પ્રિયંકા ચોપડા જોનસને હોલિવુડમાં એક જ વસ્તુ મિસ થાય છે... નાચ-ગાના!

- ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા જોનસે એસ. એસ. રાજામૌલિને વિનંતી કરી હતી કે સર, 'વારાણસી'માં મારા માટે એક ડાન્સ સિકવન્સ જરૂર રાખજો!'
- 'હોલિવુડમાં તમારે શું અને કેવી રીતે શૂટ કરવાનું છે તે બાબતે ખૂબ ચોકસાઇ રાખવામાં આવે છે. તમારે નિશ્ચિત દિવસોમાં કામ પૂરું કરી જ નાખવું પડે .'
હિન્દી ફિલ્મોની સફળ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસ હવે તો ગ્લોબલ સ્ટાર બની ચૂકી છે. બોલિવુડ અને હોલિવુડ એમ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો અનુભવ ધરાવતી પ્રિયંકા ચોપડાની બહુ ગાજેલી પણ ખાસ ન વરસેલી અતિ બિગ બજેટ વેબ સિરીઝ 'સિટાડેલ'ની બીજી સિઝનનું આજથી જ સ્ટ્રીમિંગ શરૂ થયું છે. દેશી અને વિદેશી એમ બન્ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કામ કરવાની રીતથી સારી રીતે વાકેફ એવી પ્રિયંકા માટે આખું વિશ્વ એક મંચ છે અને એ ઇચ્છે ત્યાં રમી શકે છે.
પ્રિયંકા કહે છે, 'હોલિવુડમાં જ્યારે તમે શૂટ કરો ત્યારે તમારે શું અને કેવી રીતે શૂટ કરવાનું છે તે બાબતે એકદમ ચોકસાઇ રાખવામાં આવે છે. મોટાભાગનાં પ્રોડક્શન્સમાં તમારા કામના દિવસો નક્કી હોય છે અને આ નિયત દિવસોમાં તમારે તમારું કામ પૂરું કરી નાખવાનું હોય છે. આ રીતે કામ કરતી વખતે તમે સતત દબાણ હેઠળ હો છો કે તમારે આ કામ અમુક ચોક્કસ સમયમાં પૂરું કરવાનું જ છે. અહીંં તમે રોજના કેટલા શોટ ઓકે કરાવશો તેની પણ ગણતરી કરી લેવામાં આવતી હોય છે.'
આટલું કહીને પ્રિયંકા ચોપડા જોનસ ઉમેરે છે, 'હોલિવુડમાં તમે બધું શૂટિંગ કરવા માટે ત્રણ મહિનાનો સમય ફાળવો તો તે સમયમાં જ તમામ કામ પૂરું કરી લેવાનું હોય છે. આ કેવી રીતે શક્ય બને છે તેની મને જાણ નથી, પણ અહીં આ રીતે કામ થાય છે. બીજી તરફ બોલિવુડમાં કામકાજ પ્રમાણમાં આરામથી થતું હોય છે. તમે એક દિવસ કામ ન કરી શકો તો બીજા દિવસે પણ કામ સરભર કરી શકો છોે. હિન્દી ફિલ્મમાં એક સેટ પર કામ કર્યા બાદ અમે દસથી વીસ દિવસનો બ્રેક લેતા હોઈએ છીએ. પછી અમે નવા સેટ પર કામ પુન: આગળ વધારીએ છીએ. આ કારણે જ તો ફિલ્મના એક્ટર્સ એકસાથે અનેક ફિલ્મોમાં કામ કરી શકે છે. આમ, બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કામ કરવાની આગવી રીત છે.'
પ્રિયંકાએ તાજેતરમાં એસ.એસ. રાજામૌલિની બિગ બજેટ ફિલ્મ 'વારાણસી'નું શૂટિંગ હૈદરાબાદમાં પૂરું કર્યું છે. આઠ વર્ષના અંતરાલ બાદ પ્રિયંકા કોઈ ભારતીય ફિલ્મમાં કામ કરી રહી છે. 'વારાણસી' ફિલ્મમાં પ્રિયંકા ચોપડાએ મંદાકિની નામની સ્ત્રીની ભૂમિકા ભજવી છે.
હોલિવુડમાં નામ કમાઈ ચૂકેલી પ્રિયંકાને ભારતીય સિનેમાની એક લાક્ષણિકતાની મોટી ખોટ સાલે છે. પ્રિયંકાના મતે ભારતીય સિનેમાના સોંગ-ડાન્સનો કોઈ વિકલ્પ નથી. રસપ્રદ બાબત એ છે કે મંદાકિનીની ભૂમિકા સ્વીકારતા પહેલાં પ્રિયંકાએ રાજામૌલિને વિનંતી કરી હતી કે 'મને આ ફિલ્મમાં ડાન્સ કરવાની તક જરૂર આપજો. મને લાંબા સમયથી ડાન્સ કરવા મળ્યો નથી!' આ ફિલ્મમાં પ્રિયંકાનો હીરો મહેશ બાબુ છે. મહેશ બાબુ આ ફિલ્મમાં રુદ્રની ભૂમિકામાં જોવા મળશે. પ્રિયંકા ચોપડાના ચાહકોને બહુ લાંબા સમય બાદ પ્રિયંકા મહેશ બાબુ સાથે ગીતમાં ડાન્સ કરતી જોવા મળશે. પ્રિયંકાની વિનંતીને માન આપી રાજામૌલિએ ફિલ્મમાં ખાસ આ સોંગ-ડાન્સ સિક્વન્સ ઉમેરી છે. પ્રિયંકાનું ધાર્યું થશે તો હોલિવૂડની આગામી ફિલ્મોમાં આપણે નાચગાના પણ જોઈ શકીશું. લેટ્સ કીપ અવર ફિંગર્સ ક્રોસ્ડ!









