જનરલના સત્તાવાર દસ્તાવેજો અનુસાર, આશરે ૧૦૦ અબજ ડૉલરના ખર્ચે બનેલું આ સ્પેસ સ્ટેશન, હવે તેની સમય મર્યાદા પૂર્ણ કરી ચૂક્યું છે. પૃથ્વીની આસપાસ લગભગ ૧,૪૬,૦૦૦ પ્રદક્ષિણાઓ પૂર્ણ કર્યા બાદ, અંતરિક્ષ સ્ટેશનના હાર્ડવેર અને આંતરિક સિસ્ટમો, હવે વૃદ્ધ બનીને જવાબ આપી રહી છે. તાજેતરમાં સ્પેસ સ્ટેશનના રશિયન મોડયુલમાં, અચાનક હવાનું દબાણ ઝડપથી ઘટવા લાગ્યું છે. હવાની ગંભીર લીકેજની સમસ્યા જોવા મળી છે. પરિસ્થિતિ એટલી બધી નાજુક બની ગઈ છે કે, નાસાએ સ્પેસ સ્ટેશન પર હાજર અમેરિકન અને યુરોપિયન અંતરિક્ષયાત્રીઓને, તાત્કાલિક સુરક્ષિત આશ્રયસ્થાનમાં જતા રહેવાનો અને પૃથ્વી પર પાછા ફરવા માટે, ઇવેક્યુએશનની તૈયારી કરવાનો આદેશ આપવો પડયો છે. જેમ કોઈ ટાયરમાં પંચર પડવાથી હવા નીકળી જાય, તેમ બ્રહ્માંડના શૂન્યાવકાશમાં, કરોડો રૂપિયાની કિંમતનો ઓક્સિજન, અંતરિક્ષમાં વેડફાઈ રહ્યો છે.

ચાની એક ચુસ્કી : આખી પૃથ્વીની પ્રદક્ષિણા

અંતરિક્ષમાં માનવ વસાહત સ્થાપવાનું સપનું, વિજ્ઞાન જગત માટે હંમેશાં રોમાંચક રહ્યું છે. નવેમ્બર ૨૦૦૦માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખાતે, કાયમી ધોરણે અંતરિક્ષયાત્રીઓની પ્રથમ ટુકડી મોકલવામાં આવી હતી. ત્યારથી લઈને છેલ્લા ૨૫ વર્ષથી વધુ સમયથી, ત્યાં સતત માનવ હાજરી રહી છે. જે માનવ ઇતિહાસમાં, અંતરિક્ષમાં સૌથી લાંબો સમય ટકી રહેવાનો વિક્રમ છે. આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ ૧૯૯૮માં થઈ હતી, જ્યારે રશિયાએ તેનું 'ઝારિયા' મોડયુલ અંતરિક્ષમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ઇન્ટરનેશનલ  સ્પેસ સ્ટેશન કદમાં, અંદાજે એક આખાય ફૂટબોલ મેદાન જેટલું મોટું છે! તેનું કુલ વજન આશરે ૪,૧૯,૭૨૫ કિલોગ્રામ છે, જે પૃથ્વી પરના ૪૦૦થી વધુ કદાવર હાથીઓના વજન બરાબર થાય છે. આ વિશાળકાય પ્રયોગશાળા પૃથ્વીની આસપાસ, કલાકના ૨૮,૦૦૦ કિલોમીટરની આશ્ચર્યજનક ઝડપે દોડે છે. તે દરરોજ પૃથ્વીના ૧૬ ચક્કર પૂરા કરે છે. આપણે પૃથ્વી પર બેસીને ચાની એક ચુસ્કી લઈએ એટલીવારહમાં ત્યાં બેઠેલા વિજ્ઞાનીઓ પૃથ્વીની પરિક્રમા કરી ચૂક્યા હોય છે. આ સ્પેસ સ્ટેશનને ૨૦૧૫ સુધી કાર્યરત રાખવા ડિઝાઇન કરાયું હતું. એક દાયકાથી વધુ સમય વીતાવી ચૂક્યું છે. નાસાના ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, 'સ્ટેશનના આશરે ૫૮૮ જેટલા સ્પેરપાર્ટ્સ એવા છે, જે પોતાની ઓપરેશનલ લાઈફલાઈન વટાવી ચૂક્યા છે.' જૂના રશિયન મોડયુલોમાં માઇક્રો-મેટોરાઇટ્સ અને સ્પેસ જંકના સતત અથડાવાથી, ઝીણી તિરાડો પડી રહી હતી. જે આજના ગંભીર એર લીકનું કારણ બની છે. આ લીકેજ રશિયાના 'ઝવેઝદા' સર્વિસ મોડયુલના, ટ્રાન્સફર ટનલ ભાગમાં માઇક્રોસ્કોપિક તિરાડોને કારણે થયું હોવાનું જણાય છે. જોકે ઇતિહાસમાં ક્યારેય આઇ.એસ.એસ.ને, આ રીતે ખાલી કરવાની નોબત આવી નથી. હવે શું થશે? તેનો જવાબ શોધવાનો પ્રયત્ન ચાલુ છે. આઇ.એસ.એસ. ઉપર જીવનું જોખમ ખેડનાર અંતરિક્ષયાત્રીઓ કોણ છે?

