Magazines

મોંઘા ગેસની ચિંતા ન કરો, આવી રહી છે લાડકા ખાઉ યોજના

By GS TEAM
3 May 20263 mins read
મોંઘા ગેસની ચિંતા ન કરો, આવી રહી છે લાડકા ખાઉ યોજના

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- સરકાર વ્યક્તિદીઠ રોજની હાફ કટિંગ ચા અને દર સપ્તાહે પરિવાર દીઠ હોટલ બિલની લ્હાણી કરશે

'સર પ્રજામાં આક્રોશ છે.' 

પાર્ટીના કાર્યકરે નેતાજીને કાનમાં જાણે ઈરાનના પરમાણુ ભંડારોની બાતમી આપતો હોય તેવા ગુપચુપ સ્વરે કહ્યું. 

નેતાજી  ચોંકી ઉઠવાને બદલે બગાસું  ખાધું. પછી બોલ્યા, 'જુઓ, નાઇજિરિયા, પાકિસ્તાન,  બાંગ્લાદેશ એ બધા એવા દેશો છે જ્યાં  પ્રજામાં કાયમી આક્રોશ રહેવાનો જ છે.'

કાર્યકર જરા  ખચકાતાં ખચકાતાં કહે, 'સર,આ  વખતે તો આપણી પ્રજામાં આક્રોશ છે. '

'વ્હોટ?' જાણે હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહેલા જહાજ પર ઈરાનનું મિસાઈલ પડે અને તેમાં રહેલું તેલનું બેરલ ઉછળે એમ નેતાજી  ખુરશી  પરથી ઉછળ્યા. 'આક્રોશ? આપણી  પ્રજામાં આક્રોશ? એટલે કે બળવો? એટલે કે અશાંતિ? નક્કી આ પાકિસ્તાનનું કાવતરું છે. બોલિવુડમાં કોઈ પ્રોડયુસરને  ફોન લગાડો અને કહી દો કે ફરી એક 'ધુરંધર' જેવી  ફિલ્મ બનાવી  દે. આ વખતે તો ફિલ્મમાં પાકિસ્તાનના ચાર ચાર કટકા જ કરાવી દઈશું. પાકિસ્તાનીઓ સીધાદોર થઈ જશે.'

'સર, આપણા  દેશમાં આક્રોશ જગાવવાની પાકિસ્તાનીઓની તાકાત નથી.  આ વખતે તો આક્રોશ  પેલી કમર્શિઅલ ગેસ બોટલના ભાવ વધી ગયા છે એટલે થઈ રહ્યો છે. લોકો બહુ બૂમો  પાડી રહ્યા છે, સર.'

નેતાજીએ નકારમાં ડોકું ધુણાવ્યું. 'બધા ફેક ન્યુઝ છે. આપણી પ્રજાને એવા બધા મુદ્દે  આક્રોશનો 'અ' પણ આવડતો હોત તો અમે કાંઈ આટલાં વર્ષથી રાજકારણમાં ટકી રહ્યા હોત?'

કાર્યકર કહે, 'સર, જરા સમજો. કમર્શિઅલ  સિલિન્ડરના ભાવ  વધે છે  એટલે બહારનું ખાવાના ભાવ વધે છે.  લારીની ચાથી માંડી લગ્નોનાં જમણની ડિશ પણ મોંઘી  બને છે.  લોકોને દર બીજા દિવસે લારી પર જઈને ગાંઠિયા અને ભજીયાં ખાવાનાં મોંઘા  પડે છે તેમાં લોકો એ ભજીયાંના ઉકળતાં તેલ જેવા જ ગરમાગરમ નિસાસા નાખે છે.'

'આઇડિયા...' નેતાજીએ ચપટી વગાડી. 'જુઓ, આ ગેસના ભાવ ને એ બધું તો ઈરાન યુદ્ધના કારણે છે અને આપણે વિશ્વગુરુ હોવા છતાં ઈરાનના યુદ્ધ પર આપણો  કોઈ કન્ટ્રોલ નથી.  તો વાંધો નહીં. ગેસની સ્થિતિ  પર આપણો અંકુશ ન હોય તો પબ્લિકને સબસીડી,  કલ્યાણ યોજના, લ્હાણીઓ કરવાની તો આપણા હાથમાં છે ને!  આપણે તાબડતોબ લાડકા લારી-હોટલ ખાઉ યોજના જાહેર કરી દઈએ. દરેક પરિવારને આવકજૂથ પ્રમાણે  ગેસ બોટલ વાપરતી હોટલ-લારીનાંં  ફૂડ બિલ પર ૫૦ ટકા સબસિડી આપીશું. દરેક વ્યક્તિને રોજની એક હાફ કટિંગ ચાનું વળતર આપી  દઈશું. પબ્લિક હોસ્પિટલમાં જઈ જેમ સરકારી આરોગ્ય યોજનાનું કાર્ડ બતાવે  ને મફત સારવાર થઈ જાય એ રીતે સરકારી ફૂડ કાર્ડ બતાવે  એટલે લારી  પરથી દાબેલી  કે ઢોંસા પર ડિસ્કાઉન્ટ મળી જશે. લારી-હોટલોવાળા એ સરકારમાંથી મજરે લઈ લેશે.હા,  હોસ્પિટલોની જેમ હોટલોવાળા પણ નકલી ને વધારેલાં બિલો મૂકી સરકારમાંથી વધારે પૈસા લઈ લેશે, પણ એટલું કૌભાંડ તો આપણા જેવી વિશ્વની ઉભરી રહેલી આર્થિક મહાસત્તાને પોસાઈ જશે.'

કાર્યકર કહે, 'બેસ્ટ યોજના છે, સર... પણ આ યોજના લાગુ થયા પછી હમણાંથી ઈલેક્ટ્રિક કૂકિંગ ને  સગડી વાપરતા હોટલવાળા પણ આ યોજનામાંથી કમાવા ગેસ બોટલ તરફ વળશે તો દેશમાં પાછું નવું ગેસ સંકટ નહિ સર્જાય?'

નેતાજી પેટનો ગેસ મગજમાં ચઢી ગયો હોય એમ માથે  હાથ દઈને  બેસી ગયા.

સ્માઈલ ટિપ 

પ્રજા નરમઘેંસ જેવી છે ત્યાં સુધી ગેસના ગમે તેટલા ભાવ વધે, કોઈનેય વાંધો નથી.