Magazines

સ્વબળે આગળ આવીને અબજોપતિ બનેલી મહિલાઓમાં ભારત ત્રીજા ક્રમે ભારતના સાવિત્રી જીંદાલ ટોપ પર રહ્યાં છે

By GS TEAM
22 Mar 20265 mins read
સ્વબળે આગળ આવીને અબજોપતિ બનેલી મહિલાઓમાં ભારત ત્રીજા ક્રમે ભારતના સાવિત્રી જીંદાલ ટોપ પર રહ્યાં છે

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- ફોર્બસ મેગેઝિન અને હારૂન રિપોર્ટે બહાર પાડેલી યાદીમાં ભારતની મહિલાઓનો વિગતવાર સમાવેશ નથી

- હારૂનના રિપોર્ટ અનુસાર વિશ્વની કુલ 150 અબજોપતિ મહિલાઓમાં 78 તો ચીનમાં છે.આ વર્ષે જે નવી 60 અબજોપતિ મહિલાના ચહેરા ઉમેરાયા છે તે ઉદ્યોગ સાહસો સાથે જોડાયેલી છે

- સ્વબળે આગળ આવેલી અને અબજોપતિનું ટાઇટલ મેળવનાર 10 મહિલાઓની યાદીમાં માત્ર અમેરિકા અને ચીનનો સમાવેશ થાય છે 

વિશ્વની અબજો પતિ મહિલાઓમાં ભારતની ૨૧ મહિલા અબજોપતિનો સમાવેશ થાય છે. અબજો પતિ મહિલાઓની યાદીમાં ભારત ત્રીજા નંબરે આવે છે. પહેલા ક્રમે અમેરિકા આવે છે તો  બીજે ચીન આવે છે. આ યાદીમાં ૩૯.૧ અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના સાવિત્રી જીંદાલ ટોપ પર આવે છે. ફોર્બસ મેગેઝિન દર વર્ષે અબજો પતિની યાદી બહાર પાડીને લોકોને માહિતી આપતું હોય છે.૨૦૨૬ની યાદીમાં વિશ્વભરમાં ૪૮૧ મહિલા અબજોપતિ છે.

બીજી તરફ હારૂન રિપોર્ટે બહાર પાડેલી  સ્વબળે અબજોપતિ બનેલી મહિલાઓની યાદીમાં ઉલ્લેખ છે કે  છેલ્લા એક દાયકામાં સ્વબળે આગળ આવેલી મહિલા અબજોપતિની સંખ્યા બમણી થઇ છે. વિશ્વની કુલ સંપત્તિ પૈકી ૪૭૦ અબજ ડોલર પર મહિલાઓને કબજો છે. વિશ્વની અબજોપતિ મહિલાઓમાં ૧૧૫ જણાએ તેમની સંપત્તિ વધારી છે, તેમાં ૬૦ નવા ચહેરા ઉમેરાયા છે, ૫૦ની સંપત્તિ થોડી ધટી છે જ્યારે ૧૫ મહિલાઓ અબજોપતિની યાદીમાંથી ફેંકાઇ ગઇ છે. 

સ્વબળે આગળ આવેલી અને અબજોપતિનું ટાઇટલ મેળવનાર ૧૦ મહિલાઓની યાદીમાં માત્ર અમેરિકા અને ચીનનો સમાવેશ થાય છે. જેમાં ચીનની સાત મહિલાઓ છે. પરંતુ તેમાં ભારતની મહિલાઓનો સમાવેશ નથી. ફોર્બસ મેગેઝિન જે યાદી બહાર પાડે છે તેની સાથે હારૂનની યાદી મેચ થતી નથી.

ભારતની મહિલા અબજોપતિઓની નોંધ લેવીજ જોઇએ કેમકે તે પણ સ્વબળે આગળ આવેલાં છે. તેમની ઉપેક્ષા કરી શકાય એમ નથી. સ્વબળે આગળ આવેલી અને અબજોપતિની યાદીમાં નવી ઉમેરાયેલી મહિલાઓના નામનો ઉમેરો જરૂરી છે. 

બિઝનેસ ક્ષેત્રે મહિલાઓ હરણફાળ ભરી રહી છે તે અબજોપતિની સંખ્યામાં થયેલા વધારા પરથી જાણી શકાય છે. વિશ્વમાં અબજોપતિઓની સંખ્યાની ચડ ઉતર પર વોચ રાખતી સંસ્થા હારૂનના  રિપોર્ટમાં  જણાવાયું છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ,હેલ્થકેર ક્ષેત્રે મહિલાઓેેએ મોટો બિઝનેસ ઉભો કરીને નામના તેમજ સંપત્તિ મેળવી છે. 

