Magazines

સાદાં સ્વેટરથી સ્નો જેકેટ સુધી

By GS Team
13 Jan 20206 mins read
This article was originally published on 13 Jan 2020
સાદાં સ્વેટરથી સ્નો જેકેટ સુધી

શિયાળો સર્વત્ર જામી ગયો છે. કોઈક સ્થળે ફુલગુલાબી તો અમુક સ્થળે જોરદાર ઠંડી પડવા લાગી છે. શિયાળામાં પહેરવા માટેના સ્વેટરો ઘણી ખરી સ્ત્રીઓ બજારમાંથી જ તૈયાર ખરીદે છે. પણ એવી ઘણી સ્ત્રીઓ છે, જે આજે પણ પોતે પોતાના હાથે સ્વેટર ગૂંથીને તૈયાર કરે છે.  હાથેથી તૈયાર કરેલા સ્વેટરો ખૂબ જ સસ્તા અને સારા રહે છે. પણ સ્વેટર ગૂંથવાનું દરેક સ્ત્રીને ફાવતું નથી હોતું. પણ જેને સ્વેટર ગૂંથવાની કળા આવડી જાય એના માટે રમતવાત બની જાય છે.

સ્વેટર કઈ રીતે ગૂંથવું એ તો દરેક સ્ત્રી જાણતી હોય છે. કેટલીક સ્ત્રીઓ સ્વેટર ગૂંથવામાં ખૂબ જ હોશિયાર હોય છે. પણ કેટલીક સ્ત્રીઓ એવી પણ હશે જેમણે થોડા વખત પહેલા જ ગુંથવાની શરૂઆત કરી હશે. અહીં આવી સ્ત્રીઓ માટે સ્વેટર કઈ રીતે ગૂંથવું એ બતાવવામાં આવ્યું છે.

ગૂંથણકામ એ એક એવીકળા છે, એમાં તમે જેટલીવાર ગૂંથવાનું ચાલુ રાખશો તમારા ગૂંથણકામમાં એટલી જ વધારે સફાઈ અને સુંદરતા આવશે.

ઘરમાં બનાવેલા સ્વેટર જો નાના અથવા તો જૂના થઈ જાય તો એમને ઊકેલીને તેમજ ધોઈને એ ઊનમાંથી ફરીથી બાળકો માટે સ્વેટર, મોજાં, મફલર અથવા તો ટોપી વગેરે ગૂંંથી શકો છો. જ્યારે બજારમાંથી તૈયાર લાવેલા સ્વેટર જૂના થાય ત્યારે ન તો  એમનું ઊન ઊકેલી શકાય છે કે ન તો એ રિપેર થઈ શકે છે. એટલું જ નહીં, એ ઊનનો કોઈ ઉપયોગ પણ થઈ શકતો નથી. ઘણું ખરું એ ઊન પણ સિન્થેટીક હોય છે.

સ્વેટર બનાવતાં પહેલાં ઊન ખરીદતી વખતે નમૂનો અને એમા આપેલી સૂચનાઓ ધ્યાનથી વાંચીને બરાબર સમજી લો. એ પછી જ ઊન ખરીદો, કેમ કે કોઈ નમૂનો ડબલ નિટના ઊનમાં સારો લાગે છે તો કોઈ નમૂનો સાધારણ ચાર 'પ્લાઈ'ના ઊનમાં સારો લાગે છે.

જો તમે બે રંગનું સ્વેટર ગૂંથવા માગતા હો તો બન્ને જાતનું ઊન એક જ કંપનીનું ખરીદો.

જો શુદ્ધ ઊનનું બે રંગોનું સ્વેટર બનાવવા માગતા હો તો એમાં જે બીજા રંગનું ઊન મેેળવો એ કેશમિલાનનું હોવું જોઈએ. એનાથી શુદ્ધ ઊનનો રંગ કેશમિલાન પર નહીં ચડે.

બજારમાં બે જાતના ઊન મળે  છે. જેમ કે, ગોળાનું એટલે કે દડાનું ઊન અને દોરીના લચ્છા જેવું ઊન. લચ્છાવાળું ઊન દડાવાળા ઊન કરતાં સસ્તુ હોય છે. જો તમે લચ્છાનું ઊન લો તો દડો ઢીલો બનાવો,  કેમ કે ખેંચીને લપેટવાથી ઊન પાતળું તેમ જ ખરાબ થઈ જાય છે. ઢીલો દડો બનાવવાથી ઊન નરમ રહે છે. દડો ઢીલો બનાવવા માટે વારંવાર આંગળીઓને એમાંથી કાઢીને જગ્યા બદલીને ઊન લપેટો.

