Magazines

કરીનાનો ફિટનેસ ફન્ડા : પરોઠા ખાતા રહો, યોગ કરતા રહો

By GS TEAM
16 Apr 20262 mins read
કરીનાનો ફિટનેસ ફન્ડા : પરોઠા ખાતા રહો, યોગ કરતા રહો

- 'મેં ઘણાં વર્કઆઉટ્સ અજમાવી જોયાં, પરંતુ મારું દિલ વળીવળીને યોગ પર પાછું ફરે છે. યોગથી શરીરમાં થતા બદલાવને હું અનુભવી શકું છું.'

- મલઈકા અરોરાની જેમ એની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર ખાન પોતાની ઉંમરને ગળી ગઈ છે. બે દિકરાની મમ્મી કરીના ૪૫ વરસની વયે પણ એકદમ યંગ અને ફ્રેશ લાગે છે. 

હમણાં મુંબઈમાં યોજાયેલી એક ઇવેન્ટમાં કપૂર કુટુંબની લાડકી બેબોએ મીડિયા સાથે અમુક અંગત વાતો કરી. થોડા અરસા પહેલા મીડિયામાં એવા ન્યુઝ ચમક્યા હતા કે રણબીર અને કરીના કપૂર આઇકનિક આર. કે. સ્ટુડિયોને પુન: સજીવ કરવાનાં છે. કરીના કહે છે, 'એ વાત સાચી નથી. અમારા ફેમિલીમાં પણ એ વિશે ઘણીવાર ચર્ચા થઈ છે પણ આ બાબતમાં કશું થતું નથી. મને લાગે છે કે આરકેનું બેનર ફરી શરૂ થાય એવી લોકોની ઇચ્છા છે. બાકી, રણબીર તો રણબીરનું સમગ્ર ધ્યાન અભિનય પર છે. રણબીર અને લોલો (કરિશ્મા કપૂર) એ આ સંદર્ભમાં વિચારવું જોઈએ, કારણ કે હું તો એક પ્રોડયુસર કે ડિરેક્ટર તરીકે વિચારી જ નથી શકતી.'

બહુ ઓછા લોકોને એ યાદ હશે કે બોલિવુડમાં સાઇઝ-ઝીરોનો ટ્રેન્ડ કરીનાએ શરૂ કર્યો હતો. ૨૦૦૭માં આવેલી અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સાથેની ફિલ્મ 'ટશન'માં કપૂરનો સાઈઝ-ઝીરો લુક ઇન્ડસ્ટ્રી અને મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. જાણીને નવાઈ લાગે કે દરેક સ્ત્રીને ઇર્ષ્યા થાય એવી સુડોળ કાયા જાળવી રાખનાર અભિનેત્રી પોતાના ફુડ બાબતમાં એક પ્રકારનું પેશન ધરાવે છે. પરાઠા ખાવા એને બહુ ગમે. ખુલ્લા દિલે એ કબુલતા કરીના કહે છે, 'મારો ફુડ એન્ડ ફિટનેસ સાથે એક અનોખો નાતો છે. મને ખાવું ગમે છે. આજે જ મેં મસ્ત પૈકી બે પરોઠા દાબી લીધા. મને પરાઠા વિના ન ચાલે. ફિટનેસની વાત કરું તો મેં ઘણાં જુદા જુદા વર્કઆઉટ્સ અજમાવી જોયા પરંતુ મારું દિલ વળીવળીને યોગ પર પાછું ફરે છે. ૨૦૦૭માં 'ટશન' વખતે મેં મારી યોગ-યાત્રા શરૂ કરી હતી અને આજે પણ એના પર કાયમ છું. યોગાસનો કરીને શરીરમાં બદલાવ આવતો હોવાનું હું અનુભવી શકું છું. ઈન શોર્ટ, હું આખી જિંદગી પરાઠા ખાતી રહીશ અને યોગ કરતી રહીશ.'

સમાપનમાં પોતે આ વરસે એક્ટર તરીકે કાંઈક જુદુ કરવાની ઇચ્છા ધરાવતી હોવાનું સ્વીકારતા બેબો ઉમેરે છે, 'મેં મેઘના ગુલઝાર સાથે અગાઉ ક્યારેય કામ નથી કર્યું. તેઓ એક વન્ડરફુલ ડિરેક્ટર છે અને એમની સાથે આ વરસે 'દાયરા' નામની મૂવી કરી રહી છું. ફિલ્મની સ્ટોરી એકદમ ટોપિકલ છે એટલે હું એની રિલિઝની રાહ જોઈ રહી છું. 'દાયરા'માં તમને મારું એક નવું જ સ્વરૂપ જોવા મળશે.'