આરી, આદેશ, અને 90 મિનિટનો તણાવ 

૫ જૂન ૨૦૨૬ના રોજ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર સર્જાયેલી કટોકટી, કોઈ હોલીવુડની સાયન્સ-ફિક્શન ફિલ્મ જેવી રોમાંચક છતાં ભયાનક છે.  બ્રહ્માંડના શૂન્યાવકાશમાં આપણું સ્પેસ સ્ટેશન એક એવું ઘર છે, જેની દીવાલોમાં સૂક્ષ્મ તિરાડોમાંથી કિંમતી હવા લીક થઈ રહી છે. આ હવાનું લીકેજ રશિયન ભાગમાં આવેલા 'ઝવેઝદા' સર્વિસ મોડયુલના પાછળના ભાગમાં જોડાતી, એક નળાકાર ટનલમાંથી થઈ રહ્યું છે, જેને ટેકનિકલ ભાષામાં 'ઁણિ' કહેવામાં આવે છે. આ ટનલ વિજ્ઞાનીઓના મુખ્ય રહેઠાણને, કાર્ગો સ્પેસક્રાફ્ટના ડોકિંગ પોર્ટ સાથે જોડે છે.

જૂનના પ્રથમ અઠવાડિયામાં પરિસ્થિતિ વણસી, જ્યારે રશિયન સ્પેસ એજન્સી 'રોસકોસમોસ'ના એન્જિનિયરોએ જોયું કે, લીકેજનો દર અચાનક બમણો થઈને, રોજનો આશરે ૧ પાઉન્ડથી વધીને ૨ પાઉન્ડ થઈ ગયો છે. પરિણામે, રશિયન કોસ્મોનોટ્સે અત્યંત વિવાદાસ્પદ અને નાટકીય નિર્ણય લીધો. તેમણે લીકેજના મૂળ સુધી પહોંચવા માટે બ્રેકેટ હટાવવા, 'આરી' વડે સ્ટેશનના એક આંતરિક ધાતુના હિસ્સાને કાપવાનું શરૂ કર્યું! નાસાના વિજ્ઞાનીઓ રશિયન વિજ્ઞાનીઓની આ પદ્ધતિ સાથે, બિલકુલ સહમત નહોતા. સ્પેસ સ્ટેશન જેવા અત્યંત સંવેદનશીલ દબાણવાળા વાતાવરણમાં, આરી વડે કાપકૂપ કરવાથી આખું સ્ટેશન, ક્ષણભરમાં ફાટી શકે તેવો ગંભીર ખતરો હતો. આથી જ, હ્યુસ્ટન સ્થિત નાસા મિશન કંટ્રોલે, સવારે ૯:૦૩ વાગ્યે અમેરિકન અને યુરોપિયન અંતરિક્ષયાત્રીઓને, તાત્કાલિક સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં જતા રહેવાનો કડક આદેશ આપ્યો હતો.

