Magazines

પરમાત્મ-બોધ કરવામાં 'હું' અને 'મારાપણું' બાધક છે

By GS TEAM
29 Oct 20252 mins read
પરમાત્મ-બોધ કરવામાં 'હું' અને 'મારાપણું' બાધક છે

આપણા ઋષિઓએ પરમતત્વ-પરમાત્માનો બોધ કરાવવા અનેક ઉપાયો બતાવ્યા છે. જીવ, આત્મા અને પરમાત્મા નામરૂપ ભલે જુદાં ભાસે છે પરંતુ તત્વત: એકત્વભાવનો બોધ થાય તે માટે સાધકે 'હું' (અહંકાર) અને 'મારાપણું' (મમતા) છોડતાં શીખવું છે. કારણ કે પરમાત્મ બોધમાં 'હું' અને 'મારા'પણું સહુથી મોટી અડચણ માનવામાં આવે છે. જ્યારે સાધક નિર્મળ અને અહંકારમુક્ત થઈને જીવન વ્યવહાર કરતાં શીખે ત્યારે તે પરમ શાંતિને પામે છે અને પરમાનંદની અનુભૂતિ કરી શકે છે.

રામ, કૃષ્ણ, શિવ કે અનેક દેવી-દેવતાઓનાં નામ અને રૂપ તે અદ્વિતીય સત્ચિત્ આનંદરૂપ એવા પરમાત્માની જ વિભૂતિઓ છે. તેથી બધાંને એક જ તત્વરૂપે જાણીને તેમાંથી જે ઇષ્ટદેવને કે દેવીને માનતા હોઈએ તેનો સ્વીકાર કરીને પૂરી નિષ્ઠાથી સાધના કરનારા સાધકને પરમતત્વનો બોધ થઈ શકે છે.

બધી જગ્યાએ કલ્પિત નામ રૂપથી છવાયેલા પરમાત્માનું અસ્તિત્વ છે. વિવેક વિચારથી સાધકના મનમાંથી નામ રૂપની ઉપાધિ અદ્રશ્ય થાય તો તરત જ અબાધિત તત્વ સત્ ચિત્ આનંદરૂપ પરમાત્મતત્વ સાક્ષાત અપરોક્ષ થાય છે. તે માટે સાધકે આ સંસારમાં જળકમળવત્ રહેતાં શીખવાનું છે. સાધના વગર સિદ્ધિ નથી. માટે પ્રયત્ન પોતે જ કરવાનો છે.

જન્મ જન્માંતરની અશુદ્ધ વાસના સંસ્કારના કારણે સંસારના વિષયોમાં સુખ બુદ્ધિ તેમ જ ભોગ બુદ્ધિ જ અવિદ્યાથી જન્મતા દુ:ખ અને અજ્ઞાનનું કારણ છે. સાધકે જ્ઞાન વડે અજ્ઞાનને દૂર કરીને પ્રેમપૂર્વક પરમાત્માના નામ-સંકીર્તનમાં મગ્ન બની મુક્તિના પરમ સુખનો અનુભવ કરતાં શીખવાનું છે એ જ મુક્તિ છે. દરેક સાધક જીવતાં જીવ આવી મુક્તિનો અનુભવ કરી શકે તેવી નવા વરસની શુભકામનાઓ.

- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય