પ્લાસ્ટિકની નોટો : કાળું નાણું હવે રીતસર 'ધોઈ' શકાશે

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- પ્લાસ્ટિકની નોટોના ફાયદા ગણાવવાનું કામ ધુરંધરની ટીમને સોંપાશે
ફાઈનાન્સ ખાતાંમાં સાહેબે જાહેર કર્યું, 'આપણે પ્રજાહિતમાં અને પ્રજાને ફાયદા માટે વધુ એક નિર્ણય લઈ રહ્યા છીએ.'
એક અધિકારી પ્રશંસા કરતાં કહે, 'સાહેબ, આપણી સરકારમાં તો એવું છે કે નિર્ણય કરીએ છીએ તો પણ પ્રજાને ફાયદો થાય છે અને નિર્ણય નથી કરતા તો પણ પ્રજાને ફાયદો જ ફાયદો થાય છે. મૂળ તો આપણી સરકાર છે એ જ પ્રજા માટે ફાયદાની વાત છે. '
બીજા અધિકારી સૂર પુરાવતાં કહે, 'આપણી સરકારનાં તો એવાં નસીબ છે કે આપણે કોઈપણ નિર્ણય કરીએ, પ્રજા તેમાં પોતાનો ફાયદો શોધી જ લે છે. જુઓ, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તો પણ પ્રજા પોતાનો ફાયદો ગણે છે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારીએ તો પણ તેમાંથી કઈ રીતે ફાયદો થાય એને લગતી પોસ્ટ પ્રજામાંથી જ થવા લાગે છે. '
ત્રીજા અધિકારી રાજીપો વ્યક્ત કરતાં કહે, 'મતલબ આપણે જેમ સૂઝે તેમ નિર્ણયો કરતા રહેવાનું. એમાંથી શું ફાયદો થશે એ નક્કી કરવાનું કામ પ્રજા પર છોડી દેવાનું. આપણે નોટબંધી વખતે એમ જ કર્યું હતું ને.'
બોસ આ અધિકારીને તાળી આપતાં કહે, 'વાહ દોસ્ત વાહ...બસ, આ વખતે પણ આપણો નિર્ણય આ નોટોને લગતો જ છે. '
'હેં? ફરી નોટબંધી? બરાબર છે. હમણા આપણે 'ધુરંધર' ફિલ્મમાં બતાવી દીધું કે નોટબંધી શા માટે લાવવી પડી. તે પછી હવે બીજીવાર નોટબંધી લાવશું તો પ્રજા ઉલ્ટાની ખુશ થશે. આપણને શાબાશી આપશે. આપણું જાહેર સન્માન ગોઠવે તો પણ નવાઈ નહીં.'
બોસ વધારે રાજી થઈને કહે, 'આ 'ધુરંધર' વાળો આઇડિયા તમે સારો આપ્યો. તો મિત્રો વાત એમ છે કે હવે આપણે પ્લાસ્ટિકની નોટો દાખલ કરવાનું વિચારી રહ્યા છીએ. આપણે 'ધુરંધર'ની ટીમને જ પ્લાસ્ટિકની નોટોના ફાયદા ગણાવવાનું કામ સોંપી દેશું.'
બોસની આ જાહેરાતને અધિકારીઓએ તાળીના ગડગડાટ સાથે વધાવી લીધી. એક અધિકારી કહે, 'નો ડાઉટ કે 'ધુરંધર'ની ટીમ સારાં જ કારણો રજૂ કરવાની છે. પરંતુ, કેટલાક ફાયદા તો દેખીતા છે. અત્યારે લોકો નોટો ફાટી જાય છે તો પ્લાસ્ટિક ચોંટાડીને ચલાવતા હોય છે. હવે આપણે જ પ્લાસ્ટિકની નોટો આપશું એટલે પ્રજાનું એટલું ટેન્શન દૂર.'
બીજા અધિકારી કહે, 'અરે મોટો ફાયદો તો એ કે પબ્લિકને ક્યારેય પૈસા પાણીમાં પડી જવાનું ટેન્શન જ નહિ રહે. પ્લાસ્ટિકની નોટો હશે એટલે પાણીમાં તરશે, ખરાબ નહિ થાય.'
ત્રીજા અધિકારીઓ કહે, 'ધર્મગુરુઓનો પણ ફાયદો છે. તેઓ પ્રજાને પૈસાનો મોહ છોડવાને બદલે સીધેસીધું કહી શકશે, 'સે નો ટુ પ્લાસ્ટિક..આ રીતે પર્યાવરણ અને પરિત્યાગ બંનેનો મહિમા થઈ જશે.'
ચોથા અધિકારી કહે, 'મારી દ્રષ્ટિએ તો સૌથી મોટો ફાયદો એ થશે કે પ્લાસ્ટિકની મેલીઘેલી નોટો ધોઈ શકાશે.મતલબ કે હવે પૈસો હાથનો મેલ નહિ રહે. અરે કાળું નાણું પણ રીતસરનું ધોઈ શકાશે. એના માટે કોઈએ સત્તાપક્ષમાં જોડાવાની જરુર નહિ પડે.'
...આ સાંભળી બોસ એકદમ ધૂંધવાઈને જતા રહ્યા.
સ્માઈલ ટીપ
પ્લાસ્ટિકની નોટો આવ્યા બાદ લાંચ માટે 'પ્લાસ્ટિક સર્જરી' એવો નવો કોડ આવી શકે.









