Magazines

ધરતી ક્યું વિપરિત હુયી ઔર ક્યૂં વિરુદ્ધ આકાશ હુઆ, અભી અભી થા રાજતિલક ઔર અભી અભી બનવાસ હુઆ....

By GS TEAM
11 Jun 20265 mins read
ધરતી ક્યું વિપરિત હુયી ઔર ક્યૂં વિરુદ્ધ આકાશ હુઆ, અભી અભી થા રાજતિલક ઔર અભી અભી બનવાસ હુઆ....

- સિને મેજિક- અજિત પોપટ

- ફિલ્મ સર્જકે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો મહિમા દર્શાવવાની સાથોસાથ વાલ્મીકિને અનુસરીને જરૂર જણાઇ ત્યાં રામની ટીકા પણ કરી છે. કુલગુરુ શ્રી વિશ્વામિત્ર સાથે લવ અને કુશ રામના દરબારમાં આવે છે અને ગાય છે. આ ગીતના શબ્દો માણો- હમ રામચંદ્ર કી ચંદ્રકલા મેં ભી કલંક દિખાતે હૈં, નારી કે આંસુ સે લીખી, રામાયણ તુમ્હેં સુનાતે હૈં....

આજે તો ફિલ્મ સર્જનની ટેકનિક અત્યંત આસાન બની ગઇ છે. વીએફએક્સ (વિઝયુઅલ ઇફેક્ટ્સ)ની મદદથી સામાન્ય રીતે અશક્ય લાગે એવાં દ્રશ્યો ફિલ્મ સર્જક રજૂ કરી શકે છે. પરંતુ ૧૯૪૦થી લગભગ ૧૯૭૦ની વચ્ચે એક ગુજરાતી આદમીએ માત્ર કોઠાસૂઝ અને હાથવગાં સાધનોથી આજના વીએફએક્સને ટક્કર મારે એવા ચમત્કારો કર્યા હતા. એ ટ્રીક ફોટોગ્રાફીનો બેતાજ બાદશાહ હતો. એને પાયોનિયર ઑફ ટ્રીક ફોટોગ્રાફી તરીકે સમગ્ર બોલિવૂડ સલામ કરે છે. આ માણસ હરતી ફરતી પ્રયોગશાળા હતો. ૯૦ ટકા સ્ટંટ ફિલ્મોમાં એની કલાએ જાદુ કર્યો હતો. એનું નામ બાબુભાઇ મિી. ૧૯૬૦-૬૧ની આસપાસ બાબુભાઇએ એક પૌરાણિક ફિલ્મ બનાવેલી- સંપૂર્ણ રામાયણ. આ રામાયણ એટલે ગોસ્વામી તુલસીદાસજીના રામચરિત માનસ પર આધારિત રામકથા નહીં, મહર્ષિ વાલ્મીકિ રચિત રામાયણ કથા. એમાં મહીપાલે રામની અને અનિતા ગૂહાએ સીતાની ભૂમિકા ભજવેલી. આજે લોકો અનિતા ગૂહાને જય સંતોષી મા ફિલ્મની નાયિકા તરીકે વધુ ઓળખે છે.  બાકી આ ફિલ્મ રજૂ થઇ ત્યારે અનિતા ગૂહા ઘેર ઘેર સીતા તરીકે લોકપ્રિય અભિનેત્રી બની ગઇ હતી.

