બોલિવુડમાં રહીને લારા દત્તા કરે છે ફેશન ઇન્ડસ્ટ્રીની ફિકર

- હું હમેશાં કહેતી હોઉં છું કે ચાલીસીમાં મારો એક્ટર તરીકે બેસ્ટ ટાઈમ ચાલી રહ્યો છે. એટલા માટે કે ફાઈનલી હવે મારે જે પ્રકારનું કામ કરવું છે એવું કામ મને મળી રહ્યું છે
- લારા દત્તાએ ૨૦૦૦ની સાલમાં સાયપ્રસમાં યોજાયેલી પેજન્ટમાં 'મિસ યુનિવર્સ' બન્યા બાદ મોડલ તરીકે કરિઅર શરૂ કર્યું હતું. આજે એ બોલિવુડની એક વર્સેટાઈલ એકટ્રેસ છે. મોડલિંગ છોડયાને વરસો વીતી ગયા છતાં લારા ભારતની મોડલિંગ ઇન્ડસ્ટ્રી વિશે આજે પણ વિચારે છે. વિશ્વના અગ્રણી ટેનીસ પ્લેયર મહેશ ભૂપતિને પરણી એક દીકરીની મમ્મી બન્યા પછી પણ એ મોડલિંગ ઇન્ડસ્ટ્રીને નડતી સમસ્યાઓ વિશે ચર્ચા કરે છે. હમણાં દત્તાએ એક અંગ્રેજી દૈનિકને આપેલા એક્સક્લુજિવ ઇન્ટરવ્યુમાં ત્યાં સુધી કહ્યું કે આજે મોડલ્સને એક મજબુત અવાજ, બહેતર આર્થિક સુરક્ષા અને પોતાના હિતો જાળવવા એક યુનિયનની પણ તાતી જરૂર છે.
'અંદાઝ', 'ભાગમભાગ' અને 'પાર્ટનર' જેવી બિગ બજેટ ફિલ્મોની લીડ એકટ્રેસ રહી ચુકેલી લારાએ જ્યારે મોડલ તરીકે પહેલી વાર રેમ્પ વોક કર્યું ત્યારે લોકોમાં સુપરમોડલ્સનું ઘેલુ હતું. પરંતુ મોડલિંગ ઇન્ડસ્ટ્રી ત્યારે પણ અસંગઠિત હતી, વેરવિખેર હતી. 'મને એક વિરાટ મલ્ટિનેશનલ કંપનીનો મોડલિંગ માટેનો પહેલો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે હું માત્ર ૧૬ વરસની હતી. કોન્ટ્રાક્ટની શરતો વાંચી મને એ સમજાવવા મારી પડખે કોઈ એજન્ટ કે વકીલ નહોતો. અમારા સમયમાં ઇન્ડસ્ટ્રી ઘણી વધુ અવ્યવસ્થિત હતી. અમારી મદદ કરે એવી એજન્સીઓ અને એજન્ટ્સ નહોતા, સમજોને કે અમે સાવ નોધારા હતા. અમારે મોડલ્સે ઇન્ડસ્ટ્રીમાં પોતાનો માર્ગ પોતે નક્કી કરવાનો હતો. એને લીધે અમે વધુ મજબુત બન્યા અને જાતે જ પોતાના તારણહાર બની શક્યા,' એમ ૪૭ વરસની એક્ટર કહે છે.
લારા હવે મોડલિંગની ગ્લેમરસ દુનિયામાં બહુ સક્રિય ન હોવા છતાં ઇન્ડસ્ટ્રીની વર્તમાન પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. એનો પુરાવો આપતા એ ઇન્ટરવ્યુ લેનારને કહે છે, 'આજે મોડલ્સ મોટાભાગે એજન્સીઓની દયા પર જીવે છે. એજન્સી એમને સાફ શબ્દોમાં કહી દે છે કે તમારે આ જોબ જોઈતી હોય તો તમને એ માટે આટલું પેમેન્ટ મળશે અને તમારે આ ટાઈપના માહોલમાં કામ કરવું પડશે. તમારે એ કરવું છે કે નહિ એ નિર્ણય પોતે લેવાનો છે. ઈન શોર્ટ, મોડલને એકલો છોડી દેવાય છે. મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં કોઈ યુનિયન્સ નથી. પહેલા પણ નહોતા અને આજેય નથી. જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એક યુનિયન છે. કામકાજનું મોનિટરીંગ કરી શકે એવા કાયદા છે. મોડલિંગમાં કોઈ કાયદા કે નીતિ-નિયમોનું અસ્તિત્વ નથી. આખું વરસ જાતજાતના ભપકાદાર ફેશન વીકસ યોજાય છે. ફેશન ઇન્ડસ્ટ્રી વિરાટ બની ચુકી છે, પરંતુ એનું કોઈ રિયલ માળખું કે ગાઈડલાઈન્સ નથી. પ્રોફેશન પ્રત્યે સાચો આદર નથી. એટલે જ હું કહું છું કે મોડલ્સે હવે જાગવાની જરૂર છે. એમણે પોતાનો અવાજ બુલંદ કરવાની આવશ્યકતા છે.'
લારા હાલ બોલિવુડના બે સૌથી મોટા પ્રોજેક્ટ્સ 'રામાયણ' અને 'વેલકમ ટુ ધ જગલ'માં મહત્ત્વના રોલ કરી રહી છે. બંને બિગ બજેટ ફિલ્મોમાં મોટી સ્ટારકાસ્ટ છે. એ વિશે વાત કરતા એક જમાનાની પ્રિયંકા ચોપરાની સબળ હરીફ એકટ્રેસ કહે છે, 'હું હમેશાં કહેતી હોઉં છું કે ચાલીસીમાં મારો એક્ટર તરીકે બેસ્ટ ટાઈમ ચાલી રહ્યો છે. એટલા માટે કે ફાઈનલી હવે મારે જે પ્રકારનું કામ કરવું છે એવું કામ મને મળી રહ્યું છે. મારી નેકસ્ટ મૂવી રામાયણ છે, જે આવતા વરસે રિલિઝ થશે. ભારતમાં બનેલી એ કદાચ આજ સુધીની મોટી મૂવી હશે. એની ટેલેન્ટેડ કાસ્ટ સાથે કામ કરવાનો મને એક અતુલનીય અનુભવ મળ્યો. આવી વિરાટ ફિલ્મ બનાવવી આસાન નથી અને એના પાત્રો ભજવવા પણ સહેલા નથી.'








