બેફામ ટાંચ મૂકવા બદલ કોસ્ટ ચૂકવવા આદેશ

- વેચાણવેરો - સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ અધિકારી તે કલમ ૮૩ હેઠળ ટાંચ મુકવાની સત્તા આપી છે. આ સત્તા હેઠળ મિલકત તથા બેંક ખાતા ઉપર પ્રોવિઝનલ એટેચમેન્ટ મુકવાની અવિરત સત્તા છે. આ સત્તાનો બેફામ ઉપયોગ ન થાય તે માટે સુપ્રિમ કોર્ટ દ્વારા રાધા કિશન ઈન્ડસ્ટ્રીઝ વિ. સ્ટેટ ઓફ હિમાચલ પ્રદેશ ((2021) 6- SCC-771) ના કેસમાં ખૂબ જ અગત્યનો સિધાંન્ત પ્રસ્થાપિત કર્યો અને આવો ટાંચનો આકરો સત્તાનો ઉપયોગ કેવી રીતે વાપરવો તે બાબતે પણ વિસ્તૃત વર્ણન ચૂકાદામાં આપેલ.
આવો બનાવ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ નિર્વાના ઈન્ફ્રાડેવલપર્સ એલ.એલ.પી. વિ. યૂનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય (WP(L) No. 7888 of 2026 તારીખ ૨ એપ્રીલ ૨૦૨૬)માં બન્યો અને બોમ્બે હાઈકોર્ટ દ્વારા ખૂબ જ ઉમદા ચૂકાદો આપ્યો જેમાં સંયુક્ત કમિશ્નર ઉપર માતબર કોસ્ટની રકમ ભરવાનો પણ આદેશ કર્યો. આજના લેખમાં આ ચૂકાદા બાબતે ચર્ચા કરવામાં આવી છે.
કેસની હકીકત
અરજદારના કેસમાં સરકાર દ્વારા તારીખ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ નમૂના DRC-23માં પ્રિ-એટેચમેન્ટનો સંદેશ વિદિત કરવામાં આવ્યો અને તે જ દિવસે સરકાર દ્વારા અરજદારના બધાં જ બેંક ખાતા ઉપર ટાંચ મૂકી દેવામાં આવ્યા. વધુમાં જ્યારે ટાંચ મુકવામાં આવી તે સમયે કોઈપણ અભિપ્રાય વગર મુકવામાં આવી છે. અરજદાર દ્વારા તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વિસ્તૃત કાગળ લખીને વાંધા રજૂ કર્યા જે ધ્યાને લીધા નથી અને ટાંચ અમલમાં રાખી, આનાથી નારાજ થઈને અરજદાર દ્વારા બોમ્બે હાઈકોર્ટ સમક્ષ રીટ દાખલ કરી.
અરજદારની રજૂઆત
અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી કે. સંયુક્ત સ્ટેટ ટેક્ષ કમિશ્નર દ્વારા કોઈપણ જાતની પધ્ધતી અનુસર્યા વગર બેફામ ટાંચ મૂકી દીધી છે તથા જે ટાંચ વિરૂદ્ધ રજૂઆત કરવામાં આવી છે અને બીજી સિક્યોરીટી આપવાની રજૂઆત છે તે ધ્યાને લીધી નથી. સુપ્રિમ કોર્ટનો ચૂકાદો રાધા કિશન ઈન્ડસ્ટ્રીઝ ધ્યાને લીધા વગર બેફામ કલમ ૮૩ હેઠળ સત્તા વાપરી છે.
સરકારની રજૂઆત
સરકાર પક્ષ પાસે નકારવા માટે કોઈ જગ્યા હતી નહીં.
બોમ્બે હાઈકોર્ટનો ચૂકાદો
બોમ્બે હાઈકોર્ટ દ્વારા નોટીસ બેફામ આપી છે તેની ગંભીર નોંધ લીધી અને કાયદાકીય જોગવાઈનું પાલન કર્યા વગર ટાંચ મૂકી દીધી છે. કલમ ૮૩ની જોગવાઈનું કોઈ પાલન થયું નથી. આના લીધે જે સંયુક્ત કમિશ્નર દ્વારા ટાંચ મૂકી તેઓને રૂા. ૨૫૦૦૦/- ની કોસ્ટ ચૂકાવવાનો આદેશ કર્યો અને તમામ ટાંચ હટાવી લેવાનો આદેશ કર્યો.