ઊનનો દડો બનાવ્યા પછી તમે ઊનની જાળ બનાવવા બિછાવો. બોર્ડર કાયમ પાતળા સળિયાથી જ ગૂંથો.

બોર્ડર પૂરી થાય એટલે સળિયો બદલી નાખવો જોઈએ. જો હાથ મજબૂત હોય તો જાડા સળિયાનો ઉપયોગ કરવો જોઈએ.

સામાન્ય રીતે ડબલ નિટ ઊનને નવ નંબરના સળિયાથી ગૂંથવામાં આવે છે. સામાન્ય ચાર 'પ્લાય'ના ઊનને અગિયાર નંબરના સળિયાથી બોર્ડર અને દસ નંબરના સળિયાથી સ્વેટર ગૂંથવામાં આવે છે.

ફાંસો ન તો જોરથી કસો કે ન તો વધુ પડતો ઢીલો રાખો. બેવડા ઊનથી ફાંસો નાખવાથી કિનારી સુંદર લાગે છે. ક્યારેય પણ ભીના હાથે ગૂંથવાનું કામ ન કરો. સળિયો અધૂરો છોડીને ગૂંથવાનું બંધ ન કરો. પૂરો સળિયો ગૂંથવાથી ગૂંથવામાં સફાઈ આવે છે.

ઊનમાં ગાંઠ સળિયાના છેેડે જ લગાવો, કેમ કે સળિયાની વચમાં ગાંઠ આવી જવાથી ગૂંથવામાં સફાઈ  નહીં રહે. સફેદ અથવા તો આછા રંગના ઊનને ગૂંથ્યા પછી ઊનને પ્લાસ્ટિકની કોથળીમાં રાખો. જેથી કરીને ગૂંથતા ગૂંથતા સ્વેટર ગંદુ ન થઈ જાય.

સફેદ અથવા તો આછા રંગનું ઊન કાયમ હાથ ધોઈને જ ગૂંથો. સ્વેટરની ડિઝાઈન અને કલર સ્વેટર કોના માટે બનાવવાનું છે એની પરથી પસંદ કરો.

જેમ કે જો કોઈ બહુ મોટી ઉંમરના સભ્ય માટે ે સ્વેટર ગૂંથવાનું હોય તો એ સાવ આછા  સોબર કલરનું જ ઊન પસંદ કરવું જોઈએ. ઉપરાંત એમાં જો કોઈ ડિઝાઈન કરવી હોય તો એ પણ એના નજીકના કલરની જ અને એ પણ બહુ મોટી નહીં પણ ઝીણી ડિઝાઈન કરવી જોઈએ.

જ્યારે યુવાન અને નાના બાળકો માટે સ્વેટર બનાવવું હોય તો થોડા ભડક કલર પણ પસંદ કરી શકાય અને ડિઝાઈન અને કલર પણ કોન્ટ્રાસ્ટ લઈ શકાય.

ટૂંકમાં પહેર્યા પછી ખરાબ ન લાગે એવા સ્વેટર ઉંમર મુજબ ગૂંથવા જોઈએ.

હવે એક નજર બજારમાં તૈયાર મળતાં સ્વેટર તરફ કરીએ. એકલા સ્વેટર જ શું કામ? શિયાળાની ઠંડીને ખાળે તેવા અનેક પ્રકારના વુલન કે કોટન વસ્ત્રોની વિશાળ વરાયટી બજારમા ઉપલબ્ધ છે. મોટે ભાગે તો માગશર મહિનો શરૂ થાય અને ઉષ્ણતામાનનો પારો નીચે ઊતરવા લાગે એટલે લોકો ઘરના  કોક' ખૂણે સંઘરી રાખેલા ઊની વસ્ત્રો બહાર કાઢે છે. બીજીરીતે પણ તૈયારી કરવા લાગે છે.

ડામચિયામાંથી બલેન્કેટ અને રજાઈઓ બહાર નીકળી રહ્યાં છે. ચહેરાના દેખાવ વિશે અતિ સભાન રહેતી વ્યક્તિઓ સારું મોશ્ચરાઈઝર ક્રીમ શોધી રહી છે. ઠંડી ઋતુમાં ત્વચાની રક્ષા કરવા માટે આવા ક્રીમની  ઓથ લેવી જ પડે છે.

