Magazines

1000 કરોડ રૂપિયાની કમાણી એ ફિલ્મોની સફળતાનો ખોટો માપદંડ બની રહ્યો છે?

By GS TEAM
12 Mar 20265 mins read
1000 કરોડ રૂપિયાની કમાણી એ ફિલ્મોની સફળતાનો ખોટો માપદંડ બની રહ્યો છે?

- ઢગલાબંધ સફળ ફિલ્મોની સિકવલ્સ સિનેમાગૃહોમાં રજૂ થઇ, પણ તેમને ધારી સફળતા મળી નથી. વિરાટ બજેટ અને મોટા ફિલ્મસ્ટાર્સ ધરાવતી ફિલ્મની સફળતાની કોઇ ગેરન્ટી હોતી નથી...

૨૦૧૮માં આવેલી કેજીએફ: ચેપ્ટર વન ફિલ્મે સમગ્ર ભારતમાં સફળતા મેળવી મોટું આશ્ચર્ય સર્જયું હતું. આ ફિલ્મને  દુનિયાભરમાંથી કુલ ૧૨૦૦ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. જેને પગલે કેજીએફ: ચેપ્ટર ટુ આવી અને તેને પણ મોટી સફળતા મળી. આવું જ ૨૦૧૫માં આવેલી મૂળ મલયાલમ ફિલ્મ દૃશ્યમ માટે પણ બન્યું. દૃશ્યમ ટુને પણ બોક્સઓફિસ પર મોટી સફળતા મળી. હિન્દીમાં આ ફિલ્મનો કસ અજય દેવગણે પણ બરાબર કાઢી લીધો છે. આ જ રીતે છે ક ૨૦૦૭માં આવેલી ભૂલ ભૂલૈયા ફિલ્મની સિક્વલ પણ ૨૦૨૩માં આવી અને હીટ પુરવાર થઇ.આ ફિલ્મનીૂ સફળતાને પગલે કાર્તિક આર્યનની કારકિર્દીને નવું બળ મળ્યું. જો કે, સૌથી અચરજ પમાડે તેવી સફળતા તો સની દેઓલની ફિલ્મ ગદર ટુને મળી. ગદર ફિલ્મ આવ્યા બાદ ૨૨ વર્ષના અંતરે  આવેલી આ ફિલ્મની સિક્વલ પણ સફળ પુરવાર થતાં નિર્માતાઓ માટે સિક્વલ્સ એ સફળતાની ગેરંટી બની રહી છે. આ ફિલ્મે પણ સની દેઓલની ડૂબી રહેલી કારકિર્દીમાં નવું જોમ પૂર્યું. આજે સની દેઓલ ફરી એકવાર વ્યસ્ત ફિલ્મ સ્ટાર બની ચૂક્યો છે.

તાજેતરના વર્ષોમાં એક નવું પરિવર્તન જોવા મળી રહ્યું છે. આજકાલ મોટા ફિલ્મ સ્ટારને લઇને બીગ બજેટ ફિલ્મ બનાવવાનો પ્રવાહ ચાલ્યો છે. જેના કારણે ફિલ્મ ઉદ્યોગમાં જાતજાતની ગેરસમજો સર્જાઇ રહી છે. જ્યારે મોટા બજેટની મોટાં ફિલ્મ સ્ટારની ફિલ્મ રજૂ થવાની હોય ત્યારે જેની આસપાસ રજાઓ વધારે હોય એવા ખાસ દિવસે ફિલ્મને એવા મોટાપાયે રજૂ કરવામાં આવે છે કે અન્ય ફિલ્મો આ સમયગાળામાં રજૂ કરવાનું શક્ય જ રહેતું નથી. મોટા બજેટની ફિલ્મો સફળતાની કહેવાતી ગેરન્ટી માટે મોટાં ફિલ્મ સ્ટારને સાઇન કરે છે. મોટી પ્રોડકશન કંપનીઓ બોક્સ ઓફિસ પર  સફળ થવાના એક પ્રકારના ઇન્શ્યોરન્સ તરીકે સફળ ફિલ્મ સ્ટાર્સને તેમની ફિલ્મોમાં લે છે. આને કારણે બને છે એવું કે મોટા બજેટને ન્યાયી ઠરાવવા માટે મોટી ફી ધરાવતાં ફિલ્મ સ્ટારને લેવો જ પડે છે. બધાંને જાણે એક પ્રકારનો મેસેજ આપી દેવામાં આવે છે કે આ પ્રોજેક્ટ એટલો મોટો છે કે તે નિષ્ફળ જાય તે કોઇનેે પરવડે તેમ નથી. જેના કારણે ફિલ્મનો પ્રોડકશન ખર્ચ ઓછો રાખવા માટે ન હોય ત્યાં કરકસરની કાતર ચલાવવામાં આવે છે. આમાં ફિલ્મ સ્ટારને બાદ કરતાં તમામ લોકો ઓછાં ખર્ચે વધારે કામ કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે. 

