Magazines

દૂર કરો 'ચોમાસામાં શું પહેરવું'ની મૂંઝવણ .

By GS TEAM
22 Jun 20263 mins read
દૂર કરો 'ચોમાસામાં શું પહેરવું'ની મૂંઝવણ                        .

ચોમાસું શરૂ થાય એટલે હળવા રંગના સુતરાઉ વસ્ત્રો કબાટના એક ખૂણામાં મૂકી દેવાં પડે. પણ પછી એ મૂંઝવણ શરૂ થઇ જાય કે વરસાદના દિવસોમાં પહેરવું શું?વરસાદ પડતો હોય ત્યારે જમીન પર ઢસડાય એવા કપડાં પણ ન ચાલે, ભીંજાઇ જવાય ત્યારે આંતરવસ્ત્રો દેખાઇ આવે એવા પાતળા કપડાં પણ ન ચાલે, ભીંજાઇ ગયા પછી ઝટ સુકાય નહીં એવા કપડાં પણ ન ચાલે, પવનમાં ઉડે એવાં કપડાં પણ ન ચાલે એવી સ્થિતિમાં પહેરવું શું? આના જવાબમાં ફેશન ડિઝાઇનરો કહે છે કે સૌથી પહેલા તો તમે જો જોબ કરતાં હો તો તમારી ઓફિસમાં એક જોડી કપડાં મૂકી રાખો. જેથી ઓફિસ પહોેચતી વખતે  ભીંંજાઈ જાઓ તો ઓફિસ પહોંચ્યા પછી કોરા કપડાં પહેરી લઇ શકાય. આ સિવાય જો તમે કોઇ પ્રસંગમાં જતાં હો તો વધારાની એક જોડી વસ્ત્રો સાથે રાખી લો.  જોકે નિયમિત રીતે પહેરવાના પરિધાન માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરુરી છે. જેમ કે કેવા પ્રકારના કપડાં પહેરવા. આના વિશે વધુ માહિતી આપતાં તેઓ કહે છે.....,

છેલ્લા ઘણાં સમયથી પોણી પેન્ટની ફેશન ચાલે છે.  પોણી પેન્ટ પર સરસ મઝાનું ટી-શર્ટ અને જેકેટ પહેરીને ફેશનેબલ દેખાઇ શકો. ઓફિસ માટે આ પરફેક્ટ પરિધાન ગણાશે. 

કોલેજ કન્યાઓ માટે ટયુનિક બેસ્ટ ઓપ્શન છે. થોડું સિન્થેટિક મટિરિયલ મિક્સ હોય એવા ફેબ્રિકમાંથી બનાવેલું ટયુનિક ભીંજાઇ જાય તોય જલદી સુકાઇ જાય છે. વળી વધારે પડતો ખુલતો ડ્રેસ પવનમાં ઉડવાની ભીતિ રહે છે. પણ ટયુનિકમાં આવો કોઇ ડર નથી હોતો. આ  સિવાય તેઓ શોર્ટ્સ પણ પહેરી શકે. ગ્રીષ્મના આ પરિધાનનો ઉપયોગ ચોમાસામાં પણ સારી રીતે કરી શકાય. શોર્ટ્સ વધુ આકર્ષક દેખાય એટલા માટે ગમબૂટ પહેરો. તેમાં પગ પણ ચોક્ખાં રહેશે અને તમારી પર્સનાલિટી પણ પ્રભાવશાળી લાગશે. ટયુનિક સાથે પણ આવાં જોડાં સરસ લાગશે. 

જો આ દિવસોમાં પણ તમને કોઇ પાર્ટી જેવા પ્રસંગે બહાર જવાનું થાય તો એંકલ લેન્ગ્થનું મેક્સી ડ્રેસ અચ્છો વિકલ્પ છે. પાર્ટીવેઅર તરીકે તો મેક્સી ડ્રેસ હમણાં ફેવરિટ જ ગણાય છે. વળી તે ઘૂંટી સુધીની લંબાઇનું હશે તો ફરસ પર ઢસડાશે પણ નહીં. આ ડ્રેસ સાથે સહેજ ઊંચી એડીના, વરસાદમાં પહેરવામાં સુવિધાજનક લાગે એવાં પગરખાં પહેરો. 

જો સિનેમા જોવા જવું હોય તો હોલ્ટર નેકનું ઓછી પ્લિટ્સવાળું, ઘૂંટણથી સહેજ નીચે  સુધી આવતું પ્રિન્ટેડ ડ્રેસ પહેરો. જો તમને આવા ડ્રેસમાં ટાઢ વાશે એવું લાગે  તો સાથે શ્રગ રાખો.

ફેશન ડિઝાઇનરો વધુમાં કહે છે કે સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે ખાદી ચોમાસામાં ન પહેરાય. તે ભીંજાઇ જાય તો ઝટ સુકાય નહીં, તેની જાળવણી મુશ્કેલ લાગે વગેરે વગેરે. પરંતુ આવી માન્યતાઓમાં કોઇ તથ્ય નથી. ખાદી અન્ય કોઇપણ ફેબ્રિકની જેમ જ સુકાઇ જાય છે. તેને જાળવવી પણ જરાય અઘરી નથી. વાસ્તવમાં જો વરસાદ થંભી ગયો હોય અને હવામાં ભેજ વધારે હોય તો સિન્થેટિક કે મિક્સ ફેબ્રિકમાંથી બનાવેલા કપડાંમાં પરસેવો થાય છે કે વાસ આવે છે. જ્યારે ખાદીના વસ્ત્રોમાં આવી કોઇ સમસ્યા નથી થતી. તેથી ચોમાસામાં પણ ખાદીના કપડાં પહેરી શકાય. હા, તેની લંબાઇ પ્રમાણસર રાખો તો તે વધારે આરામદાયક રહે. જોકે આ વાત કોઇપણ પરિધાનને લાગૂ પડે છે.