સંપૂર્ણ રામાયણમાં બાબુભાઇએ ટ્રીક ફોટોગ્રાફીથી એવા ચમત્કારો સર્જ્યા હતા કે ફિલ્મે બોક્સ ઑફિસ પર રીતસર ટંકશાળ સર્જી હતી. ત્યારપછી ૧૯૭૦ના દાયકાના ઉત્તરાર્ધમાં રામાનંદ સાગરે કોમ્પ્યુટર અને લેટેસ્ટ ટેક્નોલોજીથી રામાયણ ટીવી સિરિયલ બનાવી. એ બધી રીતે ટેક્નિકલ અને ભારે ખર્ચાળ સિરિયલ હતી. બીજી બાજુ ઓછા ખર્ચે બનેલી સંપૂર્ણ રામાયણ ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ છતાં ભવ્ય હતી. એનાં ગીતો ભરત વ્યાસનાં અને સંગીત વસંત દેસાઇનું હતું. સૌથી રસપ્રદ વાત એ હતી કે ભરત વ્યાસે કથાપ્રવાહ જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ પ્રસંગને અનુરૂપ ગીતો રચ્યાં હતાં. વસંત દેસાઇએ થોડાંક ગીતો રાગ આધારિત અને થોડાંક લોકધૂન આધારિત રચ્યાં હતાં. એ ગીતો પણ ધૂમ મચાવી ગયાં હતાં. ખાસ કરીને લતાના કંઠે ગવાયેલાં બે ગીતો એ તો સંગીત રસિકોને રીતસર ઘેલાં કર્યા હતાં. ફિલ્મમાં દસથી વધુ ગીતો હતાં. આજે આ ફિલ્મનાં બેચાર અત્યંત યાદગાર ગીતોની ઝલક માણીએ. 

આ ફિલ્મનું સૌથી સરસ ગીત લતા મંગેશકરના કંઠે ગવાયેલું આ ગીત હતું- સન સનન સનન સનન, જા રે ઓ પવન, દૂર દેશ લે જા સંદેશ, જહાં મેરે સજન, જા રે ઓ પવન... પછી આગળ કહ્યું, છૂ કે ચરણ, કહના પવન, બિરહા અગન, અબ હો ના સહન, તન હૈ યહાં ઔર પ્રાણ વહાં, મેરી પૂજા યહાં ઔર ભગવાન વહાં... શબ્દો પરથી સમજાઇ જાય કે અશોકવાટિકામાં બેઠેલાં સીતાજી આ ગીત ગાય છે. આ ગીત રાગ ચંદ્રકૌંસમાં સ્વરબદ્ધ છે. છ માત્રાના દાદરામાં ગીત જે આક્રંદ સર્જે છે એ હૃદયસ્પર્શી છે. એક સરસ નોંધ લેજો. બડા બડા ઉસ્તાદો આ રાગ વિશે સમજાવતાં કહેતા, ચંદ્રકૌંસમાં ભક્તિરસ પ્રધાન રાગ માલકૌંસના જ સ્વરો છે, ફરક માત્ર એટલો છે કે માલકૌંસના નિષાદ (સરગમના સાતમા સ્વર ની)ને શુદ્ધ કરી નાખો એટલે થઇ જાય ચંદ્રકૌંસ. માલકોંસમાંની કોમળ વપરાય છે. લતાએ જે હલકથી આ શુદ્ધ નીને ગીતમાં વહેતો કર્યો છે એ કાબિલ-એ-દાદ છે.

લતાએ ગાયેલું એવું જ બીજું ગીત પણ સીતાજીના મનની વેદનાને વ્યક્ત કરે છે. બાદલોં બરસો નયન કી ઔર સે, બીજલીયોં કડકો હૃદય કી ઔર સે, અય ઘટાઓં ગર્જના કો થામ લો, આજ મેરે કરુણ સ્વર સે કામ લો... શી અદ્ભુત કલ્પના છે. આ ગીતમાં વસંત દેસાઇએ અલગ પ્રકારનો તાલ વાપરીને વિસ્મય સર્જ્યું છે. સાત માત્રાનો આ તાલ મોટે ભાગે ક્લાસિકલ મ્યુઝિકમાંજ વપરાય છે. ફિલ્મ સંગીતમાં આ તાલ બહુ ઓછો વપરાયો છે. ધા ધીં તા, કિટ તક, ગદી ગન.. જેવા બોલ ધરાવતા આ તાલને તેવરા કે તીવરા કહે છે. ગીતના શબ્દોમાં રહેલા ભાવને વધુ ભારપૂર્વક પ્રગટ કરવા વસંત દેસાઇએ આ તાલ વાપર્યો છે. આ ગીત આપણા સૌની માનીતી રાગિણી ભૈરવીમાં સ્વરાંકિત થયું છે.