હૂંફાળા રહેવા માટે કોટનનાં વસ્ત્રો પણ ઘણા ઉપયોગી નીવડે છે. જો ખરીદવા માટે કોઈક બહાનુ જ ગોતતા હો તો કૉટનનાં વસ્ત્રો શ્રેષ્ઠ પર્યાય છે. ૨૦૦૫ની  સાલ શરૂ થઈ ગઈ છે. એ નિમિત્તે માર્કેટમાં પાર્ટીવેરનો ઢગલો થઈ રહ્યો છે. શિયાળાની રજાઓ માણવા બહારગામ જવા ઉત્સુક લોકોએ પણ હૂંફ આપતાં વસ્ત્રો પર નજર નાખવા જેવી છે.  કદાચ તમારા માનવામાં નહીં આવે પણ કૉટન વસ્ત્રોની ભરપૂર  વરાઈટી ઉપલબ્ધ છે. કૉટન નિટ્સ (ગૂંથેલા કૉટનનાં વસ્ત્રો) હૂંફ આપે છે.

આ ઉપરાંત લિક્રા નેટ અને કૉટન નેટના વસ્ત્રો પણ મળે છે. વૂલ (ઊન) પૉલિયેસ્ટરનાં  વસ્ત્રો પણ ખરાં જ કિંમતમાં સૌથી સસ્તી વરાઈટી ૪૦૦ રૂપિયાની છે જેમાં સ્ત્રીઓના શૉર્ટ ટોપમાં પોલો નેક,  ફુલ સ્લીવ, ટર્ટલ નેક, ઝિપ સાથે કે ઝિપ વિનાના પ્રકારો જોવા મળે છે.  આ વસ્ત્રો બ્રાઈટ કલરમાં છે. જુદા જુદા પ્રકારનું ફિનિશિંગ ધરાવતા બ્રાઈટ કલરમાં છે.

જુદા જુદા પ્રકારનું ફિનિશિંગ ધરાવતા આ વસ્ત્રોમાં પસંદગીની અમાપ તક રહેલી છે. જુદી ડિઝાઈન, જુદાં ફિનિશિંગ ઉપરાંત વિવિધ કલરો પણ ઉપલબ્ધ છે. ૭૦૦ રૂપિયાથી ૨,૦૦૦ રૂપિયા સુધીની  કિંમતમાં ફૉર્મલવેર મળે છે. વેલ્વેટ ફિનિશમાં આ પ્રકારનાં વસ્ત્રો દેખાવમાં સુંદર લાગે છે. અને પહેરવાથી પણ સારાં લાગે છે. ૧,૦૦૦ રૂપિયાથી વધુ કિંમતની વિદેશી રેન્જ પણ મળી શકે છે.

વિદેશ પ્રવાસે જવાની ઈચ્છા ધરાવતાં લોકોએ મોટા સ્ટોરની મુલાકાત અચૂક લેવી જોઈએ. આવા સ્ટોરમાં આશરે ૩,૦૦૦ રૂપિયાની કિંમતના વિવિધ વરાયટીના સ્નો જેકેટ્સ, રેગ્યુલર વૂલન જેકેટ્સ તમારું ધ્યાન આકર્ષે છે. આશરે ૨,૦૦૦ રૂપિયાની કિંમતના ફોમ ફીલિંગવાળા જેક્ટેસ વજનમાં હલકાં અને અત્યંત હૂંફાળા છે. 

ફોક્સ  ટી-શર્ટ્સ તેમ જ બીજી કેટલીક બ્રાન્ડના વસ્ત્રો અને મોન્ટેકાર્લો, જૉલી અને કૅન્ટીવરીના ૮૦૦ રૂપિયા અને એથી વધુ કિંમતના વૂલન પુલઓવર પણ મળે છે. સન્નારીઓ માટે પશ્ચિમી ઢબનાં વસ્ત્રોની પણ સારી વરાઈટી હવે તો મળે છે. ૩૦૦ રૂપિયા અને એથી વધુ પણ કિંમતના કૉટન નિટ, નૅટ અને વૂલનાં વિવિધ વસ્ત્રોમાંથી તમે ચૂઝ કરી શકો છો.

તમે વિદેશપ્રવાસે જવાના હો તો થર્મલ ઈનરવેર (આંતરવસ્ત્રો) તમારી પાસે હોવા જરૂરી છે. મોટા સ્ટોરમાં આવા થર્મલવેર ઉપલબ્ધ હોય છે. પુરુષ તેમ જ મહિલા એમ બન્ને માટે આ રેન્જ સો ટકા વૂલમાં ઉપલબ્ધ છે અને એને હાથેથી ધોઈ શકાય  છે. ટૂંકી બાયના ટી-શર્ટ જેવું લાગતું ટૉપ અને લેગિંગ્સની કિંમત આશરે ૧,૦૦૦ રૂપિયા છે પણ તમે ઈચ્છો તો પેરને બદલે કોઈ એક વસ્ત્ર પણ ખરીદી શકો છો.

- નયના