નવું શું છે? .

સ્ક્રીન પર મારામારી ને કાપાકાપી જોઈને તમે થાકી ગયા હો તો આઠ એપિસોડની સિરીઝ 'એવરી યર આફ્ટર' તમને ગમી શકે છે. કાર્લી ફોર્ચ્યુન લિખિત બેસ્ટસેલર નવલકથા પર આધારિત આ શોમાં બે પાક્કા દોસ્તારો (હીરો અને હિરોઈન)ની વાત છે. તેઓ જીવનમાં એટલા બધા ચડાવઉતાર જુએ છે કે પ્રેમ અને 'દો આત્માઓં કા મિલન' પ્રકારના કોન્સેપ્ટ પરથી એમનો ભરોસો ઉઠી જાય છે. એમેઝોન પ્રાઇમ વીડિયો પર ૧૦ જૂનથી આ શોનું સ્ટ્રીમિંગ શરૂ થઈ ચૂક્યું છે.
અલી ફઝલને લીડ રોલમાં ચમકાવતા નવોનક્કોર ક્રાઇમ-થ્રિલર શો 'રાખ'ની પહેલી સિઝન એમેઝોન પ્રાઇમ વીડિયો પર બે દિવસ પહેલાં મૂકાયો. ૧૯૭૮માં ગીતા અને સંજય ચોપડા કિડનેપ કેસ ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો. તે અસલી ઘટનાક્રમ પર આ શો આધારિત છે. શોના ડિરેક્ટર છે, પ્રોસિત રોય.
કૂકિંગ રિયાલિટી શોમાં રસ પડે છે તમને? તો પછી ઝીફાઇવ પર આજે જ મૂકાયેલો 'માં હૈ ના' નામનો શોમાં તમને મજા પડે તેવા પૂરા ચાન્સ છે. શિલ્પા શેટ્ટી શોની હોસ્ટ છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન ગૌરવ કપૂર સહિત જેન-ઝીમાં પોપ્યુલર હોય તેવા સેલિબ્રિટીઓ આ શોમાં દેખાશે. લાગે છે કે આ કૂકિંગ અને કોમેડીના ફ્યુઝન પ્રકારનો શો હશે. સ્ટ્રીમિંગ શરૂ થશે આજથી.
મલયાલમ કોન્ટેન્ટના શોખીનોને 'દ્રિદમ' નામની ફિલ્મ ક્રાઇમ થ્રિલર (ફિલ્મ)માં મજા પડશે. ફિલ્મના કેન્દ્રમાં એક નાનકડું, શાંત નગર છે, રાધર હતું, કે જ્યાં ભેદી હત્યાઓનો ભયંકર સિલસિલો શરૂ થઈ જાય છે. આ ફિલ્મ આજે જ જિયોહોટસ્ટાર પર મૂકાઈ છે.