કોણ જાણે કેમ પણ આ ફિલ્મના સંગીતમાં વિરહગીતો વધુ યાદગાર બન્યા છે. સીતાજીનું હોય કે શબરીનું હોય, વિરહગીતો ઓડિયન્સની આંખો ભીની કરી નાખે એવાં બન્યાં છે. આવાં ગીતોમાં ઉત્તર પ્રદેશના લોકસંગીતનો આશ્રય લેવાયો છે. એક વિરહગીત આ રહ્યું- મેરે જીવન કી પર્ણકુટિ મેં, મેરે પ્રાણોં કી પંચકુટિમેં, મેરે સાંસોં કી કોયલ ક્યા બોલે, બોલે રે રામ, બોલે રે રામ... આ ગીત પણ લતાના કંઠમાં છે. વધુ એક વિરહગીત આ છે- મેરે રામ તુમ કબ આઓગે, કબ આઓગે મોરે રામ, બૈઠી હું પલકેં બિછાયેં, રટતી હું તેરા નામ, કબ આઓગે રામ... આ બંને ગીતોમાં લોકસંગીતનો આધાર લીધો છે. તર્જો સરળ અને કોઇ પણ વ્યક્તિ સહેલાઇથી ગાઇ શકે એવી બની છે. 

પરદા પર હનુમાનજી ભગવાન શ્રી રામનો જયજયકાર બોલાવીને જે ગીત રજૂ કરે છે એ મહેન્દ્ર કપૂરના કંઠમાં રજૂ થયું છે- બોલો સભી શ્રી રામ, બોલો સભી શ્રી રામ, બને સભી કા કામ, બોલો જય શ્રી રામ, ઔર નામ સબ જૂઠા, યહી તો નામ સચ્ચા... અહીં ગીતકારની કમાલ એ છે કે હનુમાન કપિ (વાનર) રૂપે છે એટલે આ ગીતમાં જરાય ભારેખમ શબ્દો  વાપર્યા નથી. એક્કે એક શબ્દ સરળ વાપર્યો છે. સંસ્કૃત શબ્દો નહીંવત્ છે.

ફિલ્મ સર્જકે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો મહિમા દર્શાવવાની સાથોસાથ વાલ્મીકિને અનુસરીને જરૂર જણાઇ ત્યાં રામની ટીકા પણ કરી છે. કુલગુરુ શ્રી વિશ્વામિત્ર સાથે લવ અને કુશ રામના દરબારમાં આવે છે અને ગાય છે. આ ગીતના શબ્દો માણો- હમ રામચંદ્ર કી ચંદ્રકલા મેં ભી કલંક દિખાતે હૈં, નારી કે આંસુ સે લીખી, રામાયણ તુમ્હેં સુનાતે હૈં.... એક ધોબીએ કરેલી ટીકાના પગલે રામે સીતાને ફરી એકવાર વનવાસ આપ્યો હતો એ યાદ રાખીને આ ગીતમાં રામચંદ્રની ચંદ્રકલામાં કલંક જેવા શબ્દ ગીતકારે વાપર્યો છે.

બાકીનાં ગીતો અને એ પરદા પર માણવા જેવાં હતાં. એક ઘટના નોંધવા જેવી હતી. શૂર્પણખાનો રોલ અનેક યાદગાર ગીતોમાં પોતાના ડાન્સથી છવાઇ ગયેલી હેલને કરેલો. ૧૯૬૧માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સંપૂર્ણ રામાયણનું પણ નામ હતું.