વાચકની કલમ .

વસંતરાણી
ઋતુઓની રાણી,
વસંતરાણી પધારી,
ધરિત્રી, સોહી રહી,
શણગાર સજીસ,
ઠંડા ઠંડા અનિલની,
લહેરખી વહેતી,
વનસ્પતિ સૃષ્ટિ જાગી,
આજ અંગ મરડી..
ઠંડીથી ઠુંઠવાયેલી આ પ્રકૃતિ
વસંતના સ્પર્શથી ઝણઝણી,
નવચેતનાની ચુંદડી ઓઢી,
કુદરનતા માંડવા
રહ્યાં સજી....
વૃક્ષો, ડાળીપાન
રહ્યાં છે ઝૂમી,
હરિયાળી ચારેકોર
રહી છવાઈ,
આમ્રઘટામાં મંજરી બોલતી,
કુહૂ....કુહૂ કોયલ
રહી ટહૂકી....
ફૂલફૂલ પર ભમરા ગુંજે,
મધુર રસનો આસ્વાદ માણે,
વસંતરાણીના સૌંદર્ય સાથે,
કવિઓની કલમ
મદહોશ ભાસે....
સકલ સૃષ્ટિ
બની ગઈ ચેતનવંતી,
અનેરી વસંતરાણી
સૌને મનભાવતી,
મધુર ગીતોના
આલાપ એ છેડતી,
સ્વાગત કરે સૃષ્ટિ,
તારું વસંતરાણી.
- ભારતી પી. શાહ : (અમદાવાદ)
દીકરી વિદાય
વિદાયના આંસુઓમાં
સરિતા વહી જાય છે
પિયરની પ્રીત છોડી,
દીકરી દૂર જાય છે....
સહેલીના સહારે, માંડ ડગલું ભરાય છે
ઉંબરો ઓળંગતા,
એના પગ થંભી જાય છે...
વીસ વર્ષના વ્હાણા, તો ઘડીકમાં
વહી ગયા
આજે વિદાયની વેળાએ,
યુગો વહી જાય છે.
માતા-પિતા, દાદા-દાદી,
ભાઈ-બેનને છોડતાં
એક એક ડગલું એને,
સો સો ગાઉનું થાય છે.....
સ્વજનો, સહિયર અને
ઘર તરફ જોતાં એની
નમણી પાપણો પર જાણે,
ડુંગર ઢળી જાય છે...ચ
કલેજાના ટુકડા સમી એ દીકરી છે બાપની
માતાનો એ તુલસીનો ક્
યારો ગણાય છે...
વિપુલ વડની છાયા, અને પિયરની માયા
અશ્રુભીની આંખોમાંથી ,
સઘળું વહી જાય છે...
કંકુવર્ણા થાપા હવે, ભીત પર રહી ગયા
એ નિશાનીમા તારી સ્મૃતિ
વણાય જાય છે....
- ભગુભાઈ ભીમડા : (હલદર-ભરુચ)
કારણ મળે
તમને નિરખવા કદી પળ મળે,
અમને જીવવાનું બહાનું મળે.
મળવાની સોનેરી કદી તક મળે,
મંઝિલ પહોંચ્યાની મને સંતોષ મળે
સપનામાં જોયા'તા તમારા રુપ,
એ રૂપને એકવાર માણવાની તક મળે,
ઝાંઝવાનું નીર જોઈ મને દોડવા મળે,
તરસ મીટાવવાની એક તક મળે.
લાંબી સફરમાં તારો સાથ મળે,
વાત હૈયાની કહેવાની મને તક મળે.
'સુમન' આ બધું ક્યારે મળે?
કર્મ સંજોગોને પ્રભુકૃપા એ જરૂર મળે.
- સુમન ઓઝા : (ખેરાલુ)
બે દર્દી
આંસુઓનો અભિષેક કર્યો
એની ક્યાં કોઈ અસર છે?
બેસુમાર વહ્યા આંખોથી
તોય પીગળ્યું ક્યાં જિગર છે?
ઝૂકી પલકો ઉઠતી નથી
હાલે-દિલ પર કયાં નજર છે?
અરમાનો કોઈ જાગતા નથી
લાગે છે પ્રેમથી બેખબર છે
- મણીલાલ ડી. રૂધાણી : (રાણાવાવ)
સારું લાગે છે.....
જ્યારે કોઈ ને,
મન થી યાદ કરતા હોઈએ!
