Magazines

ઓયે ઓયે... રાજીવ રાય કો ગુસ્સા ક્યોં આતા હૈ?

By GS TEAM
23 Apr 20267 mins read
ઓયે ઓયે... રાજીવ રાય કો ગુસ્સા ક્યોં આતા હૈ?

- 'ત્રિદેવ' ફિલ્મ અને 'ઓયે ઓયે' વિશે કશું ન જાણતો દસ વર્ષનો કિશોર જ્યારે આ ગીતને જુએ તો એમ જ માને કે આ ગીત 'ધુરંધર'નું જ છે. આ વાત ન્યાયી લાગે છે તમને? 

આજે  ટેકનોલોજીને કારણે એવી સરળતા ઉભી થઇ  છે  કે  કોઇ બીજાની કૃતિનો પોતાની કૃતિમાં સામેલ કરી લેવાનું કામ ચપટી વગાડવા જેવું સરળ બની ગયું છે. પરંતુ નવી પેઢીના ફિલ્મસર્જકોની આવી હરકતો અસલ કૃતિના સર્જકોને માફક આવતી નથી. આજકાલ ધુરંધર ફિલ્મ વિવિધ કારણોસર ન્યુસમાં છે. હવે આ ફિલ્મમાં ઓયે ઓયે ગીતનો ટ્રેક વગર પરવાનગીએ વાપરવા બદલ રાજીવ રાયે આ ફિલ્મના નિર્માતાઓ સામે કેસ ઠોકી દીધો છે. દિલ્હીની હાઇકોર્ટે આ મામલે લવાદ નીમવાનો આદેશ આપ્યો છે. દરમ્યાન એક અન્ય કેસમાં આદિત્ય ધરે પોતાની પટકથા તફડાવી હોવાનો દાવો સંતોષ કુમાર નામના લેખકે પત્રકાર પરિષદમાં કર્યો છે. પણ આ કેસમાં આદિત્ય ધરે બદનક્ષીનો દાવો માંડી સંતોષ કુમાર પોતાને જાહેરમાં ચોર ન કહે તેવી રાહત બોમ્બે હાઇકોર્ટમાં જઇ મેળવી છે. 

પરંતુ રાજીવ રાયના કિસ્સામાં આદિત્ય ધરનું મૌન બોલકું બની રહ્યું છે. આદિત્ય ધરના નિર્માણગૃહ બી૬૨ સ્ટુડિયોઝને કોપી રાઇટ ભંગના મુદ્દે ત્રિમૂર્તિ ફિલ્મ્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધુરંધર ટુમાં રંગ દે લાલ ગીતમાં ઓયે ઓયે તિરછી ટોપી વાલે ગીતના સંગીતનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવ્યો છે. ૧૯૮૯માં રજૂ થયેલી ત્રિમૂર્તિ ફિલ્મ્સની ત્રિદેવ ફિલ્મમાં નસીરૂદ્દીન શાહ અને સોનમ પર આ ગીતને ફિલ્માવવામાં આવ્યું હતું. આ ઓરિજિનલ ગીતના મ્યુઝિક રાઇટ્સ પોતાના હોવાનો ત્રિમૂર્તિ ફિલ્મ્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશે આ વિવાદ મુખ્યત્વે નાણાંકીય હોવાનું જણાવી બંને પક્ષોને રોયલ્ટી અને વળતરના મુદ્દાઓ લવાદની પ્રક્રિયા દ્વારા હલ કરવાનું સૂચન કર્યું છે. લવાદની આ પ્રક્રિયા પાર પાડવા માટે સિનિયર લવાદ નીમવાનો પણ કોર્ટે આદેશ આપ્યો છે. 

ત્રિમૂર્તિ ફિલ્મ્સનો દાવો છે કે ધુરંધર ટુમાં તેમના ઓયે ઓયે ગીતનો અથવા તેના સમાન વર્ઝનનો ઉપયોગ જરૂરી લાઇસન્સ લીધાં વિના જ કરવામાં આવ્યો છે. આ ફરિયાદમાં ગીતને થિયેટરમાં રજૂ કરવા સામે , તેને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ કરવા સામે તથા તેનો ઉપયોગ ફિલ્મની પ્રમોશનલ પ્રવૃત્તિમાં કરવા સામે વાંધો લેવામાં આવ્યો છે. ત્રિમૂર્તિ ફિલ્મ્સના વકીલે દલીલ કરી હતી કે આ સંગીતનો ઉપયોગ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર કરવામાં આવ્યો છે તે ગેરકાયદે છે. બીજી તરફ ધુરંધર ટુના ગીતના ઓડિયો રાઇટ્સ ધરાવતી કંપની સુપર કેસેટ્સ દ્વારા ત્રિમૂર્તિ ફિલ્મ્સને કોઇ રાહત આપવા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

