Magazines

બજારની વાત .

By GS TEAM
18 Jan 20264 mins read
બજારની વાત                          .

સાદા, સિમ્પલ..નારાયણ મૂર્તિ

આપણા મનમાં સેલિબ્રીટીની ઇમેજ બહુ હાઇફાઇ હોય છે. જેમકે તેમની બ્રિફકેસ ઉંચકનારા કોઇ હશે  કે આસપાસ બે-ચાર આસિસટન્ટ ફરતા હશે વગેરે. પરંતુ ફિનટેક સ્ટાર્ટઅપના એક ફાઉન્ડરે પોતાના આદર્શ સમાન ઇન્ફોસિસના ફાઉન્ડર એવા ૭૯ વર્ષના નારાયણમૂર્તિને એરપોર્ટ પર લાઇનમાં પોતાની બેગ ઉંચકીને ઉભા રહેલા જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા. ઇન્દોર એરપોર્ટ પર અબજોપતિ નારાયણ મૂર્તિની સાદગી જોઇને ફિનટેકના ફાઉન્ડર સંદિપ જોષી બહુ પ્રભાવિત થયા હતા. તે નારાયણ મૂર્તિની સાથે દશ મિનિટ સુધી એરપોર્ટ પર રહ્યા હતા. તેમના મતે નારાયણમૂર્તિને મળવું આસાન હતું. તેમની ફરતે કોઇ સિક્યોરિટી પણ નહોતી. પૈસા નાહોય અને સાદાઇ અપનાવવી અને અઢળક પૈસો હોય ત્યારે સાદાઇ રાખવી તેમાં આસમાન જમીનનો ફર્ક છે.


કરડનાર સાપને ખિસ્સામાં રાખી હોસ્પિટલ ગયો

સાપ કરડે ત્યારે અસર પામેલાને વિવિધ સવાલો હોસ્પિટલ સત્તાવાળા કરતા હોય છેે. જેમકે સાપ કેટલો લાંબો હતો, તેનો રંગ કેવો હતો. તેની ફેણ કેવી હતી વગેરે વગેરે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના એક રીક્ષા ડ્રાઇવરને સાપ કરડયો ત્યારે પોતાને સાપજ કરડયો છે તેની સાબિતી રૂપે કરડનાર સાપનેજ ખિસ્સામાં મુકીને સરકારી હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તેણે એવો દાવો કર્યો હતો કે મને તાત્કાલીક સારવાર કરવાના બદલે અડધો કલાક બહાર ઉભો રાખ્યો હતો. તેણે હાજર પત્રકારોને જેકેટના ખિસ્સામાં રાખેલો સાપ બતાવતા તે ઘટના બહુ વાઇરલ થઇ હતી.


૧૯૩૮ના કોમિક મેગેઝિનના ૧૫ મિલિયન ડોલર ચૂકવ્યા

કોમિક મેગેઝિનમાં ૧૯૩૮માં સુપર મેનને પહેલીવાર હિરો ઇમેજવાળો બતાવાયો હતો તેની કોપી અપ્રાપ્ય છે. તાજેતરમાં વર્ષો જુના મેગેઝીનોની કોપી ભેગી કરનારે ૧૯૩૮ની કોપી કે જેમાં સુપર મેનને દર્શાવાયો હતો. તે કોપીને પંદર મિલીયન ડોલર ચૂકવીને ખરીદાઇ હતી. કોમીક બુક્સ ખરીદનારાઓએ કહ્યું હતું કે ૧૯૩૮ની માંડ ૧૦૦ કોપી બજારમાં ફરી રહી હતી જે ૯.૧૨ મિલીયન ડોલરમાં વેચાઇ હતી. કહે છે કે અમેરિકામાં સુપર હિરો તરીકેની કોમિક બુકની ડિમાન્ડ તે સમયે વધુ હતી. ત્યારની પહેલી કોમિક બુકમાં સુપર હીરોની સ્ટોરી સમાવાઇ હતી. લોકોેએ તેને ખુબ આવકારી હતી. આપણે જુના મેગેઝિનોને પસ્તી કહેતા આવ્યા છીયે પરંતુ ક્યારેક તેના બહુ વધુ પૈસા મળતા હોય છે.


