Magazines

રૂપિયો તૂટતાં ફુગાવો ઝડપથી વધશે

By GS TEAM
31 May 20263 mins read
રૂપિયો તૂટતાં ફુગાવો ઝડપથી વધશે

- રૂપિયો હવે રૂ.100ના તળિયે ઉતરશે એવી ભીતિ વચ્ચે બજારોમાં અજંપો

ઈરાન-અમેરિકા તથા ઈઝરાયલના યુદ્ધના પગલે વિશ્વના વિવિધ દેશોના અર્થતંત્રને મોટો ફટકો પડયો છે. ખાસ કરીને ક્રૂડતેલના ભાવ ઉછળતાં ઈંધણ બજારમાં તેજી આવી છે અને તેના પગલે દરેક દેશોમાં ફુગાવો તથા મોંઘવારીમાં ઝડપી વૃદ્ધી જોવા મળી છે. ભારતમાં તાજેતરમાં ચૂંટણી પછી પેટ્રોલ-ડિઝલ તથા ગેસના ભાવમાં છાશવારે વૃદ્ધી થતી જોવા મળી છે. ફુગાવો વધતાં વ્યાજના દર વધવાની શક્યતા પણ ચર્ચાતી થઈ છે. ટ્રાન્સપોર્ટ ઓપરેટરોમાં પણ નારાજગી વધી છે. માલોની હેરફેર મોંઘી થઈ ગઈ છે. ઉદ્યોગ જગતમાં કાચા માલોના ભાવમાં વૃદ્ધીના પડકારો ઊભા થયા છે. ઉત્પાદન ખર્ચ વધ્યો છે. સામે નવી માગ ધીમી પડતાં ઉદ્યોગોના નફાના માર્જિન દબાણ હેઠળ જોવા મળ્યા છે. તેની અસર શેરબજારો પર પણ પડી છે. આવા માહોલમાં ઘરઆંગણે કરન્સી બજારમાં તાજેતરમાં ટૂંકાગાળામાં રૂપિયો ઝડપી તૂટી જતાં તથા રૂપિયા સામે ડોલરના ભાવ વધી ઉંચામાં રૂ.૯૭ની રેકોર્ડ સપાટી નજીક પહોંચી જતાં દેશમાં આયાત થતી ક્રૂડતેલ સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં મોંઘવારી માટે નવું કારણ ઊભું થયું હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.  કરન્સી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લાં ૧૨ મહિનામાં બાવન સપ્તાબનો ટ્રેન્ડ જોતાં રૂપિયા સામે ડોલરના ભાવ નીચામાં રૂ.૮૫.૩૦થી ૮૫.૩૫ના નોંધાયા હતા તથા ઉંચામાં ભાવ રૂ.૯૬.૮૦થી ૯૬.૮૫ સુધી નોંધાયા હતા. ઉંચો ભાવ તાજેતરમાં જોવા મળ્યો છે. જોકે રૂપિયો તૂટતા તથા ડોલરના ભાવ ઉછળતાં દેશના નિકાસકારો માટે લાભદાયક સ્થિતિ પણ સર્જાઈ છે. રૂપિયો તૂટતાં વિશ્વ બજારમાં ભારતથી નિકાસ થતા માલો માટે સ્પર્ધાત્મક વધી છે અને તેના પગલે નિકાસમાં પણ વૃદ્ધી થઈ છે. એવું નિકાસકારોએ જણાવ્યું હતું,

દરમિયાન, કરન્સી બજારમાં રૂપિયાને તૂટતો બચાવવા રિઝર્વ બેન્ક ર્દ્વારા તાજેતરમાં વિવિધ પગલાંઓ નક્કી કરાતાં રૂપિયામાં તાજેતરમાં જો કે એક તબક્કે કડાકાને બ્રેક વાગી હતી. થોડા સમય માટે ડોલર સામે રૂપિયો ઉછળતાં પણ દેખાયો હતો પરંતુ ત્યારબાદ રૂપિયા સામે ડોલરના ભાવ આંચકા પચાવી ફરી ઉછળતાં જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ છેલ્લા બાર મહિનાનો ટ્રેન્ડ જોતાં ઉંચામાં એક તબક્કે ૧૦૦ની સપાટી કુદાવી ૧૦૦.૪૫થી ૧૦૦.૫૦ સુધી પહોંચ્યો હતો. દરમિયાન, વિશ્વ બજારમાં વોરના પગલે ક્રૂડતેલના ભાવ ઉંચા જતાં તેના પગલે પણ ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધતું જોવા મળ્યું હતું. વોરના કારણે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચામાં બેરલના ૧૨૦થી ૧૨૫ ડોલર સુધી ઉછળ્યા હતા. જોકે ત્યારબાદ ભાવમાં પીછેહટ પણ દેખાઈ હતી. ભારતમાં ફોરેક્સ રિઝર્વમાં પણ ઘટાડો થતાં કરન્સી બજારમાં અજંપો વધ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયાને ટકાવવા રિઝર્વ બેન્કની સક્રિયતા વચ્ચે વિવિધ સરકારી બેન્કો દ્વારા તાજેતરમાં છાશવારે ડોલરનું વેંચાણ કરાતું રહ્યાની ચર્ચા પણ કરન્સી બજારમાં સંભળાઈ હતી. ઘરઆંગણે શેરબજાર દબાણ હેઠળ રહેતાં ડોલરનો ઈન્ફલો ઘટયો છે સામે આઉટફલો વધ્યો છે ત્યારે ઘરઆંગણે ડોલરની સપ્લાય વધારવા રિઝર્વ બેન્ક દ્વારા વિવિધ પગલાંઓ વિચારાતા થયા હતા. દેશમાં એનઆરઈ થાપણો વધારવા તથા દરિયાપારના વિદેશી બોન્ડ ધારકોને ભારતના બજારોમાં રોકાણ જાળવી રાખવા વેરાકિય રાહત આપવા પણ તાજેતરમાં ચર્ચા કરાઈ હતી. ડોલર ખરીદતા આયાતકારો માટે સ્પેશિયલ વિન્ડો ખોલીી ખુલ્લા બજારમાં રૂપિયા પર દબાણ ઘટાડવાના પ્રયત્નો પણ કરાયા છે. દરમિયાન, ડોલરના ભાવ હવે રૂ.૧૦૦ની તરફ જઈ રહ્યાની ચર્ચા પણ બજારનો અમુક વર્ગ કરતો થયો છે. વિશ્વ બજારમાં જો કે ડોલર સામે એશિયાની વિવિધ કરન્સીઓના ભાવ તાજેતરમાં તૂટયા છે પરંતુ રૂપિયામાં ભાવ ઘટાડો વિશેષ થયો છે.