ત્રિમૂર્તિ ફિલ્મ્સના નિર્માતા રાજીવ રાયે ધુરંધર ધ રિવેન્જ ફિલ્મની એક સિકવન્સમાં તેમની ફિલ્મ ત્રિદેવના ગીત ઓયે ઓયેનો ઉપયોગ કરવા સામે કોર્ટમાં દાવો નોંધાવ્યો છે. પીઢ નિર્માતા-નિર્દેશક રાજીવ રાય આ મામલે વાત કરે છે ત્યારે શબ્દો ચોર્યા વિના તડ અને ફડ ભાષામાં વાત કરી જાણે છે. રાજીવ રાયે તેમની લાક્ષણિક શૈલીમાં જણાવ્યું હતું કે આ તો તમે કોઇ એક માણસના શુક્રજંતુઓ લઇ તેના દ્વારા અન્ય  મહિલાને ગર્ભવતી કરી નાંખો અને શુક્રજંતુઓ આપનાર માણસને તેની વિશે કશી ખબર પણ ન હોય તેના જેવું છે. રાજીવ રાયે આ મામલે જણાવ્યું હતું કે હું દર શુક્રવારે ફિલ્મ જોવા માટે જાઉં છું અને ધુરંધર ફિલ્મના અંતે મારું ગીત જોઇ હું ચોંકી ઉઠયો હતો. મને આ વિશે કશી જાણ જ નહોતી. મારી જગ્યાએ બીજો કોઇ કાચોપોચો નિર્માતા હોત તો તેને તો હાર્ટએટેક જ આવી ગયો હોત. મેં ફિલ્મ જોઇ તે અગાઉ આ ગીત સાંભળ્યું જ નહોતું. ફિલ્મ રજૂ કરવામાં આવી એ પહેલાં સાઉન્ડટ્રેક રિલિઝ કરવામાં આવ્યો નહોતો. જો તેમણે આવું કર્યું હોત તો લોકોએ મને ફોન કરી જણાવ્યું હોત કે આ ફિલ્મમાં તમારું ગીત છે. તેમણે આ ગીતને વહેલાં રજૂ ન કર્યું કારણ કે તેમને ખબર છે કે હું કોર્ટમાં જઇશ અને તેને કઢાવી નાંખીશ. આવું જ  ધર્મા પ્રોડકશન્સની ફિલ્મ તુ મેરી મેં તેરા મેં તેરા તું મેરી ફિલ્મમાં પણ કરવામાં આવ્યું હતુ.તેમણે સાત સમંદર પાર..ગીત વાપર્યું હતું. મને એ વખતે પણ ખબર નહોતી કે આ ફિલ્મમાં મારા ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મને આ જાણીને એ સમયે પણ આઘાત લાગ્યો હતો. 

રાજીવ રાય સ્પષ્ટ શબ્દોમાં કહે છે, મારા મતે આ ચોરી છે. મને લૂંટી લેવામાં આવ્યો છે, મારી ઓળખ, મારો વારસો, ત્રિદેવની મારી ગુડવીલ બધુ બીજી ફિલ્મમાં ગયું અને મેં તે ગુમાવ્યું. મ્યુઝિક કંપનીઓ શું વિચારે છે અથવા નિર્માતા કે નિર્દેશક શું કહે છે તેની મને કોઇ પડી નથી. મારી નજરે તો આ ચોરી છે. હું દર્શકોને કહેવા માંગું છું કે હું મરીશ ત્યાં સુધી મારા કોઇ ગીતનો ઉપયોગ મારી પરમિશન વિના ફિલ્મમાં કરવામાં આવશે તો તે ચોરી જ ગણાશે.મને એ કહેતાં અફસોસ થાય છે પણ તેમણે કચરા જેવું ગીત બનાવ્યું છે. તેમણે આજના બાળકો માટે આ ગીત બનાવ્યું હશે પણ તેમાં સર્જકતા તો કચરાટોપલીને હવાલે કરવામાં આવી છે. નિર્માતાઓ પાસે નવું ગીત બનાવવાનો સમય, નાણાં કે ઉર્જા નહીં હોય, મને નથી ખબર કે હકીકત શું છે. પણ ત્રિદેવ ફિલ્મ અને ઓયે ઓયે વિશે કશું ન જાણતો દસ વર્ષનો કિશોર જ્યારે આ ગીતને જુએ તો એમ જ માને કે આ ગીત ધુરંધરનું જ છે. આ વાત ન્યાયી લાગે છે તમને? 

