Magazines

ઓટીટીનું ઇધરઉધરઃ સરહદી સૈનિકોથી ખૂંખાર સિક્રેટ એજન્ટ્સ સુધી...

By GS TEAM
14 May 20264 mins read
ઓટીટીનું ઇધરઉધરઃ સરહદી સૈનિકોથી ખૂંખાર સિક્રેટ એજન્ટ્સ સુધી...

OTT ઓનલાઈન ઝિંદાબાદ : સંજય વિ. શાહ

ઓટીટી પર જાતજાતની શોર્ટ ફિલ્મ્સ ઉપરાંત ખૂબ બધી જૂની ફિલ્મોનું આગમન થયું છે. આ બધું મનોરંજન જોકે પ્લેટફોર્મ્સ ખાસ પ્રમોટ કરતાં નથી. એટલે થાય એવું કે એની તરફ દર્શકોનું ધ્યાન તેના તરફ તરત ખેંચાતું નથી. અલબત્ત,  જે સ્માર્ટ ઓડિયન્સ આ કોન્ટેન્ટ સુધી પહોંચી જ જતા હોય છે 

ચાઓટીટી પર જાતજાતની શોર્ટ ફિલ્મ્સ ઉપરાંત ખૂબ બધી જૂની ફિલ્મોનું આગમન થયું છે. આ બધું મનોરંજન જોકે પ્લેટફોર્મ્સ ખાસ પ્રમોટ કરતાં નથી. એટલે થાય એવું કે એની તરફ દર્શકોનું ધ્યાન તેના તરફ તરત ખેંચાતું નથી. અલબત્ત,  જે સ્માર્ટ ઓડિયન્સ આ કોન્ટેન્ટ સુધી પહોંચી જ જતા હોય છે 

ચાલો, લાંબી પ્રસ્તાવના બાંધ્યા વિના સીધા જ ઓટીટીની દુનિયામાં થઈ રહેલી ચહલપહલની વાતો માણવાનું શરૂ કરી દઈએ.

વરસ ૧૯૮૯માં દૂરદર્શન પર એક સિરિયલ આવી હતી. નામ હતું 'ફૌજી'. દિગ્દર્શક હતા રાજકુમાર કપૂર. પડદા પર તેમનું નામ હતું કર્નલ કપૂર. એમની આ સિરિયલ એટલા માટે યાદગાર બની કે એની કથા અને એની રજૂઆત બેઉ ખૂબ રસપ્રદ. એનાથી મોટું કારણ એ હતું કે આ સિરીયલે એ જમાનાના એક ટેલિવિઝન સ્ટારને જન્મ આપ્યો. આજે એ બોલિવુડ સુપરસ્ટાર છે. નામ શાહરુખ ખાન. 'ફૌજી'માં શાહરુખે ભજવેલું અભિમન્યુ રાયનું પાત્ર અત્યંત સફળ હતું. જોકે સિરીઝનાં અન્ય પાત્રો પણ મજેદાર હતાં. આ સિરીયલ અત્યાર સુધી ઓનલાઇન વિશ્વમાં આસાનીથી જોવા મળી શકતી નહોતી. યુટયુબ પર એ હતી ખરી, પણ હવે ફોજી સિરિયલ સત્તાવાર રીતે પ્રાઇમ વિડીયો પર આવી છે.

મુશ્કેલી એક છે. આવી અપ્રતિમ સિરીયલ લાવવા છતાં પ્રાઇમ વિડીયોએ એની ક્વોલિટી સુધારી હોય એવું લાગતું નથી. સિરીયલની વીડિયો ક્વોલિટી અને સાઉન્ડ ક્વોલિટી સાધારણ છે. ખરેખર તો, આટફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોમ્પ્યુટર ગ્રાફિકની મદદથી 'ફૌજી' સિરીયલને એકદમ ફાંકડી કરીને રિલીઝ કરવાની જરૂર હતી. માત્ર શાહરુખના ચાહકો નહીં પણ દરજ્જેદાર મનોરંજન ઝંખતા દર્શકોને એ બેશક ભરપૂર આનંદ આપી શકે એમ છે. હશે. 'ફૌજી' તેમ છતાં એ દર્શકો અવશ્ય જોઈ શકે છે, જે આ નોસ્ટાલજિયા માણવા ચાહે છે.

'ધુરંધર પાર્ટ ટુ'એ બોક્સ ઓફિસ પર તડાકો મચાવ્યો. એટલી બધી કમાણી કરીએ કે આજ સુધી કોઈ ઓરિજિનલ હિન્દી ફિલ્મ નથી કરી શકી. એનાથી મહત્ત્વની વાત એ કે સામાન્ય દર્શકો અને વિવેચકો બેઉમાંના મહત્તમ લોકોએ ફિલ્મની સરાહના કરી. હવે આ ફિલ્મ ઓટીટી પર આવી ગઈ છે. નેટફ્લિક્સ પર આ ફિલ્મ જોનારા અસંખ્ય પ્રેક્ષકો નીકળશે. અહીં એ પણ નોંધવું રહ્યું કે 'ધુરંધર પાર્ટ વન' થિયેટરમાં જોયા પછી પણ લાખો લોકોએ એને ફરી ઓટીટી પર જોઈ. પાર્ટ ટુ સાથે પણ ઓટીટી પર બિલકુલ એવું થઈ શકે છે. ટૂંકમાં, જેનું પત્તું ચાલ્યું અને જે ફિલ્મે લોકહૃદયમાં સ્થાન બનાવ્યું એને માણનારા મોટા અને નાના પડદા પર હોય જ.

