Magazines

SOCIAL સર્કલ .

By GS TEAM
30 Apr 20262 mins read
SOCIAL સર્કલ                                                    .

મૈં ઔર મેરા પરિવાર

જોતાંવેંત જ લાંબું 'ઑ......' કરીને 'સો ક્યુટ!' કહેવાનું મન થાય એવી આ તસવીરો છે, હેંને? સોશિયલ મીડિયા પર શેર થયેલી એક તસવીરમાં વિરાટ કોહલી-અનુષ્કા શર્મા-દીકરી વામિકા છે. બાબલો અકાય (કે આકાય?) જોકે અહીં મિસિંગ છે. બીજી તસવીરમાં રોહિત શર્મા-ઋતિકા-દીકરી સમાઈરા છે, જ્યારે ત્રીજીમાં મહેન્દ્ર ધોની-સાક્ષી અને બેબી ઝિવા છે. આ ત્રણમાંથી વિરાટ તો આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જમાઈ છે. ધોની પર આખેઆખી મસ્તમજાની બાયોપિક બની ચૂકી છે. એક મિનિટ. રોહિત શર્મા કે ઋતિકાનું બોલિવુડ સાથે કોઈ સીધું કે આડકતરું કનેક્શન નથી એવું કોણે કહ્યું? આખેઆખું બોલિવુડ રોહિત શર્માનું ફેન છે એ તે કનેક્શન કંઈ નાનું થોડું કહેવાય? શું કહો છો? 

ફરાહ ખાન: જસ્ટ બીટ ઇટ!

ઉપરના ફોટોગ્રાફની 'પ્રિન્ટિંગ ક્વોલિટી' બરાબર નથી એવી ફરિયાદ, પ્લીઝ, ન કરતા, કેમ કે ફરાહ ખાને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી  ઓરિજિનલ તસવીર સ્વયં ૩૦ વર્ષ જૂની છે. માઇકલ જેક્સને ૧ નવેમ્બર ૧૯૯૬ના રોજ મુંબઈના અંધેેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લાઇવ પર્ફોર્મોન્સ આપેલું તે વખતે બેકસ્ટેજમાં લીધેલો આ ફોટોગ્રાફ છે. માઇકલે આખી જિંદગીમાં ભારતમાં આ એક માત્ર શો કરેલો. પોપ મ્યુઝિકના આ દેવતાએ દુનિયાભરની એક કરતાં વધારે પેઢીઓને નાચતી કરી છે. આજકાલ માઇકલ જેક્સનની બાયોપિક થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. તે જોઈને પુલકિત થઈ ગયેલી ફરાહ ખાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે આ ફિલ્મનો ખરાબ રિવ્યુ આપનારા રિવ્યુઅરો મહાચક્રમ છે. ફિલ્મ મસ્ત છે, માઇકલ જેક્સનના ચાહકોએ જોવી જ જોઈએ, અને સ્ક્રીન પર માઇકલને જીવતો કરનાર ભજવનાર જાફર જેક્સનને તો ઓસ્કર મળવો જોઈએ. જાફર, બાય ધ વે, માઇકલ જેક્સનનો સગો ભત્રીજો થાય, તે તમે જાણો છોને?    

આમિર ખાન: ...કે કૂવો ભરીને અમે રોઈ પડયા

ફરાહની જેમ બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને આપેલો એક ફિલ્મ રિવ્યુ પણ સોશિયલ મીડિયા પર ખાસ્સો વાઇરલ થયો છે. તે છે, આજે જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'ધબકારો'નો રિવ્યુ. મુંબઈમાં યોજાયેલા એક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હિન્દી-ગુજરાતી ફિલ્મ ઇન્ટસ્ટ્રીના કેટલાય સેલિબ્રિટીઓની સાથે આમિર પણ પોતાના લંબૂસ પુત્ર જુનૈદ સાથે 'ધબકારો' જોવા પહોંચી ગયેલા. યોગાનુયોગે આજે જુનૈદની ફિલ્મ 'એક દિન' પણ રિલીઝ થઈ છે. 'ધબકારો'નું સ્ક્રીનિંગ પૂરું થયા પછી વીડિયો બાઇટ આપતી વખતે આમિરે પોતાના ખભે રીતસર - અને સ્ટ્રેટેજિકલી - નેપ્કિન રાખેલું. ફિલ્મ એમને બહુ જ ગમી. ફિલ્મ જોતી વખતે એ ખૂબ ઇમોશનલ થયા ને આખું નેપ્કિન ભીનું થઈ જાય એટલું બધું રડયા. આમિર આમેય જબરા રડકુ માણસ છે તે જાણીતી વાત છે. આમિરના અભિનેતા તરીકેનાં મૂળિયાં ગુજરાતી રંગભૂમિમાં દટાયેલાં છે. 'ધબકારો'ના મુખ્ય અભિનેતા દેવેન ભોજાણી (તસવીરમાં વચ્ચે)ની જેમ. 'જો જીતા વો હી સિકંદર'માં આમિર અને દેવેન ભોજાણી કો-એક્ટર્સ હતા. લાગે છે, ટેલેન્ટેડ ગુજરાતી ફિલ્મમેકર અભિષેક શાહ 'હેલ્લારો' અને 'ઉંબરો' પછી 'ધબકારો' આપીને સફળતાની હેટ્રિક કરીને જ રહેશે!