રોસકોસમોસના જણાવ્યા અનુસાર, તેમણે ઓક્સિજન લીકેજના બે સ્ત્રોતો શોધી કાઢયા હતા, જેમાંથી એકને તાત્કાલિક સીલ કરી દેવાયો હતો, અને બીજાને બંધ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. અંદાજે ૯૦ મિનિટના ભારે તણાવ બાદ, જ્યારે રશિયન નિષ્ણાતોએ વધારાનો ડેટા એકત્રિત કરવા માટે, સમારકામની કામગીરી થોડીવાર રોકી, ત્યારે દબાણ સ્થિર હોવાનું જણાતા, નાસાએ આશ્રય આદેશ પાછો ખેંચ્યો હતો. પરંતુ આ નજીવા બચાવે, ભવિષ્ય માટે મોટા પ્રશ્નો ઊભા કર્યા છે.

ઇમરજન્સી લાઇફબોટમાં અંતરિક્ષયાત્રીઓ

બ્રહ્માંડના અનંત શૂન્યાવકાશમાં જ્યારે ૧૦૦ અબજ ડૉલરની પ્રયોગશાળા, હવાની કટોકટીનો સામનો કરી રહી હતી, ત્યારે પૃથ્વીથી ૪૦૦ કિલોમીટર ઉપર માનવજાતની  રક્ષા અને વિજ્ઞાનની મશાલને પ્રજ્વલિત રાખવાની જવાબદારી, કેટલાક અદભુત સંશોધકોના ખભા પર છે. ૫ જૂન ૨૦૨૬ના રોજ સ્પેસ સ્ટેશન પર સર્જાયેલી, આ નાટકીય ક્ષણોમાં કુલ ૭ અંતરિક્ષયાત્રીઓ હાજર છે. જેમાંથી ૫ સભ્યોને તાત્કાલિક સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં, આશ્રય લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કટોકટી દરમિયાન સ્પેસએક્સ ડ્રેગન સ્પેસક્રાફ્ટના કમાન્ડર તરીકે, અમેરિકન અંતરિક્ષયાત્રી જેસિકા મીર ફરજ બજાવી રહ્યા છે. તેમની સાથે સ્પેસક્રાફ્ટના પાઇલટ તરીકે, યુ.એસ. નેવીના કમાન્ડર જેક હેથવે છે, જેઓ કનેક્ટિકટના સાઉથ વિન્ડસરના વતની છે. મિશન સ્પેશિયાલિસ્ટ તરીકે ફ્રાન્સના સોફી એડેનોટ પણ આ ટીમનો હિસ્સો છે, જેમણે ફ્રાન્સના ટુલુઝમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ, હેલિકોપ્ટર પાઇલટ અને ડિઝાઇન એન્જિનિયર તરીકે સેવાઓ આપી છે. ૨૦૨૨માં તેઓ યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા પસંદગી પામ્યા છે. આ સંકટ સમયે રશિયન અંતરિક્ષ એજન્સી 'રોસકોસમોસ'ના, કોસ્મોનોટ એન્ડ્રે ફેદ્યાયેવ પણ ડ્રેગન કેપ્સ્યુલમાં હાજર છે. એન્ડ્રે માટે આ બીજી લાંબી અવધિની અંતરિક્ષ સફર છે. તેઓ અગાઉ ૨૦૨૩માં એક્સપિડિશન ૬૯ના ફ્લાઇટ એન્જિનિયર તરીકે, ૧૮૬ દિવસ ભ્રમણકક્ષામાં વિતાવી ચૂક્યા છે. આ ૪ સભ્યો ઉપરાંત એક્સપિડિશન ૭૪ના ફ્લાઇટ એન્જિનિયર, ક્રિસ વિલિયમ્સ પણ સલામતીના ભાગરૂપે તેમની સાથે જોડાયા છે. જ્યારે આ ૫ વિજ્ઞાનીઓ સ્પેસસૂટ પહેરીને, ઇમરજન્સી લાઇફબોટ જેવા ડ્રેગન ક્રાફ્ટમાં શ્વાસ અધ્ધર કરીને બેઠા છે, ત્યારે સ્પેસ સ્ટેશન પર બાકી રહેલા બે રશિયન જાબાંઝ કોસ્મોનોટ્સ, કમાન્ડર સેર્ગેઈ કુડ-સ્વરચકોવ અને ફ્લાઇટ એન્જિનિયર સેર્ગેઈ મિકાએવ, પોતાના જીવના જોખમે સ્ટેશનની અંદર એર લીક સમારકામની કામગીરીમાં વ્યસ્ત છે. આ વિજ્ઞાનીઓ માનવ ઇતિહાસની સરહદો વિસ્તરણ કરનારા આધુનિક શોધકો છે.

