Magazines

સોના-ચાંદીમાં વૈશ્વિક તેજી છતાં રૂપિયો ઉછળતાં ઘરઆંગણે ભાવ કાબુમાં રહ્યા

By GS TEAM
19 Apr 20263 mins read
સોના-ચાંદીમાં વૈશ્વિક તેજી છતાં રૂપિયો ઉછળતાં ઘરઆંગણે ભાવ કાબુમાં રહ્યા

- ઊભી બજારે - દિલીપ શાહ

- ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં માર્ચમાં ઈન્વેસ્ટમેન્ટ ઘટયા પછી એપ્રિલમાં આવું ઈન્વેસ્ટમેન્ટ ફરી પાઝીટીવ ઝોનમાં આવ્યું

દેશના ઝવેરી બજારોમાં તાજેતરમાં સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચા જતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઘટયા પછી ફરી વધી ગયાના સમાચાર આવ્યા હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારોમાં તાજેતરમાં અખાત્રીજના તહેવાર પૂર્વે ભાવ ઉંચા જતા દેખાયા હતા અને તેની અસર મોસમી માગ પર પણ પડી હતી એવું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.  વિશ્વ બજારના સૂત્રોના  જણાવ્યા મુજબ ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધમાં શાંતિ મંત્રણા તથા યુદ્ધ વિરામની વાતચીત તથા ત્યારબાદ યુદ્ધ વિરામની કોશીશ નાકામ નિવડતાં તથા ત્યારબાદ નવેસરથી યુદ્ધ વિરામની વાતો શરૂ થતાં વિશ્વ બજારમાં ભાવમાં તાજેતરમાં બેતરફી ખાસ્સી ઉછળકુદ જોવા મળી હતી.

 વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૭૪૯થી ૪૭૫૦ ડોલરવાળા પ્રથમ તબક્કે નીચામાં ૪૬૪૪થી ૪૬૪૫ ડોલર થયા પછી ભાવ  ઝડપી ઉછળી ઉંચામાં ભાવ ઔંસના ૪૮૦૦ ડોલર પાર કરી ૪૮૯૦ ડોલર સુધી ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ પ્રથમ તબક્કે વધ્યા પછી ફરી ઘટાડા પર રહેતાં તેના પગલે વૈશ્વિક સોનામાં આંચકા પચાવી ઘટયા મથાળે ફંડો ફરી ગોલ્ડ ખરીદવા બજારમાં દાખલ થતાં ભાવ ઝડપી વધી ૪૮૯૦ ડોલર નજીક  ટ્રેડ થતા તાજેતરમાં જોવા મળ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ઘટયા પછી ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦થી ૩૦૦૦ વધી આવ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના પ્રત્યાઘાતી આશરે રૂ.૮૦૦૦ ઉછળ્યાના નિર્દેશો હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદી ઉપરાંત પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ પણ આંચકા પચાવી ઉંચા જતા જોવા મળ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૫.૮૭થી ૭૫.૮૮ ડોલરવાળા એક તબક્કે નીચામાં ૭૨.૬૦થી ૭૨.૬૫ ડોલર થયા પછી ભાવ આંચકા પચાવી ફરી ઉછળી ઉંચામાં ૮૨.૭૦ ડોલર સુધી ઉછળ્યાના સમાચાર મળ્યા હતા.  દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના ઉંચામાં રૂ.૧૫૭૫૦૦ સુધી ટ્રેડ થતા દેખાયા હતા  જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી કિલોના ઊંચામાં ૨ લાખ ૪૫ હજાર સુધી જોવા મળ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં તો ચાંદીના ભાવ ઉછળી જીએસટી વગર રૂ.અઢી લાખની સપાટીને આંબી ગયા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ વધી જીએસટી વગર ઉંચામાં રૂ.૧ લાખ ૫૩ હજાર સુધી પહોંચ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ ઉછળી હતી.

 પ્લેટીનમના ભાવ વધી ઉંચામાં ઔંસના ૨૧૦૦ ડોલર પાર કરી ૨૧૫૦ ડોલર સુધી ટ્રેડ થતા દેખાયા હતા. પેલેડીયમના ભાવ વધી ઔંસના ઉંચામાં ૧૬૦૦ ડોલરની સપાટી વટાવી ગયાના સમાચાર પણ મળ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૧૦ ગ્રામના ઉંચામાં રૂ.૬૯ હજાર નજીક બોલાયા હતા. જોકે ત્યારબાદ રૂપિયો વધતાં તથા ડોલર તૂટતાં સોના-ચાંદી, પ્લેટીનમના ભાવ ફરી નીચા ઉતર્યા હતા.

દરમિયાન, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ઈટીએફમાં ઈન્વેસ્ટમેન્ટ તાજેતરમાં ૧૫ દિવસમાં પ્લસમાં આવ્યાના સમાચાર મળ્યા હતા. આવું ઈન્વેસ્ટમેન્ટ માર્ચમાં નેગેટીવ ઝોનમાં રહ્યા પછી એપ્રિલમાં ફરી પોઝીટીવ ઝોનમાં આવ્યાનું સૂત્રો જણાવી રહ્યા હતા.