પેલી એક સિરીઝ, 'ફોર મોર શોટ્સ પ્લીઝ'ની છેલ્લી સીઝન થોડા સમય પહેલાં આવી હતી. યાદ છે ખરું? ના હોય તો એમાં તમારો કોઈ વાંક નથી. પહેલી સીઝનમાં ખૂબ રંગ જમાવનારી એ સિરીઝ એના અસ્તાચળે પહોંચી ત્યાં સુધીમાં બીબાઢાળ અને ખાસ્સી કંટાળાજનક થઈ ચૂકી હતી. એટલી કંટાળાજનક કે છેલ્લી સીઝન બની શું કામ એ પ્રશ્ન ઘણાને થાય. 

પ્રિયંકા ચોપરાને ચમકાવતી વિદેશી માહોલ અને ખર્ચવાળી 'સિટાડેલ'ની પણ નવી સિઝન હાલમાં આવી છે. હજી તો એ આવી ત્યાં જ લોકો નાકનું ટીચકું ચડાવવા માંડયા છે.  અને કેમ નહીં? કરોડો રૂપિયાનાં આંધણ પછી જે સિરીઝ દર્શકને જકડી ન રાખે તો તેને બનાવવાનો અર્થ શો? બેશક, રહેલી સીઝન કરતાં એ થોડી વ્યવસ્થિત છે. આ વખતે લોચો એ થયો છે કે પ્રિયંકા એમાં મિસફિટટ લાગે છે. આ સીઝનમાં પણ કોઈ ખાસ ઊંડાણ નથી. સિવાય કે તમે પ્રિયંકાના પાક્કા ચાહક હો. આ સિરીઝ નહીં જોઈ તો કશું ગુમાવવાનો વારો નહીં આવે.

ચારેક વર્ષમાં ભારતની ઓટીપી માર્કેટ લગભગ ૨૪ બિલિયન અમેરિકન ડોલરની થઈ જશે. વક્રતા એ છે કે દેશમાં જેટલા ઓટીટી દર્શકો છે એમાંના માત્ર ૨૦% પૈસા ચૂકવીને મનોરંજન માણે છે. સંખ્યાની વાત કરીએ તો ઓટીટી જોનારા ભારતીય ૮૦ કરોડને પાર થઈ ગયા છે. દેશમાં ઇન્ટરનેટ વાપરનારા ૯૭.૪% લોકોના હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે. એટલે નવાઈ નથી કે ઓટીટીનો વપરાશ લગાતાર વધી રહ્યો છે. તમામ દર્શકોમાંના ૪૧% એવા છે જે દર મહિને કમ સે કમ એકવાર ઓટીટી પર કંઈક તો અચૂક જુએ છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય ઓટીટી દર્શકો એક્ટિવ યુઝર્સ છે. એમાંય ક્રિકેટઘેલા આ દેશમાં જીઓહોટસ્ટાર જોનારાની સંખ્યા કૂદકે ને ભૂસ્કે વધી છે. આઈપીએલ જેવી ટુર્નામેન્ટ વખતે માથું ચકરાવો ખાઈ જાય એટલા લોકો ઓનલાઈન હોય છે. ઓટીટી માટે આવનારા દિવસો જબરદસ્ત રહેવાના છે. જોવાનું એ છે કે એની ફિલ્મોના બિઝનેસ પર કેવીક અસર પડે છે. 

ઘણાને ખ્યાલ નહીં હોય, પણ ઓટીટી પર હજી એક નાનકડું પરિવર્તન આકાર લઈ રહ્યું છે. એ છે જાતજાતની શોર્ટ ફિલ્મ્સનું આગમન, અને એવી ઘણી ફિલ્મોનું પણ આગમન જે જૂની છે. આ બધું મનોરંજન જોકે પ્લેટફોર્મ્સ ખાસ પ્રમોટ કરતાં નથી. એટલે થાય એવું કે એની તરફ દર્શકોનું તરત ધ્યાન ખેંચાય નહીં. છતાં જે સ્માર્ટ છે એ આ મનોરંજન સુધી પહોંચી શકે છે. એના માટે એટલું જ કરવાનું કે જે પ્લેટફોર્મ પર સતત જતા હો એમાં ઊંડા ઊતરવાનું. એમાં સૌથી ઉપર જે ફિલ્મો કે સિરીઝ પ્રમોટ કરવામાં આવી હોય એનાથી આગળ વધવાનું. ધીમે ધીમે કરતાં શક્ય છે તમે આવી ફિલ્મો સુધી પહોંચી જાવ. ખાણમાંથી હીરા શોધવા જેવું આ કામ છે, પણ કરશો તો શક્ય છે કે એવું કશુંક જોવા મળશે જે ધાર્યું નહોતું અને છતાં બેહદ મનોરંજક હોય.