યુદ્ધ પતી ગયું, હવે માંદી ઈકોનોમી માટે નવું બહાનું શોધી લાવો

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- અલ નીનોથી માંડીને વિપક્ષી સાંસદો સુધીનાં બહાનાં હાજર
સરકારી ઓફિસમાં પરિપત્ર નીકળ્યો. 'તમામ અધિકારીઓ એક-એક બહાનાં સાથે હાજર રહો.'
અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો. મીટિંગમાં આવવાનું છે અને પાછું બહાનું પણ આપવાનું છે? આ વાત તેમને ન સમજાઈ. એક અધિકારીએ હેડ ઓફિસ ફોન કર્યો.
'આ શું? પાણી પહેલાં પાળ? અમને મીટિંગમાં આવવાનું કહો છો અને પાછું બહાનું પણ સાથે લાવવાનું કહો છો? અમારી પાસે કેટલાંય બહાનાં મીટિંગમાં ન આવવા માટે હોય છે, પણ આ વખતે મીટિંગમાં રુબરુ આવીને જ આ મીટિંગ કેમ એટેન્ડ કરી શકીએ એમ નથી એનું બહાનું આપવાનું છે, એમ?'
હેડ ઓફિસમાંથી સુધારેલો પરિપત્ર આવ્યો. 'મીટિંગમાં અચૂક આવવાનું છે, તેમાં બહાનાં આપવાની તમામ સજ્જતા સાથે હાજર રહેવાનું છે. '
ફરી અધિકારીઓ ગૂંચવાયા. આ વખતે વધુ સ્પષ્ટતા માગવાને બબદલે બધા સીધા મીટિંગમાં પહોંચી ગયા.
મીટિંગમાં બોસ રશિયાના પ્રમુખ પુતિન જેવું એકદમ સિરિયસ મોઢું કરીને બેઠા હતા.
'સર,દર વખતે તમે અમને બહાનાં કાઢવા માટે ખખડાવો છો, આજે બહાનાં સાથે બોલાવો છો. મામલો શું છે સર?'
'ઈકોનોમીની હાલત તો તમને બધાને ખબર જ છે...' સર ઉદાસ સ્વરે બોલ્યા.
'અહા... આપણી ઈકોનોમી તો છેલ્લાં દસ-બાર વર્ષથી પેલી બે હજારની નોટ જેવી ગુલાબી ગુલાબી જ છે. ગ્રોથ રેટ તો આફ્રિકાથી લાવેલા ચિતાઓની સ્પીડે ભાગ્યો જાય છે. રુપિયો તો ગટરના ગેસથી બલૂન ફૂલે એમ ફૂલ્યો છે. આપણે વિશ્વની ત્રીજા નંબરની ઈકોનોમી છીએ અને અમેરિકા કે ચીન આપણા ભાઈબંધ છે એટલે નહીં, આપણે તો હમણા બે દિવસમાં એમને પાડીને નંબર વન બની જઈએ તેમ છીએ.'
આ સાંભળી સર વધારે ઉદાસ બન્યા. 'અરે યાર, આપણી ઈન્ટરનલ મીટિંગમાં તો સાચું બોલો.'
થોડી વારની ખામોશી પછી એક અધિકારી ડરતાં ડરતાં કહે, 'સર, ઈકોનોમીની હાલત માંદી તો છે જ, પણ એ તો ટ્રમ્પે યુદ્ધ કર્યું એટલે. બાકી આપણા તરફથી તો બધું બરાબર જ છે.
સરે ટેબલ પર હાથ પછાડયો. 'ધેર યુ આર.હવે યુદ્ધ તો પતી ગયું છે. તો આપણે હવે પણ ઈકોનોમી માંદી ને માંદી રહે એના માટે કયું બહાનું આપશું? એટલે જ તો તમને બહાનાની સજ્જતા માટે આવવા કહ્યું છે.'
તરત જ અધિકારીઓ એક પછી એક બહાનું રજૂ કરવા લાગ્યું. કોઈએ કહ્યું અલ નીનો, કોઈએ કહ્યું રશિયા-યુક્રેનનું યુદ્ધ, કોઈએ કહ્યું અમેરિકાના ટેરીફ, કોઈએ કહ્યું, કેટલાંક રાજ્યોમાં હજુ વિપક્ષોની સરકાર અને સંસદમાં બચ્યાખૂટયા વિપક્ષી સાંસદો દ્વારા સર્જાતા અવરોધો... પણ સર માથું ધુણાવતા રહ્યા.
છેવટે એક સિનિયર અધિકારી કહે, 'આપણે એવું કરીએ. બધું નસીબ પર એટલે કે ગ્રહોની ચાલ પર ઢોળી દઈએ. આમ પણ આપણે વાતે વાતે ૨૦૪૭ની ડેડલાઈન આપીએ છીએ. તો પ્રજાને કહી દેશું કે એ તો ૨૦૪૭ સુધી ઈકોનોમી માંદી જ રહેવાના યોગ છે તે પછી જ ઈકોનોમી સાજી થશે.'
'...ને ૨૦૪૭માં તો આપણે બધા સેવાનિવૃત્ત થઈ ગયા હોઈશું...' એવું કહી ઉદાસ બોસ પહેલીવાર હસી પડયા. સાથે સાથે બાકીના અધિકારીઓ પણ હસવા લાગ્યા.
સ્માઈલ ટિપ
દર્દ કા હદ સે ગુજરના હૈ દવા હો જાના... ગાલિબના આ શેરની જેમ લોકોને મોંઘવારી કોઠે પડી ગઈ છે









