શીળસમાં શ્રેષ્ઠ આયુર્વેદ .

- આરોગ્ય સંજીવની- જ્હાનવીબેન ભટ્ટ
આજનાં ઝડપી યુગમાં ખાન-પાન વગેરેનાં અજ્ઞાાનને કારણે 'શીળસ' થવાની ફરિયાદ ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. વર્ષોથી શીળસ થતું હોય એને એલોપેથીક દવાઓ લઈ રોગ દબાવી દેવાની આદતથી રોગ વધારેને વધારે પકડ જમાવતો ગયો હોય તેવું ઘણા કેસમાં જોવામાં આવે છે, અને પછી તો આદત પડી જાય છે કે, ચાલો આ દવાઓથી બેસી જાય છે ને ! થાય ત્યારે દવા લઈ લેવી. પછી એવો સમય આવે છે કે, ગમે તેટલી એલોપેથીક દવાઓ લેવા છતાં તેનું શમન થતું નથી અને દર્દીને જ્યારે શીળસ ઉપડે ત્યારે આકુળ-વ્યાકુળ થઈ જતો હોય છે.
'શીળસ' રોગમાં હાથ ન રોકી શકાય તેટલી ખંજવાળ આવે છે. મઘમાખી કરડી જાય અને જેવાં ઢીમચા થાય તેવાં ઢીમચાં શરીરમાં ઠેર-ઠેર થઈ જાય છે. ધીમે-ધીમે જેમ-જેમ આ તકલીફ લંબાતી જાય તેમ-તેમ તેમાં ખંજવાળ ઉપરાંત દાગ-બળતરા અને પીડા પણ થાય છે. ખાસ કરીને આ બીમારીમાં શીતળ વાયુ સતત લાગવાથી તે શરીરનાં કફ અને વાયુનાં સંપર્કમાં આવે છે. પરિણામે શરીરમાં રહેતાં કફ અને વાયુને દૂષિત કરે છે. આ દૂષિત કફ અને વાયુ પિતને જઈને મળે છે. અને પિતને પણ દૂષિત કરે છે. આ દૂષિત કફ-પિત-વાત રકતાદિ ધાતુમાં પ્રવેશે છે, અને ત્યાં નાના-નાનાં ઢીમચાં (ખંજવાળ યુક્ત) ઉત્પન્ન કરે છે.
આ ઢીમચાંનો તુરંત ઉપાય થાય અને શરૂઆતમાં જ મટાડી દેવામાં આવે તો ટૂંકા સમયની સારવાર અને ખાન-પાનની પરેજીથી તો મટી જાય છે. પરંતુ તેની તરફ વધુ લક્ષ્ય ન આપવામાં આવે તો, તે ધીમે-ધીમે આખા શરીરમાં ફેલાય છે. ગમે ત્યારે શીતળવાયુ લાગે, પરસેવો થાય, ઠંડુ પાણી લાગે કે ખાવા-પીવામાં કંઈક આવી જાય તો શીળસ તુરંત જ ઊઠી આવે છે. જ્યારે-જ્યારે તે ઊઠી આવે ત્યારે-ત્યારે તે દર્દીને જંપીને બેસવા દેતુ નથી. શરીરમાં ઠેર-ઠેર ખંજવાળ ઉપડે અને બધી જગ્યાએ ખંજવાળી ન શકાય તેથી દર્દી અકળાઈ ઉઠે છે. જેની અસર તેનાં સ્વભાવ ઉપર પડે છે. તો માણસ જલ્દીથી ઉશ્કેરાઈ જતો કે ચિડિયો થતો જણાય છે. ખંજવાળ આવતાં ખંજવાળ કરવાથી તેનો ફેલાવો વધતો જાય છે અને ખંજવાળેલાં ભાગમાં દાગ ઉત્પન્ન થાય છે. દાગ અને ખંજવાળ બંને સાથે થતા હોવાથી ''શીળસ''માં દર્દી ખૂબ બેચેન બની જાય છે.