અને એમની સાથે
વાત થઈ જાય તો,
સારું લાગે છે....
જ્યારે ખૂબ એકલતા
લાગતી હોય!
અને કોઈ પોતાનું આવી,
ખભે હાથ મૂકી જાય તો,
સારું લાગે છે....
જ્યારે કોઈ સફળતાની સીડી
ચઢતા થાક્યા હોઈએ!
અને, વડીલોનો માથે
આશિષ ભર્યો
હાથ અનુભવાય તો,
સારું લાગે છે....
જ્યારે કોઈ, વર્ષોથી નજીકના
સાથે વાત ના થઈ હોય!
અને અનાયાસ,
તમારી ચિંતા
કરતા આવી જાય તો,
સારું લાગે છે....
- ખુશ્બુ (મુંબઈ)
સ્વભાવ કેવો
સ્વભાવને ના ઓળખી શકાય
ભલેને લાખો પ્રયત્નો કરાય
વર્ષામાં વગડે લીલવો છવાય
જવાસો ત્યારે સુકતો દેખાય
સૂર્યોદયે સર્વત્ર ખુશી વર્તાય
ઘૂવડ દિલે દુ:ખ-દર્દ જણાય
શીતલતા શથીની ગમતી થાય
ચોર લોકો ચિંતાથી ઘેરાય
સ્વભાવોમાં વિચિત્રતા વર્તાય
'લઘુગોવિંદ' પામી ના શકાય
ધનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)
ઊડી ગઈ ઊંઘ મધરાતમાં
ઊડી ગઈ ઊંઘ મધરાતમાં
સોનેરી સપનાની સુંવાળી કોર વાગી ગલગલિયાં સોગાતમાં.
ઘરના ફળિયામાં લાવ, રોપું એક આંબો, બને મોરલાને બેસવા ઠેકાણું,
બે ઘડી અણોહરો ભાળું તો ઝટ્ટ કરી ઢેલડનું વાળી આવું આણું!
પાંદડાની આડશે ટહુકા મેલે તો ટાઢક આ રખરખતી જાતમાં,
ઊડી ગઈ ઊંઘ મધરાતમાં
આંબાની ફરતે હો મેંદીની વાડ, એના આકાશે આંબતા ઝાડ,
આછાઆછા શેકેલા ભરડેલા મગની સુગંધિત પીઠીના પહાડ,
ભોળુડી માવડી! પૂછવાનું એટલું, તું સમજી ઈશારો કંઈ વાતમાં?
ઊડી ગઈ મધરાતમાં.
- નેહા પુરોહિત : (ભાવનગર)
હોય છે
જિંદગી જીવી જવાનો અભાવ હોય છે,
મોત માટે એટલો તો લગાવ હોય છે.
દુન્વયવી સંબંધને ક્યાં સુધી નિભાવશો?
લાગણીની વાતમાં ક્યાં તનાવ હોય છે.
જગ કને અમૃત તણી આશ રાખશો નહીં,
ડંખ દેવો સર્પ કેરો સ્વભાવ હોય છે.
કોઈપણ પળમાં હવે સૂર્ય ઊગશે જરૂર,
અંધકારોનો જગે ક્યાં પડાવ હોય છે?
વાતને શી રીતથી 'ચાંદ' હું કરું બયાન,
રેશમી મિલાપનો જો બનાવ હોય છે.
- પ્રવીણ પોંદા (ચાંદ) : (ભાવનગર)
પ્રભાવ
તમે આવજો, એ સાંભળીને
અમે મસ્ત થઈ ગયા
ને કહિને માત્ર આટલું તમે અસ્ત થઈ ગયા
રણની જેમ તરસ્યો હં ને,
ઝાકળની જેમ વરસ્યા તમે,
હું બાદબાકી કરતો રહ્યો,
ને સરવાળા કરતા રહ્યા તમે
તારા વગરના આકાશમાં
હું તારા ગણતો રહ્યો.
અમે મસ્તરહ્યા માત્ર સ્વાગતમાં કે શું?
અરે ના અહીં સ્વાગતે જ સ્વાગત
કર્યું મારું સ્વાગતમાં
અફસોસ માત્ર એટલો જ કે
તમે બદલાતા સંજોગોમાં ગુલ છો
'ને 'વિશાલ' હજી તમારી
કંકોત્રી વાંચવામાં ગુમ છે.
- વિશાલ દાફડા : (અમરેલી)




