ઈ-સિગારેટ આધુનિક ફેશન સ્ટેટમેન્ટ ! .

- શોધ-સંશોધન-વસંત મિસ્ત્રી
- ભારતમાં લગભગ 5 થી 6 લાખ લોકો પ્રતિબંધિત ઈ-સિગારેટ પીએ છે. ભારતના ક્રિકેટરો પણ વિદેશના ક્રિકેટરોની માફક વેપિંગ કરતા થઈ ગયા છે. ઈ-સિગારેટથી બ્લડ પ્રેસર વધે છે, શ્વસનમાં તકલીફ થાય છે
ઈ -સિગારેટ અથવા ઇલેકટ્રોનિક સિગારેટ અથવા વેપ (Vape) એ બેટરી સંચાલિત ઉપકરણ છે જે પ્રવાહી (vape juice) ને ગરમ કરી નાના ટીપાં કે એરોસોલમાં ફેરવે છે જેને વ્યકિત સૂંઘે છે. આ પ્રવાહીમાં સુગંધ, નિકોટિન અને પ્રોપીલીન ગ્લાયકોલ અથવા વેજીટેબલ ગ્લીસરીન હોય છે.
ઈ-સિગારેટ ભારતમાં પ્રતિબંધિત છે. જો ગુનો સાબિત થાય તો એક વર્ષ સુધીની જેલ અને / અથવા પ્રથમવારના ગુના માટે એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. અન્ય દેશોમાં ઈ-સિગારેટની ફલેવર માણવાનો પ્રતિબંધ નથી.
આધુનિક ઈ-સિગારેટનો વિકાસ ૨૦૦૩ થી હોન લીક નામના સંશોધકે ચીનમાં શરૂ કર્યો. નિકોટીનના દ્રાવણને વરાળમાં પરિવર્તન કરવા માટે બેટરી પાવર્ડ અલ્ટ્રાસોનિકનો ઉપયોગ તેણે પ્રથમ વાર કર્યો.
હવે ઈ-સિગારેટની રચના જોઈએ એમાં ચાર મુખ્ય ભાગો હોય છે.
(૧) કોઇલ કે જે ગરમી માટેનું એલીમેન્ટ છે. દિવેટ પ્રવાહી શોષે છે. (૨) બેટરી - જે ઇલેકિટ્રક પાવર આપે છે. (૩) ટેન્ક અથવા નાની ટાંકી જેમાં પ્રવાહી હોય છે જેને રિફિલ કરી શકાય છે. (૪) માઉથ પીસ કે જેના વડે વ્યકિત એરોસોલ કે નાના ટિપાં સૂંઘી શકે છે.
આજકાલ આધુનિક ક્રિકેટના સિતારાઓ ઈ-સિગારેટ માટે જાણીતા થયા છે આ તેમનું ફેશન સ્ટેટમેન્ટ છે.
(૧) યુજવેન્દ્ર ચહલનો, પંજાબ કિંગ્સની ફલાઇટમાં વેપિંગ કરતો વિડીઓ જોવા મળ્યો હતો. (૨) રિઆન પરાગ આઈ પી એલની મેચ દરમ્યાન ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતા દંડાયો હતો. (૩) પાકિસ્તાની ઓલ રાઉન્ડર ઇમદ વાસિમ પીએસએલ ફાયનલ વખતે ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતા જણાયો હતો. (૪) ફટકાબાજ જમાઇ ગ્લેન મેકસવેલ ઓડીઆઇ વર્લ્ડ કપ વખતે ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ માણતા ઝડપાયો હતો. (૫) દક્ષિણ આફ્રિકાનો જબરજસ્ત બેટસમેન ડી વિલિઅર્સ ઈ-સિગારેટ સાથે લાઇવ જતા શરમાય ગયો હતો.(૬)આરોન ફિન્ચ ઓસ્ટ્રેલિઅન કેપ્ટન હાથમાં ઈ-સિગારેટ સાથે ડ્રેસિંગ રૂમમાં જણાયો હતો. નેટવર્ક પર તેમનો ઉલ્લેખ જોઇ શકાશે.
ભારતમાં વેપિંગ પ્રતિબંધીત છે એ વાત બધા ભૂલી જાય છે. વેપિંગ આધુનિક દેખાવાની એક ફેશન છે. તેનાથી દેખાવ સુધરતો નથી કે આરોગ્ય સુધરતું નથી. ઊલ્ટું ૧૫૦૦ થી ૫૦૦૦ રૂ. સુધીની ઈ-સિગારેટ તમને મેદાન પરથી પેવિલિઅન પહોંચાડે છે.