તેથી, શીળસ થવા માંડે કે તરત ખોરાકમાં, રહન-સહનમાં ફેરફાર કરી દવાઓથી તેને તાત્કાલીક દબાવી દેવાનો ઉપાય ન કરતાં તેને જડમૂળથી જાય તેવાં ઉપચાર કરી દૂર કરવું જોઈએ. સૌ પ્રથમ તો શીળસ શું ખાવાથી થાય છે નો આપણાં આહારનું નિરીક્ષણ કરી તે નક્કી કરવું જોઈએ. ''શીળસ'' ને જડમૂળથી કાઢવાં માટે પથ્થાપથ્ય પાળવા તે પહેલી શરત છે. ત્યારબાદ આવે છે
ઔષધ પ્રયોગો :-
આપણાં ઘરમાં થી જ મળી રહે તેવાં અનેક ઔષધો શીતપિત્તની (શીળસ) સારવાર માટે આયુર્વેદમાં બતાવ્યા છે.
આ ઔષધોનો બે રીતે ઉપયોગ કરવાથી તેને જલ્દીથી મટાડી શકાય છે.
લેપન ઔષધ :-
(૧) કોઠી પાંદડાને ખૂબ બારીક વાટવાં અને તેનો લેપ શીળસ થયું હોય તે ભાગ પર કરવો.
(૨) સિંઘવને ખૂબ બારીક વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. તેમાં ઘી મેળવીને શીળસનાં ઢીમચાં પર લગાવવું.
(૩) દુર્વા અને હળદરને ભેગા કરી તેનો લેપ કરવો. ઉપરોક્ત ત્રણ પ્રયોગોમાંથી કોઈ પણ એક પ્રયોગ વૈધની સલાહ મુજબ કરવો જેથી શીળસમાં અદ્દભૂત ફાયદો જણાશે.
સેવન ઔષધ :-
(૧) અરણીનાં મૂળને વાટીને ઘી સાથે સાત દિવસ પીવાથી ''શીળસ''નો ચોક્કસ નાશ થાય છે.
(૨) આ સિવાય ''શીળસ'' માટે બીજો એક પ્રયોગ સૂચવું છું :- સારી જાતની ઊંચી હળદર લાવી સાફ કરી તેનું બારીક ચૂર્ણ કરવું. આ હળદરનું ચૂર્ણ ૧ તોલો દરરોજ અડધો કપ પાણીમાં હલાવીને પલાળી રાખવું. અને આખી રાત ઢાંકીને રાખી મૂકવું. સવારે નરણે કોઠે પાણી ઉપર-ઉપરથી નિતારી લેવું, અને પી જવું.
તે પાણી પીધા પછી બને તો ૧ કલાક સુધી બીજું કંઈ ખાવું-પીવું નહીં, વળી સવારે ફરી તે જ પ્રમાણે બીજા ૧ તોલો હળદર પલાળી રાખવી, જેનું નિતર્યુ પાણી બપોરે કે સાંજે પીવું. આ પ્રયોગથી શીળસ ઉપર ખૂબ જ ફાયદો જણાશે.
આ સિવાય બીજા પણ ઘણાં ઔષધ યોગો આયુર્વેદમાં દર્શાવ્યા છે, જેનો પ્રયોગ નિષ્ણાંતની સલાહ મુજબ કરવો. આયુર્વેદમાં ''શીળસ''નાં કાયમી ઉપચાર તરીકે ઘણાં પ્રયોગો બતાવ્યા છે. આ પ્રયોગો ધીરજપૂર્વક કરવાથી 'શીળસ' જડમૂળથી મટે છે. પણ તેમાં પથ્યા-પથ્ય જાળવવા ખૂબ જ જરૂરી છે.
શીળસ નીકળતું હોય તેવાં દર્દીઓ માટે ખોરાકમાં મગ, ચોખા, કળથી, કારેલા, દાડમ અને ઘઉં ઉત્તમ છે. આવાં દર્દીઓએ મધુર, સ્નિગ્ધ, તુરા-ખાટા પદાર્થો અને વિરુધ્ધ આહારનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે.
શીતરમાન તથા શીતપવન અને આતપ સેવન પણ અહિતકર છે. યોગ્ય ઔષધપ્રયોગ અને આહાર-વિહાર આ બિમારીને અવશ્ય જડમૂળથી મટાડે છે.