જર્મન કાર ઉત્પાદકે ભારતમાં પગ મજબૂત કર્યા

જર્મનના કાર ઉત્પાદક અને બેન્ટલર બ્રાન્ડની કાર બનાવતી કંપનીએ ભારતમાં તેના ઉત્પાદન માટે પૂણેના છકન વિસ્તારમાં પાંચ વર્ષ પર ૨૬૪,૦૦૦ સ્કેવર ફૂટ જગ્યા લીઝ પર લીધી છે. આમતો ભારતમાં તે ૨૦૨૧થી કારનું ઉત્પાદન કરે છે પરંતુ ઉત્પાદન વધારવા તે નવી જગ્યા લીઝ પર લે છે. પૂણેની જગ્યા માટે તે મહિને ૪૩.૪ લાખ રૂપિયા ચૂકવશે. કરાર અનુસાર તેમાં દર વર્ષે વધારો થતો રહેશે. ભારતની પ્રોડક્શન લીન્ક સિસ્ટમનો પણ તે લાભ લઇ શકે છે. વિશ્વભરના કાર ઉત્પાદકો ભારત આવી રહ્યા છે. ટેસ્લાએ ભારતમાં ઓફિસ શરૂ કર્યા પછી અન્ય કાર ઉત્પાદકો ભારત પર નજર ઠેરવી રહ્યા છે.


૧ કલાકનું કાર ભાડું ૩૦,૦૦૦ રૂપિયા

આ વાત સ્વિત્ઝર્લેન્ડની છે.  ત્યાં ગયેલી અમેરિકાની એક ટીવી હોસ્ટ મહિલા પાસે જ્યારે કાર ડ્રાઇવરે કલાકના ૩૦,૦૦૦ રૂપિયા માગ્યા ત્યારે તે સ્તબ્ધ થઇ ગઇ હતી. સોશ્યલ નેટવર્ક પર તેણે પોતાનો અનુભવ શેર કરતાં લખ્યું છે કે બોલો, આટલો મોટો ચાર્જ હોઇ શકે છે? જવાબમાંં અનેકે લખ્યું છે કે સ્વિત્ઝર્લેન્ડ બહુ મોંઘું છે માટે કારનો ઉપયોગ કરવાના બદલે પબ્લીક ટ્રાન્સપોર્ટનોજ ઉપયોગ કરવો. કેટલાકે લખ્યું છેકે વિદેશ યાત્રા પહેલાં ત્યાંના ચાર્જીસ જાણી લીધા પછીજ બજેટ તૈયાર કરવું જોઇએ. ટીવી હોસ્ટ પાસે હેવી લગેજ હતું માટે  સરકારની બસ વ્યવસ્થાનો ઉપયોગ કરી શકાય એમ નહોતું. તેથી તેણે પ્રાઇવેટ ટેક્ષી પસંદ કરી હતી પરંતુ તેનું ભાડું બહુ ભારે પડયું હતું.


આયુર્વેદિક સિગારેટની બોલબાલા

કોરોના કાળ પુરો થયો તેની સાથે આયુર્વેદની જડીબુટ્ટીમાંથી બનેલી આયુર્વેદ સિગારેટ પણ બજારમાં દેખાતી બંધ થઇ હતી પરંતુ હવે ફરી તે સપાટી પર આવવા લાગી છે. સ્મોકીંગ છોડવાની ઇચ્છા રાખનારા બહુ અટવાય છે પણ સંયમ રાખી શકતા નથી. તેે વિકલ્પની શોધમાં ફર્યા કરે છે અને કંટાળીને ફરી ફૂંક મારવા પર ચઢી જાય છે. જોકે હર્બલ સિગારેટ તેમની વહારે આવી શકે છે. હર્બલ સિગારેટમાં તમાકુ નથી હોતું. આયુષ મંત્રાલયે તે માટેની આચાર સંહીતા પણ બહાર પાડેલી છે. ઓર્ગેનીક સિગારેટને ફાઉન્ડરે દાયકા પહેલાં તેનું સંશોધન કર્યું હતું. વિશ્વની પહેલી આયુર્વેદીક સિગારેટ ભારતમાં બની હતી. તેને નિર્દોષ નામ અપાયું હતું. ટોબેકો અને નિકોટીન વિનાની સિગારેટ મૂળ સિગારેટનો વિકલ્પ બનશે તે કેમ તે જોવાનું રહ્યું...