હારૂનના રિપોર્ટ અનુસાર વિશ્વની કુલ ૧૫૦ અબજોપતિ મહિલાઓમાં ૭૮ તો ચીનમાં છે.આ વર્ષે જે નવી ૬૦ અબજો પતિ મહિલાના ચહેરા ઉમેરાયા છે તે ઉદ્યોેગ સાહસો સાથે જોડાયેલી છે.

2011ની વાત કરીયે તો વિશ્વમાં સ્વબળે આગળ આવેલી મહિલા અબજો પતિની યાદીમાં માત્ર ૨૮ મહિલાઓનો સમાવેશ થતો હતો. આજે તે સંખ્યા ૧૫૦ પર પહોંચી છે. 

આશ્ચર્ય તો એ વાતનું છે કે મહિલા અબજો પતિની જે નવી યાદી બની છે તેમાં ૮૦ ટકા જેટલા નામો તો એક દાયકા પહેલાં ક્યાંય ચર્ચામાં જોવા નથી મળી. 

ભારતમાં મહિલાઓને ઉદ્યોગમાં આગળ વધવાના ચાન્સ સરકારે ઉભા કરી આપ્યા છે. એક સમય હતો કે બિઝનેસ ક્ષેત્રે મહિલાઓનું સ્થાન નંબર ટુ તરીકે ગણાતું હતું. કંપનીના બોર્ડમાં તેમના નિર્ણયની વેલ્યૂ રહેતી નહોતી. હવે સમય પલટાયો છે. સ્માર્ટ શિક્ષણ મેળવનાર મહિલાઓ બિઝનેસમાં નંબર ટુ તરીકે રહેવા તૈયાર નથી તે દેખાઇ આવે છે. અબજો પતિઓની યાદીમાં તેમની સંખ્યા સતત વધતી રહેશે એમ કહી શકાય.હારૂન રિપોર્ટ કહે છે કે પુરૂષપ્રધાન સમાજમાં જ્યારે આપબળે આગળ આવેલી મહિલા અબજો પતિની સંખ્યા બમણી થાય તે બહુ પ્રશંસનીય કહી શકાય. અહીં મહત્વનું એ પણ છે કે ચીનનો ઇન્ડસ્ટ્રીયલ થીમ ગોઇંગ ગ્લોબલ છે તેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ અને હેલ્થ કેર પર વધુ ભાર મુકાયો હતો.

અબજો પતિ મહિલાઓે પૈકી ૬૩ ટકાએ તો લિસ્ટેડ કંપની ઉભી કરીને તેમાંથી પૈસા કમાયા છે. વિશ્વની અબજોપતિ મહિલાઓની સરેરાશ ઉંમર ૬૧ વર્ષની આપસાસ રહેલી છે. અબજો પતિ મહિલાઓ પૈકી ૪૭ ટકા પોતોનો માલ સીધો જ ગ્રાહકને વેચે છે, ૫૩ ટકા માલ સીધો જ બિઝનેસ ગૃહોને મોકલે છે, ૩૮ ટકા જેટલા સોફ્ટવેર સર્વિસ સાથે સંકળાયેલા છે.

લેન્સ ટેકનોલોજીની જુને ઝોહુ કનેફી, લકશેર કંપનીના ગ્રેસ વેંગ લીછન, લીંગઇ ટેક કંપનીના ઝેંગ ફંગક્વીને છેલ્લા ત્રણ વર્ષમાં તેમની સંપત્તિમાં બેથી ત્રણ ગણો વધારો કર્યો છે. ચીનની કન્ઝ્યુમર ઇલેકટ્રોનિક્સમાં વધારો થવાના પગલે તેમને સીધોજ લાભ થયો છે.

વિશ્વની અબજોપતિ મહિલામાં ચીન ૭૮ મહિલાઓ સાથે મોખરે છે. ેએટલેકે વિશ્વની કુલ અબજોપતિની સંખ્યાના ૫૨ ટકા ચીનમાં છે.અમેરિકામાં ૪૦ મહિલા અબજોપતિ છે જ્યારે યુકેમાં માત્ર પાંચ મહિલા અબજોપતિ છે. ભારતમાં પણ મહિલા અબજોપતિની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. (જુઓ બોક્સ).

ચીનમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે વિશાળ તકો ઉભી કરવામાં આવી છે. તેમને અપાતા ઉદ્યોગ પ્રોત્સાહનના કારણે  પણ  તેમની સંપત્તિમાં વધારો થયો છે એમ કહી શકાય. ઇલેકટ્રોનિક્સ અને ફાર્માસ્યુટીકલ ઇનોવેશનમાં ચીનના માલની વિશ્વભરમાં ડિમાન્ડ છે. શેનઝેન, શાગહાઇ અને બૈઝિંગ જેવા શહેરો મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ગ્લોલ હબ સમાન બની ગયા છે.

વિશ્વમાં સ્વબળે આગળ આવેલી મહિલા અબજોપતિમાં શેનઝેન શહેરે ૧૩ મહિલા અબજોપતિ આપ્યા છે, શાંગહાઇએ ૧૦ જ્યારે બૈઝિંગ ૯ મહિલા અબજોપતિ આપ્યા છે.ઉપરોક્ત વાતની સરખામણી ભારત સાથે કરીયે તો ભારતમાં છ મહિલા અબજો પતિ ચર્ચામાં છે. (હકીકતે તે સંખ્યા વધારે છે)

16 જેટલા મહિલા અબજોપતિ હેલ્થ કેર સાથે સંકળાયેલા છે, રીટેલ ક્ષેત્ર સાથે ૧૩ જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સાથે ૧૨ મહિલાઓ સંકળાયેલી છે. મહિલાઓ ડિપ ટેકનોલોજી ક્ષેત્રે તેમજ સેમિકન્ડકટર ક્ષેત્રે પ્રવેશીને સંપત્તિ ઉભી કરી શકી છે.

આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે પણ મહિલા અબજોપતિનું જોર દેખાય છે જેમકે ડેનિયલ એમોડીયા (એન્થ્રોપીક), લુસી ગુઆ(સ્કેલ એાઇ), મીરા મૂરાતી (થિકીંગ મશીન લેબ), લીસા સુ (એઅમડી) વગેરે મોટી સંપત્તિ ઉભી કરી શક્યા છે. ઇલેકટ્રોનિક્સ અને હાર્ડવેરની ડિમાન્ડના પગલે ઝાંેગ હૂજીન  માત્ર ત્રણ વર્ષમાં તેમની સંપત્તિમાં ૧૪ અબજ ડોલરનો વધારો કરી શક્યા હતા જ્યારે ઝોહુ કનેફી ૧૨ અબજ ડોલર ઉભા  કરી શક્યા હતા.

જે નવા ૬૦ મહિલાઓના ચહેરા અબજો પતિની યાદીમાં ઉમેરાયા છે તે મોટાભાગે ટેકનોલોજી અને તેની સાથે જોડાયેલા સંલગ્ન સેન્ટરો સાથે સંકળાયેલા છે.અહીં બંને લીસ્ટના કારણે ઉભા થયેલો વિવાદ દર્શાવાયો છે તેમજ દેશની મહિલાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે બંને રિપોર્ટને સ્થાન અપાયું છે.

- ભારતની અબજો પતિ મહિલાઓ

જેમને ભારતના વોરેન બફેટની ઉપમા આપવામાં આવી હતી તે દિવંગત રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે અબજની સંપત્તિ છે. ભારતની ૨૧ મહિલાઓ જ્યારે વિશ્વના અબજોપતિની યાદીમાં આવે તે દર્શાવે છે કે ભારત આર્થિક પ્રગતિ કરી રહ્યું છે.

ગોદરેજ એન્ટરપ્રાઇસના  સ્મિતા ક્રિશ્ના પણ ૫.૪ અબજ ડોલરની સંપત્તિ સાથે યાદીમાં સામેલ છે. એવીજ રીતે બજાજ ગૃપના કુમુદ બજાજ (૪.૧ અબજ), અલ્પના ડાંગી(૩.૩ અબજ), લીના તિવારી (૩.૨ અબજ), મહિમા ડેટલા(૩.૨ અબજ), સારા જ્યોર્જ (૨.૮ અબજ), અનુ આગા(૨.૬ અબજ ડોલર), સરોજ રાની ગુપ્તા ( બે અબજ ડોેલર), મૃદુલા પારેખ (૨ અબજ ડોલર), અંજુ અગ્રવાલ (૧.૯ અબજ ડોલર), બીના છાબરીયા(૧.૨ અબજ), કલ્પના પારેખ (૧.૧ અબજ ડોલર) વગેરેનો સમાવેશ થાય છે.