Magazines

અહિંસા ઝિંદાબાદ, મૌન ઝિંદાબાદ

By GS Team
31 Jan 20202 mins read
This article was originally published on 31 Jan 2020
અહિંસા ઝિંદાબાદ, મૌન ઝિંદાબાદ

ગાંધીજી અઠવાડિયામાં એક દિવસ મૌન પાળતા, બોલતા નહિ. જરૂર પડે લખીને વાત કહી દેતા.

તે જમાનો ગાંધીજીને અનુસરવાનો હતો. બાપુ જેમ કરે તેમ કરવું.

બાપુ વખતોવખત જેલમાં જતા એટલે સાથીઓ પણ જેલમાં જતા. જેલમાં જવાનો મહિમા હતો.

પણ જેલમાં જઇને કરવું શું ? બાપુ તો જેલમાં ય કામ કરતા, નેહરુચાચાએ જેલમાં ઇન્દિરાજીને કાગળો લખી દીધા એમાંથી તૈયાર થઇ એક યાદગાર ચોપડી: ભારતની શોધ.

બાપુના સાથીઓને આવુ કંઇ સૂઝે નહિ. વાંચે ખરા, લખેય ખરા, પછી મારે તડાકા, જાણે એ તડાકાથી જ આઝાદી ન આવવાની હોય ?

તડાકા બંધ ! એક દિવસ કોઇકને વાત સૂઝી. તે કહે: 'આપણે વધારે પડતું બોલબોલ કરીએ છીએ.'

બીજો કહે: 'કાલી બોલબોલ જ કરીએ છીએ.'

વળી કોઇક કહે: 'બાપુ કેવા મૌન પાળે છે ? આપણે એવું જ મૌન પાળીએ.'

તરત બધા સહમત થયા, પણ એમાં ચડસાસડસી શરૃ થઈ. એક કહે : હું એક દિવસ મૌન પાળીશ. બીજો કહે: હું બે દિવસ ચૂપ રહીશ. એથી આગળ ચાર દિવસ અને છ દિવસના મૌન મુનિઓ પણ તૈયાર થઇ ગયા.

પણ આ બધા મૌન-તડાકા હતા, એટલે કે જીભ બંધ રહેવાથી જીવ થોડો જ બંધ રહે ? વિચારો તો દોડતા જ હોય ! વિચારો વિવિધ દિશામાં દોડતા હોય !! વિવિધ દિશામાં દોડતા વિચારો ટકરાય ખરા, અથડાઈ પડે ! વિચારોનાા વિવાદ અને લડાઈ-ઝઘડા પણ શરૃ થઇ જાય.

મૌન હોવાથી બોલાય નહિ,પછી લડવું કેવી રીતે ?

કાગળ-કલમ અને સિલેટ-પેન શરૃ થયાં.

એક લખે: તારા વિચારો મને ગમતા નથી.

બીજો જવાબ આપે: તને પૂછે છે કોણ ? ચૂપ મર.

પહેલો લખે: ભાષા સુધાર. સારો નથી લાગતો.

બીજો લખી દે: તારી જાત સુધાર. સારો લાગશે.

અરે, આ કલમ-લડાઈ તો એવી ચાલી કે -

- વાત ન પૂછો. બોલવાનું નહિ પણ જોશમાં આવી જાય તો ન લખવાનું ય લખી દે. મૌન મુનિઓની આ અહિંસક લડાઈ જોરદાર રીતે આગળ ચાલી તો ઉપરથી આદેશ આવી ગયો. એલાઓ ! આ મૌન-અહિંસા કરતાં તો હિંસા સારી. એક વખત જોઇએ તો લડી લો, સાચોસાચું લડી લો, પણ પછી ચૂપ થઇ જાવ. ચૂપ થતાં શીખી જાવ. મૌનનો સાચો મહિમા સમજો.

ઠીક ! આવા આદેશો માનનારાઓએ માની લીધા કે નહિ ? તેની ખબર નથી. પણ પાછળથી આજ મૌન મુનિઓના હાથમાં રાજ આવી ગયું ખરું અને કદાચ હજી સુધી એ જ અહિંસક લોકો રાજ ચલાવે છે.

ગાંધીજી હતા તે વખતે ગાંધીજીને ન સમજનારા ગાંધીજીના સાથીઓહતા જ. પછી તો ગાંધીજી જ ન હતા અને આજે હવે ગાંધીજીની ઠાલી ખાલી છબી છે તથા તેમના અનુયાયીઓ છે. બોલો 'અહિંસા ઝિંદાબાદ; મૌન ઝિંદાબાદ'.

- હરીશ નાયક