આ વિષચક્રની હિન્દી ફિલ્મ ઉદ્યોગ પર વ્યાપક અસર થાય છે. ગણતરીની મોટી ફિલ્મો જ બને ત્યારે નવા લેખકો અને નિર્દેશકોને કામ મળવાની તકો ઘટી જાય છે. મધ્યમ બજેટની ફિલ્મો તો ગાયબ જ થઇ ચૂકી છે. કાં તો તમે ૧૦૦ કરોડ રૂપિયા કે તેથી વધારે બજેટની ભવ્ય ફિલ્મ બનાવો અથવા જે કાંઇ બચે તેમાં ગુજારો કરી શકાય એવી નાના બજેટની ફિલ્મ બનાવો. આને કારણે સમગ્ર પ્રોડકશન ઇકો સિસ્ટમ ટકાવવાનું મુશ્કેલ બની રહ્યું છે. આમાં બને છે એવું કે જ્યારે આવીમોટી ફિલ્મ રજૂ થવાની હોય ત્યારે જ દર્શકો સિનેમાગૃહોમાં જવાનું પસંદ કરે છે. અગાઉ નાના મોટાં બજેટની કળાત્મક કે અલગ પ્રકારની ફિલ્મો બનતી હતી ત્યારે દર અઠવાડિયે દર્શકોને સિનેમાગૃહોમાં જવાનો ઉત્સાહ રહેતો હતો. રસપ્રદ બાબત એ છે કે દરેક પ્રકારની ફિલ્મને તેનું આગવું ઓડિયન્સ મળી રહેતું હતું. પરંતુ હાલ મોટી ફિલ્મોને જ મોટાપાયે રજૂ કરી મોટો નફો રળવાની સિસ્ટમ ફિલ્મ સર્જકો અને દર્શકો બંને માટે હાનિકારક બની રહે વા માંડી છે. દર્શકોને વિવિધ પ્રકારની ફિલ્મો જોવા મળતી નથી તો બીજી તરફ ફિલ્મમેકર્સને ગણતરીની ફિલ્મ કરી મોટું  જોખમ લેવાનો વારો આવે છે. આજે દેવઆનંદની જેમ એક પછી એક નિષ્ફળ ફિલ્મો આપ્યા કરવાની તાકાત કોઇ ફિલ્મ સ્ટુડિયો કે નિર્દેશકમાં રહી નથી. 

ઘણીવાર એવું બને છે કે સામાન્ય નાના બજેટની ફિલ્મ બોકસ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી જાય છે. ઉદાહરણ તરીકે ગયા વર્ષે રજૂ થયેલી બે સાવ સામસામા છેડાની ફિલ્મોની વાત કરીએ. માત્ર ૪૫ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવેલી મોહિત સૂરીની ફિલ્મ સૈયારા એક મજેદાર લવસ્ટોરી હતી. આ ફિલ્મની કમાણી ૩૩૦ કરોડ રૂપિયા થઇ હતી. બજેટના પ્રમાણમાં લગભગ આઠ ગણી કમાણી કરનારી ફિલ્મની સફળતા એક અલગ જ માપદંડ બની રહે છે. 

આવી બીજી એક ફિલ્મ હતી, છાવા. મરાઠી નિર્દેશક લક્ષ્મણ ઉતેકરની આ ફિલ્મ નેવું કરોડના બજેટમાં બની હતી અને તેને બોક્સ ઓફિસ પર છસો કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. લગભગ છ ગણી કમાણી કરનારી આ ફિલ્મનું બજેટ સૈયારાની સરખામણીમાં બમણું હતું પણ તેમાં કોઇ નામી ફિલ્મસ્ટારને બોક્સ ઓફિસ પર સફળતાની ગેરન્ટી તરીકે લેવામાં આવ્યો નહોતો. આ બંને ફિલ્મોની સામે કહેવાતી વિરાટ બજેટ અને લોકપ્રિય ફિલ્મસ્ટાર ધરાવતી ફિલ્મ વોર ટુ નું ઉદાહરણ લઇએ. યશરાજ ફિલ્મ્સ જેવો માતબર સ્ટુડિયો અને તેના સતત વિક્સી રહેલાં સ્પાય યુનિવર્સની ગાથામાંની એક ફિલ્મ એટલે વોર ટુ. ૪૦૦ કરોડ રૂપિયાનું તોતિંગ બજેટ ધરાવતી આ બહુભાષી ફિલ્મ બોક્સ ઓફિસ પર ટાંય ટાંય ફિસ્સ ન થઇ જાય તે માટે તેમાં દક્ષિણના સુપરસ્ટાર એનટીઆર અને હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર હ્ય્તિક રોશનને લેવામાં આવ્યા હતા. સફળ ફિલ્મની સિક્વલ હતી એટલે બધાંને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરશે તેવી આશા હતી. પરંતુ ફિલ્મના બજેટ કરતાં અડધી જ એટલે કે લગભગ અઢીસો કરોડ રૂપિયાની કમાણી જ બોક્સ ઓફિસ પર થતાં આ ફિલ્મને ફલોપ ગણવામાં આવી હતી. આમ, ૨૦૨૫ની આ ત્રણ ફિલ્મોના બજેટ અને બોક્સ ઓફિસ પર કમાણીના આંકડા પરથી સમજાય  છે કે બીબાઢાળ મનોરંજનની સામે વૈવિધ્ય ધરાવતી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થવાના ચાન્સીસ વધારે રહે છે. 

ફિલ્મોમાં જ્યારે કોર્પોરેટ કલ્ચર ઘૂસે ત્યારે તેના ફાયદાની સાથે ગેરફાયદા પણ હોય છે. કોર્પોરેટ કલ્ચરમાં નફો સૌથી વધારે મહત્વની બાબત હોય છે, ફિલ્મની સામગ્રી નહીં. એક ફિલ્મ સફળ થાય તો કંપની બીજી ફિલ્મ બનાવવાની હિંમત કરે. નિષ્ફળતા કોઇને પરવડતી નથી. પરિણામે ફિલ્મ ફલોપ થાય તેની સાથે ઘણાં કળાકારો અને કસબીઓની કારકિર્દી પણ રોળાઇ થઇ જાય છે. સાચી વાત તો એ છે કે સિનેમાનો જાદુ માત્ર ફિલ્મસ્ટાર અને ભવ્યતા પર નિર્ભર નથી. સિનેમાની ભાષા દરેકને સમજાય છે. વૈવિધ્ય અને કશું ક નવું રજૂ કરવાની ધગશ ન હોય તો ફિલ્મ જ ન બનાવવી જોઇએ. વળી ફિલ્મની સફળતાની કોઇ ગેરન્ટી હોતી નથી અને આ જ અનિશ્ચિતતાને કારણે શો બિઝનેસ જેવો કોઇ બિઝનેસ નથી. જય શો બિઝનેસ!