આ કેસ કરવામાં કેમ વિલંબ કર્યો તેવો સવાલ મને કરવામાં આવે છે પણ એનું કારણ એ છે કે ટી-સિરિઝ સાથે કરવામાં આવેલા મૂળ કરાર અનુસાર તમારે કેસ કરવો હોય તો દિલ્હીમાં થી જ કરવો પડે. અમે બીજા શહેર એટલે કે મુંબઇમાં હતા અને અમારે વકીલ તથા અન્ય માણસોની વ્યવસ્થા કરવાની હોઇ વિલંબ થયો છે. હું આ મામલે કોઇ રાહ જોવા માંગતો નહોતો. હું ફિલ્મ ઓટીટી પર રજૂ થાય ત્યાં સુધી પણ રાહ જોવા માંગતો નહોતો. મેં મારા વકીલને જણાવ્યું હતું કે જો તેઓ ગીત ફિલ્મમાંથી દૂર કરાવી શકે તેમ છે કે કેમ. આમાં મને નુકશાન થયું છે અને તેમણે તે ભરપાઇ કરી આપવું પડશે. પણ આ કિસ્સો નાણાંનો નથી. હું ફિલ્મમાંથી ગીત હટાવવા માંગતો હતો પણ ન્યાયાધીશ મારી વાત સમજી ન શક્યા અને તેમણે જણાવ્યું કે તેમની પાસે બીજા કેસોની સુનાવણીઓ છે અને તેઓ ઓટીટી પર ફિલ્મ રજૂ થાય એ પહેલાં કેસનો નિવેડો લાવી દેશે. મારી માટે આ હતાશાજનક સમાચાર છે. આજના ડિજિટલ જમાનામાં તમારે ફિલ્મમાંથી કશું દૂર કરવું હોય તો કલાકોમાં જ તે કરી શકાય છે. 

મેં મ્યુઝિક વેચ્યું છે.હું આ બાબતને કોર્ટમાં નકારીશ નહીં. જ્યારે તમે મ્યુઝિક વેચો છો ત્યારે તમને ખબર હોય છે તેઓ તેમાંથી મોટી કમાણી કરશે. નિર્માતાને તેમાંથી કોઇ આર્થિક ફાયદો થતો નથી. મને તેનો વાંધો નથી. તો સમસ્યા શું છે? સમસ્યા એ છે કે જ્યારે તમે ૮૦ના દાયકામાં કોન્ટ્રેક્ટ પર સહી કરતાં હતા ત્યારે તમને ખબર નહોતી કે ભવિષ્યમાં તમારા મ્યુઝિકનો ઉપયોગ રિમિક્સિંગમાં પણ થશે. એ જમાનામાં રિમિક્સિંગ નહોતું અને તમારું ગીત બીજી કોઇ ફિલ્મમાં વાપરવાનો તો સવાલ જ પેદાં થતો નહોતો. મેં આવા કોઇ અધિકાર આપ્યા ન હોત. ન્યાયાધીશોએ  સમજવું રહ્યું કે જ્યારે નિર્માતા તેની ફિલ્મનું મ્યુઝિક સાવ સસ્તા ભાવે વેચી દેતો હોય ત્યારે તેની માનસિક હાલત કેવી હોય. નિર્માતાની પડતીની શરૂઆત અહીંથી થાય છે. 

ફિલ્મમેકિંગનું સાયન્સ સરળ છે. એક સાઉન્ડ ટ્રેક હોય છે અને બીજો પિક્ચર ટ્રેક હોય છે. બંનેને મિલાવો એટલે ફિલ્મ નામનું બાળક આકાર લે છે. તમે બંને ટ્રેક ભેગાં મ્યુઝિક કંપનીને વેચતા નથી. તમે સાઉન્ડટ્રેક વેચીને તેનો ઉપયોગ અન્ય ફિલ્મમાં ન કરી શકો. સામાન્ય માણસની ભાષામાં વાત કરીએ તો એક વીર્ય બેન્ક હોય છે. તમે તેમાંથી પુરૂષનું વીર્ય લઇ અન્ય મહિલાને ગર્ભવતી કરો તો તેની ખબર તે પુરુષને હોતી નથી. તે માણસ કહી શકે કે તમે મારું વીર્ય વાપર્યું છે પણ તે બાળક મારું નથી. પણ તે બાળક તમારું બની જાય છે કેમ કે તેનો જન્મ કરાવવા માટે તમારું વીર્ય વાપરવામાં આવ્યુ છે. આ તો તમારી પર્સનાલિટી લઇને બીજા બાળકને જન્મ આપવામાં આવે છે. આવું જ ફિલ્મનું પણ છે. તમે મારો સાઉન્ડટ્રેક લઇને તેને બીજી ફિલ્મ સાથે જોડી દીધો છે. હું આવી પરમિશન કદી આપું નહીં. 

આ ઘટનાને કારણે આજે ત્રિદેવની પત્તર ખંડાઇ ગઇ છે. મે આ ગીત કોઇ ત્રીજી ફિલ્મમાં વાપરવા માટે બનાવ્યું હતું? ના. કોઇએ મને પૂછવાની પણ તસદી લીધી છે? હું મરીશ ત્યાં લગી લડીશ, મારા માટે આ ખૂબ મહત્વનો જંગ છે. 

જ્યારે હું આ કામ માટે ચોરી શબ્દ વાપરું ત્યારે તેઓ મારી પર બદનક્ષીનો કેસ કરી શકે. પણ આખરે તો અદાલતે નક્કી કરવાનું છે કે આ ચોરી  છે કે નહીં. જ્યાં સુધી ચોરી પુરવાર ન થાય ત્યાં સુધી નિર્માતા-નિર્દેશક અને મ્યુઝિક કંપનીઓને ચોર ન કહી શકાય. આ કેસની આગામી સુનાવણી હવે છ મેના રોજ છે.  લેટ્સ કીપ અવર ફિગર ક્રોસ્ડ!