ઈરાન યુધ્ધ વચ્ચે ક્રૂડતેલ બજારમાં અજંપો વધ્યો

- અમેરિકામાં સરકાર હસ્તકનો ક્રૂડનો સ્ટોક તળીયે પહોંચ્યોઃ ઓપેકમાં પણ ઉત્પાદન ઘટયાના નિર્દેશા
આ વર્ષે ૨૦૨૬ના આરંભમાં અમેરિકાના પ્રમુખ યુધ્ધની છાશવારે બદલાતી ટેરીફ નિતીના પગલે વિશ્વના વિવિધ બજારોમાં અજંપો વધ્યો હતો અને ત્યારબાદ ઈરાન,અમેરિકા તથા ઈઝરાયલનું યુધ્ધ શરૂ થતાં બજારોમાં અજંપો વધુ વધ્યો છે. ઈરાન યુધ્ધની સૌથી વધુ અસર ક્રૂડતેલ બજાર પર જોવા મળી છે. યુધ્ધના પગલે વૈશ્વિક સ્તરે ક્રૂડતેલની સપ્લાય ખોરવાઈ છે. હોર્મુઝના રુટ પર જહાજોની અવરજવરને ફટકો પડયો છે. યુધ્ધ પછીના ગાળામાં વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી ઉંચામાં બેરલના ૧૨૦ ડોલરની ઉપર ગયા હતા. જોકે ત્યારબાદ ભાવ નીચા ઉતરી ૧૦૦ ડોલરની અંદર પણ બોલાયા હતા. તાજેતરમાં ભાવ ૯૦ ડોલરની અંદર ઉતર્યા પછી ૯૪થી ૯૫ ડોલર સુધી ટ્રેડ થતા તાજેતરમાં જોવા મળ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે યુધ્ધ વિરામ પછી પણ છાશવારે હુમલાઓ ચાલુ રહેતા તથા ઈરાન અને ઈઝરાયલ તથા ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે પણ છમકલાઓ ચાલુ રહેતાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી નવેસરથી ઉંચા જતા દેખાયા હતા. દરમિયાન, ક્રૂડતના ઉંચા ભાવના પગલે વિશ્વના વિવિધ દેશોમાં ફુગાવો ઉંચો જતાં વ્યાજના દરમાં વૃધ્ધિની વાર્તા હવે શરૂ થઈ છે. અમેરિકામાં ફુગાવો વધી તાજેતરમાં ત્રણ વર્ષની ટોચે પહોંચ્યો છે. ક્રૂડના ઉંચા જતા ભાવની અસર કરન્સી બજારો પર પણ પડી છે. દરમિયાન, અમેરિકામાં સરકાર હસ્તકના ક્રૂડતેલનો વ્યુહાત્મક સ્ટોક ઘટી તાજેતરમાં નવા નીચા તળીયે ઉતરી ગયાના વાવડ પણ મળ્યા હતા.
યુએસ એનર્જિ ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા મુજબ અમેરિકામાં તાજેતરમાં ક્રૂડનો સ્ટોક વધુ ૭૧થી ૭૨ લાખ બેરલ્સ ઘટયો છે. હવે આવો સ્ટોક ઘટી ૪૨૬૫ લાખ બેરલ્સ થઈ ગયો છે. આ પૂર્વે તાજેતરમાં અમેરીકન પેટ્રોલીયમ ઈન્સ્ટીટયુટના જણાવ્યા મુજબ અમેરિકામાં ક્રૂડના સ્ટોકમાં ૯૧થી ૯૨ લાખ બેરલ્સનો ઘટાડો થયો છે. અમેરિકામાં રોનાલ્ડ રેગન જ્યારે પ્રમુખ હતા એ સમયે ક્રૂડનો જે સ્ટોક હતો તે સ્તરે આવો સ્ટોક ઉતરી જવાની શક્યતા વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકામાં સરકાર હસ્તકનો ક્રૂડતેલનો વ્યુહાત્મક સ્ટોક ઘટી ૩૪૯૧થી ૩૪૯૨ લાખ બેરલ્સ સુધી ઉતરી ગયો હોવાનું યુએસ એનર્જિ ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકામાં ક્રૂડનો આવો સ્ટોક જુલાઈ ૨૦૨૩માં ૩૪૬૭થી ૩૪૬૮ લાખ બેરલ્સનાસ્તરે નોંધાયો હતો. હવે આવો સ્ટોક જે ઝડપથી ઘટી રહ્યો છે એ જોતાં આવો સ્ટોક ઘટી ૧૯૮૩ના સ્તરે ઉતરી જવાની શક્યતા વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા. બાયડનના સમયમાં કોરોના કાળમાં આવો સ્ટોક ૨૪૩૦ લાખ બેરલ્સ ઘટયો હતો. આ વખતે ઈરાન યુધ્ધના માહોલમાં ટ્રમ્પની સરકાર હસ્તકનો આવો વ્યુહાત્મક સ્ટોક આશરે ૧૭૨૦થી ૧૭૨૫ લાખ બેરલ્સ ઘટયો છે. દરમિયાન, ઈરાન યુધ્ધમાં હોર્મુઝ રુટમાં રુકાવટ પછી તાજેતરમાં સુએઝ કનલના સત્તાવાળાઓએ આ કેનલમાંથી પસાર થતા જહાજો પર સરચાર્જ વધારવાનો નિર્ણય કર્યાના સમાચાર આવતાં બજારોમાં અજંપો વધ્યો છે. ભારતમાં તાજેતરમાં પેટ્રોલ- ડિઝલ તથા ગેસના ભાવ વધારાયા છે. ક્રૂડના ભાવ વધતાં કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો પણ નબળો પડયો છે.
દરમિયાન, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં ઉત્પાદન દેશોના સંગઠન ઓપેકના જણાવ્યા મુજબ ઓપેકમાં ક્રૂડતેલનું ઉત્પાદન તાજેતરમાં ઘટી ૨૫થી ૨૬ વર્ષના તળીયે પહોંચ્યું છે. ઓપેકમાં આવું દૈનિક ઉત્પાદન ઘટી તાજેતરમાં ૧૦થી ૧૧ લાખ બેરલ્સનો ઘટાડો બતાવી રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઓપેકમાં આવું દૈનિક ઉત્પાદન તાજેતરમાં ઘટી ૧૬૧થી ૧૬૨ લાખ બેરલ્સના સ્તરે પહોંચ્યું છે. ઈરાનથી ક્રૂડની નિકાસ ઘટી છ વર્ષના તળીયે ઉતરી ગઈ છે. સાઉદીમાં પણ ઉત્પાદન ઘટયું છે.