'પોઇન્ટ નેમો' : જ્યાં 100 અબજ ડાલર સમુદ્રમાં ડૂબશે! 

આ ઘટનાક્રમ માનવજાતના એક સુવર્ણ યુગના અંતની શરૂઆતની ગવાહી આપે છે. સ્પેસ સ્ટેશન આયુષ્યની મર્યાદા વટાવી ચૂક્યું હોવાથી નાસાએ આ વૈશ્વિક ધરોહરને નિવૃત્ત કરવાની જાહેરાત કરી  છે. જો વિશાળકાય સ્પેસ સ્ટેશન, પૃથ્વી પર કુદરતી રીતે પોતાની મેળે તૂટી પડે, તો તેનો કાટમાળ પૃથ્વીના વસવાટવાળા વિસ્તારો પર, મોતનો વરસાદ વરસાવી શકે છે. અંદાજે ૨૮૦ ફેમિલી કાર જેટલા વજનનો સળગતો કાટમાળ, પૃથ્વી પર ફેંકવા સમાન ગણાશે. આ ભયાનક જોખમને ટાળવા માટે, નાસાએ સ્પેસએક્સ કંપની સાથે, આશરે ૧ અબજ ડૉલરનો એક મહત્વાકાંક્ષી કરાર કર્યો છે. સ્પેસએક્સ દ્વારા એક ખાસ 'સ્પેસ ટગબોટ' બનાવવામાં આવશે, જે વર્તમાન ડ્રેગન કેપ્સ્યુલનું અત્યંત શક્તિશાળી અને સુધારેલું સંસ્કરણ હશે. આ વાહન સામાન્ય કરતાં ૬ ગણું વધુ બળતણ વહન કરશે. આ આખી પ્રક્રિયા તબક્કાવાર રીતે હાથ ધરાશે : ૧. વર્ષ ૨૦૨૮ : સ્પેસ સ્ટેશનની ઊંચાઈ ૨૫૦ માઇલથી ઘટાડીને, ૨૦૦ માઇલ પર લાવવામાં આવશે, આ દરમિયાન આઇ.એસ.એસ.માં પ્રયોગો ચાલુ રહેશે. ૨. વર્ર્ષ ૨૦૨૯ :  અંતરિક્ષયાત્રીઓની છેલ્લી ટુકડી તમામ ઐતિહાસિક સામગ્રી લઈને, સ્ટેશનને કાયમ માટે અલવિદા કહી દેશે. ૩. વર્ષ ૨૦૩૦ :  સ્પેસ ટગબોટ સ્ટેશનને, પ્રશાંત મહાસાગરમાં આવેલા માનવરહિત અને નિર્જન વિસ્તાર 'પોઇન્ટ નેમો' તરફ ધકેલશે, જેને 'અંતરિક્ષ યાનનું સ્મશાન' પણ કહેવામાં આવે છે.

પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ, સ્ટેશનનો મોટાભાગનો હિસ્સો ૧૭,૦૦૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે, ઘર્ષણને કારણે બળીને ખાખ થઈ જશે. છતાં ૪૦થી ૧,૦૦૦ ટન જેટલી ભારે ધાતુઓ, સમુદ્રના પેટાળમાં સમાઈ જશે. આ ઘટના આપણને વિજ્ઞાનના શાશ્વત નિયમની યાદ અપાવે છે કે 'જેનું સર્જન થયું છે, તેનો અંત નિશ્ચિત છે.' ભવિષ્યમાં અમેરિકા ખાનગી કંપનીઓના સહયોગથી કોમર્શિયલ સ્પેસ સ્ટેશન તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ, રશિયા અને ચીન પોતાના અલગ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે.