અહંકાર સાથે કરેલ દુષ્કૃત્ય ભયંકર કર્મબંધમાં પરિણમે છે

ઉપસર્ગ અને પરિષહ એ ધર્મશાસ્ત્રોના પારિભાષિક શબ્દો છે. આ શબ્દો એક વિશિષ્ટ લાક્ષણિક અર્થમાં વપરાય છે.
જૈન આગમ ગ્રંથો અને જૈન ઇતિહાસમાં આવી હજારો ઉપસર્ગ અને પરિષહપ્રધાન કથાઓ છે. ઉપસર્ગ એટલે આવી પડેલું ભયંકર કષ્ટ છે જે મૃત્યુમાં પરિણમનારું પણ હોઈ શકે. દેવકૃત, મનુષ્યકૃત અને તિર્યંચ (પશુ-પક્ષી-જંતુ)થી ઉપસર્ગ આવે ત્યારે સાધક સમતાભાવે ઉપસર્ગ સામે ઝઝૂમી વિજ્ય મેળવનાર આત્માર્થી મોક્ષપંથના પ્રવાસી બન્યા છે.
શ્રાવસ્તી નગરીમાં કનકકેતુ રાજા અને મલયસુંદરી રાણીને સ્કંદક નામે કુમાર તથા સુનંદા નામે કુંવરી હતાં. સુંનંદાને યોગ્ય ઉંમરે કાંચીનગરીના રાજા પુરુષસિંહ સાથે પરણાવી હતી. સ્કંદક કુમાર આચાર્ય શ્રી વિજ્યસેનસૂરિની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા અને માતા-પિતાની સંમતિ લઈ તેમણે સંયમ ગ્રહણ કર્યો. ગુરુની પાસે સર્વ શાસ્ત્રનો અભ્યાસ કરી, ગુરુની આજ્ઞાા મેળવી. જિનલ્પીપણું સ્વીકારી એકલા વિહાર કરવા લાગ્યા.
વિહાર કરતા કરતા કાંચીપુરી આવી પહોંચ્યા, બપોરના સમે મુનિ ગોચરી માટે ગામમાં ફરવા લાગ્યા. રાજા અને રાણી રાજમહેલના ગોખમાં બેઠાં હતાં. તે વખતે સુનંદાની નજર ભિક્ષા અર્થે ફરતા મુનિ પર ગઈ. તપશ્ચર્યાથી એમનું શરીર ક્રુશ થયેલું હતું. ઉનાળાની ઋતુમાં, આવા તાપમાં ગૌચરી માટે ફરતા ભાઈને જોઈ રાણીના આંખમાં આંસુ આવ્યાં.
રાજાએ જ્યારે જોયું કે મુનિને જોઈને રાણીની આંખમાં અશ્રુ આવે છે તો જરૂર તે મુનિને અને રાણીને કાંઈક આગળ અનિષ્ટ સબંધ હશે જ એવો વિચાર રાજાના મનમાં આવ્યો. પૂર્વજન્મના વેરભાવને લીધે રાજાને મુનિ પર રોષ આવ્યો. પોતાના સેવકોને બોલાવી આજ્ઞાા કરી કે, આ સાધુના માથાથી તે પગ સુધી અખંડ ચામડી ઉતારી તેને મારી નાખો.
રાજની આજ્ઞાા થતાં જ સેવકોએ ભિક્ષાર્થે જતા મુનિને પકડી તીક્ષ્ણ હથિયાર વડે મસ્તકથી તે પગ સુધીની મુનિની ચામડી ઉતરડી નાખી. એ વખતે મુનિએ મ્હાવેદના ભોગવી પણ સમતાભાવે રાજાનો, રાજસેવકોને કે કોઈનો દોષ ન વિચારતા, પોતાના પૂર્વકૃત કર્મોનો દોષ વિચાર્યો. કાયાને વોસીરાવી દીધી.
ક્ષપક શ્રેણીએ ચડી શુકલધ્યાન ધ્યાવતા અંતકૃત કેવળી થઈ સ્કંદક મુનિએ. સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું. રાણીને ખબર પડી કે જે મુનિની હત્યા થઈ તે ભાઈ મુનિ જ છે. તે જાણી અત્યંત રુદન કરવા લાગી. સાચી વાતની રાજાને ખબર પડી. માત્ર અનુમાનથી જ એણે મુનિની ઘાત કરાવી છે ત્યારે તેને પણ અત્યંત પશ્ચાતાપ થયો.
એક વખત જ્ઞાાની ગુરુ ત્યાં પધાર્યા. તેમને વંદન કરવા રાજા ગયા. ધર્મદેશના શ્રવણ કર્યા પછી રાજાએ પોતાના ગૃહસ્થાશ્રમના સાળા મુનિની ખાલ ઉતારવાનું પાપ કેમ થયું તે પ્રશ્ન પૂછતાં જ્ઞાાની ગુરુએ જવાબ આપ્યો. આ ભવ પહેલાંના એક હજારમા ભવમાં સ્કંદક મુનિનો જીવ રાજકુમાર તરીકે હતો અને રાજાનો આત્મા કોઠીંબા તરીકે હતો. રાજકુમારે તો કોઠીંબાને લઈ પોતાના મિત્રો સહિત કોઠીંબાની અખંડ છાલ ઉતારી અને પોતે પોતાની આવડત માટે ગર્વ કર્યો.
એ ગર્વના પરિણામે કોઠીંબાના જીવ સાથે તે રાજકુમારના જીવને વેર બંધાયું. તે વેર હજાર ભવ પછી ઉદયમાં આવ્યું. તે રાજકુમારનો જીવ તે મુનિ સ્કંદકુમાર અને કોઠીંબાનો જીવ તે રાજા. તેણે કોઠીંબાની છાલ ઉતારી તો તેની ચામડી આ જન્મમાં રાજાએ ઉતરાવી. કરેલાં કર્મ કોઈને છોડતાં નથી. તીર્થકરોને પણ ભોગવવા જ પડે છે. એટલે ક્યારેય કોઈ સાથે વેર ન કરવું. જ્ઞાાની ગુરુનો આ ઉપદેશ સાંભળી રાજા- રાણીએ વૈરાગ્ય પામી, દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું.
સ્કંદકકુમારની આ કથા પર ચિંતન કરતાં જણાશે કે હજારો ભવ પહેલાં કરેલું કર્મ ગમે ત્યારે ઉદયમાં આવી શકે છે. વળી દુષ્કૃત્ય સાથે એ કૃત્ય કર્યું છે તેનું અભિમાન નિકાચિત કર્મબંધને પરિણમે છે, એટલે ભયંકર રીતે અવશ્ય ભોગવવું જ પડે તેવું કર્મ બંધ. વળી સંપૂર્ણ વિગત જાણ્યા વિના ઉતાવળે માત્ર અનુમાનથી લીધેલ નિર્ણય કેવો અનર્થ સર્જે છે તેવા સદ્બોધના સ્પંદનો પ્રેરણાની પરબ સમાન છે.
- ગુણવંત બરવાળિયા




