Magazines

આધુનિક યુવાનોમાં પ્રિય: પપ્પા-કાકા-મામાના જમાનાની પ્લીટેડ પેન્ટ

By GS TEAM
27 Oct 20253 mins read
આધુનિક યુવાનોમાં પ્રિય: પપ્પા-કાકા-મામાના જમાનાની પ્લીટેડ પેન્ટ

મમ્મી,  જો  ઈસ્ત્રીવાળાએ  ફરીથી   મારી પેન્ટની  ઈસ્ત્રી પપ્પાની  પેન્ટની  જેમ કરી નાખી.  તું એને સરખી  રીતે સમજાવને કે પપ્પાનું ટ્રાઉઝર પ્લીટ્સવાળું હોય છે એટલે તેની ઈસ્ત્રી  ફ્રન્ટમાંથી  દબાવીને તશે અને મારા ટ્રાઉઝરમાં   પ્લીટ્સ નથી એટલે તે સાઈડ પરથી દબાવીને થશે,  સુરેશે વધુ એક વખત ખોટી  રીતે ઈસ્ત્રી કરવા બદલ  ઈસ્ત્રીવાળાના નામે પોતાની મમ્મી પર કકળાટ  કરાતં કહ્યું કે હવેથી ઈસ્ત્રીવાળો કપડાં  લાવે કે તરત જ મારા  ટ્રાઉઝરની  ઈસ્ત્રી બરાબર  થઈ છે કે નહીં   તે જોઈ લેજે.

છ- સાત  મહિના પહેલા પોતાની પ્લીટ્સ  વિનાની પેન્ટની  ઈસ્ત્રી   માટે કકળાટ  કરતો સુરેશ  તાજેતરમાં  વટભેર  પ્લીટ્સવાળી  પેન્ટ ખરીદી આવ્યો.  તેની મમ્મીએ  સુરેશ સામે આશ્ચર્યથી જોતા  કહ્યું કે હવે તારી  અને તારા પપ્પાની પેન્ટ એક સરખી લાગે છે, એટલે ઈસ્ત્રીવાળો ફરીથી ઈસ્ત્રી કરવામાં ગોટાળા કરશે અને તું કકળાટ  કરીશ. સુરેશને  મમ્મીની   વાત સાચી લાગી.  તેણે એકદમ  સંયત સ્વરે કહ્યું, 'મમ્મી  હવે મારી અને પપ્પાની, બંનેની  પેન્ટને  એકસરખી  રીતે જ ઈસ્ત્રી કરવાની રહેશે.  હમણાં   હમણાં  પ્લીટ્સવાળી   પેન્ટની   ફેશન  ચાલે છે.  હોલીવૂડ- બોલીવૂડ   સેલિબ્રિટીઓ પણ હવે  પ્લીટ્સવાળાં   ટ્રાઉઝર પહેરવા  લાગ્યાં  છે. તેઓ કહે  છે કે તેની હાઈવેસ્ટ   અને ખુલતી   ફિટિંગ  કમ્ફર્ટેબલ  લાગે છે.  એટલે મને એમ થયું કે હું પણ ટ્રાય કરી જોઉં.  જો તે વધુ આરામદાયક  લાગતી હોય તો ઓફિસના લાંબા  કલાકો દરમિયાન   હું વધુ કમ્ફર્ટેબલ  રહી શકીશ.

ફેશન ડિઝાનરો  કહે છે કે છેલ્લાં   કેટલાંક  વર્ષથી  ૫૫-૬૦ વર્ષ  વટાવી ચૂકેલા લોકો જ  પ્લીટ્સવાળી  પેન્ટ પહેરતાં.  યુવાનો પ્લીટ્સ  વિનાની  મિડવેસ્ટ કે લોવેસ્ટ  પેન્ટ પહેરતાં. પણ હવે  યુવાનો  પણ તેમના વયસ્ક  પિતા કે કાકાની જેમ પ્લીટ્સવાલી પેન્ટ્સ પહેરવા તરફ વળ્યાં  છે.  તેઓ મજાકના  સૂરમાં કહે છે કે નિવૃત્ત   લોકોની  ફેશન  ફ્રન્ટલાઈનમાં  છે અને ફ્રન્ટલાઈન ફેશન  રિટાયરમેન્ટ   લઈ રહી છે. તેઓ આનું કારણ સમજાવતાં કહે છે કે આજના યુવાનો  અને યુવતીઓ  લાંબા કલાકો સુધી કમ્પ્યુટર કે લેપટોપ સામેબેસીને કામ કરે છે. આવી  સ્થિતિમાં સહેજ ખુલતું  ટ્રાઉઝર  તેમના માટે વધુ આરામદાયક  બની જાય.    જ્યારે  પ્લીટ્સ વિનાનું  ટ્રાઉઝર  પ્રમાણમાં  થોડું ટાઈટ  હોવાથી  તેમની  ત્વચાને પણ  નુકસાન પહોંચવાની ભીતિ  રહે.

અહીં એ વાતની નોંધ લેવી  રહી કે તાજેતરમાં  યોેજાયેલા  વેનિસ  ફિલ્મોત્સવમાં  અભિનેતા જેકબ એલોર્ડિની  પ્લીટેડ  વાઈટ  પેન્ટ   અને ઈશાન  ખટ્ટરની  પીનસ્ટ્રીપ  શર્ટ સાથે પહેરેલી  ગ્રે રંગની  પ્લીટેડ  હાઈવેસ્ટ  પેન્ટે આકર્ષણ જમાવ્યું  હતું.  તાજેતરમાં  અભિનેતા  સુનીલ  શેટ્ટીએ  પોલો ટી-શર્ટ  સાથે પ્લીટ્સવાળું ટ્રાઉઝર અને ચામડાના  બૂટ પહેરીને  ચીલો ચાતર્યો હતો.

વાસ્તવમાં  ૪૦ અને  ૫૦ના દશકમાં  તેમ જ ત્યાર પછીના  સમયમાં  પુરુષો પ્લીટેડ  ટ્રાઉઝર્સ  જ પહેરતાં.  આ  પેટર્નના   ટ્રાઉઝર  એકવડો બાંધો  ધરાવતા  યુવાનોથી  લઈને પુષ્ટ  કે  સ્તૂલકાય પ્રૌઢો અને વયસ્કો  સુધ્ધાને  સારા લાગે છે.  જો કે ૪૦ અને  ૫૦ના દશકમાં મોટાભાગે  યુવાનો  અને શ્રીમંત પરિવારના પુરૂષો  જ ટ્રાઉઝર  પહેરતાં.  અને પ્લીટેડ   પેન્ટ તેમની પ્રભાવશાળી   અને ગૌરવાન્વિત પર્સનાલિટીનુ ંપ્રતિક  ગણાતી. તેના સિવાય તે વખતના અભિનેતાઓ પ્લીટેડ પેન્ટ પહેરતાં.   દેવઆનંદ, ધર્મેન્દ્ર, દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર જેવા કલાકારો હમેશાં પ્લીટેડ  ટ્રાઉઝરમાં જોવા મળતાં.  અને હવે કમ્ફર્ટેબલ  વસ્ત્રો પહેરવા  તરફ વળેલી યુવાપેઢી  પાસે પ્લીટેડ  ટ્રાઉઝર્સ  જ શ્રેષ્ઠ વિકલ્પ હોવાથી ૪૦-૫૦ ના દશકની  આ  ફેશને ફરીથી  પોતાનો ેસિક્કો  જમાવવા  માંડયો  છે.

તાજેતરમાં   રેપર-સિંગર બેડ બનીએ  પ્લીટેડ પેન્ટ, શર્ટ, શર્ટ ઉપર  ટેન્ક અને   ટાઈ પહેરીને  યુવાનોેને ઘેલાં કરી દીધાં હતાં. આ પેટર્નના ટ્રાઉઝરમાં  શર્ટ ટક - ઈન  કરવાથી  જે તે વ્યક્તિ  એકદમ  પ્રભાવશાળી  દેખાય છે.

તો હવે આધુનિક  યુવાનો અને તેમના પપ્પા- કાકા-મામા  ફુઆની  પેન્ટ એકસમાન  જોવા મળે તો નવાઈ નહીં પામતા.  લગ્નસરા હવે  હાથવેંતમાં જ છે.  તેથી  જો તેની તૈયારીના ભાગરૂપે  નવાં કપડાં સીવડાવવાના  હોય તો પ્લીટેડ  પેન્ટ જ લેટેસ્ટ  ટ્રેન્ડ ગણાશે. 

- વૈશાલી