અશ્મરી- આયુર્વેદ .

- આરોગ્ય સંજીવની- જ્હાનવીબેન ભટ્ટ
જે વ્યક્તિઓને પથરી થાય છે, તેઓમાં અમુક ખાસ લક્ષણો જોવા મળે છે. જેમાં જે લોકો પથરી થવાની શક્યતાવાળા વિસ્તારમાં રહેતા હોય અથવા પંજાબ, રાજસ્થાન, કચ્છ આ પ્રદેશમાં રહેવાવાળા લોકોને આ રોગનો સામનો સવિશેષ કરવો પડે છે.
- જેમનાં પરિવારમાં વારસાગત પથરીની બિમારી હોય.
- જેઓ પ્રવાહી પીણાં ઓછા પ્રમાણમાં લેતા હોય.
- જે વ્યક્તિઓ ૩૦ થી ૫૦ વયની વચ્ચેનાં હોય.
- જે લોકો દૂધ, મીઠાઈ જેવી કેલ્શિયમ વધુ ધરાવતી ચીજો વધુ પ્રમાણમાં ખાતાં હોય.
- જેમને પાછલા મહિનાઓમાં પેશાબમાં ચેપ થયેલો હોય.
- જે વ્યક્તિઓ દિવસમાં ૧૫ ગ્લાસથી ઓછું પાણી પીતા હોય.
- જે લોકો ચોક્લેટ, સીંગ, ચા, ઠંડાપાણી વગેરેનોં વધુ ઉપયોગ કરતાં હોય.
ઉપરોક્ત લક્ષણોવાળા વ્યક્તિઓમાં પથરી થવાનું જોખમ સામાન્ય માણસ કરતાં વધી જાય છે.
હવે, પથરી કયા અંગમાં વધુ થાય છે, તે વિશે જાણકારી મેળવીએ તો, કિડની શરીરમાં કમરની નીચે કરોડની બંને બાજુ ચોળા જેવા જાંબલી-ભૂખરા રંગની હોય છે, જેનું કદ આપણી મુઠ્ઠી જેવડું હોય છે. શરીરમાં તે કચરો ગાળવાનું કામ કરે છે.
ઘણાં રસાયણો કિડનીમાં વધુ પ્રમાણમાં જમા થાય તો તેમાંથી પથરી બને છે. જેનું કદ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. આ પથરી કિડનીમાંજ ફરતી રહે છે. અથવા તો પેશાબના માર્ગમાં ફરતી રહે છે.
પથરી થવાનાં કારણોં ઘણા જુદા-જુદા પણ હોઈ શકે છે, જેમાં :-
શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઘટી જવું, જે સામાન્ય રીતે 'ડીહાઈડ્રેશન' તરીકે ઓળખાય છે, જેમાં પેશાબ ઘટ્ટ થઈ જાય છે, જેનેં લીધે તેમાં રહેલાં રાસાયણિક તત્વો છૂટા પડી પડીને પથરીનાં ક્ષારો બનાવે છે.
ઘણા આહારમાં ચોક્કસ રાસાયણિક જેવા તત્ત્વોનું પ્રમાણ ઘણું ઊંચુ હોય છે. જે ચોક્કસ સંજોગોમાં પથરીમાં રૂપાંતર પામે છે. કિડનીમાં 'ઇન્ફેક્શન' થવાથી પણ ઘણાં રાસાયણિક તત્ત્વો ઘટ્ટ પ્રમાણમાં ભેગા થવાથી પથરી બનાવે છે. મૂત્રનળીની અસામાન્ય રચનાને લીધે પેશાબ પસાર થવામાં અવરોધ ઉભા થાય છે, અને જમા થયેલાં પેશાબમાંથી પથરી બને છે, પથરી રેતીના નાના કણથી લઈ ઇંડાના કદ સુધીની હોઈ શકે છે. ઘણી નાની પથરી કુદરતી રીતે જ પેશાબ મારફતે નીકળી જાય છે. મધ્યમ કદની પથરી હોય તો તેને ખાસ ઉપકરણથી ભૂકો કરીને દૂર કરવી પડે છે. પરંતુ ખૂબ મોટી પથરી દૂર કરવાં શસ્ત્રક્રિયા જરૂરી બને છે. સુંવાળી અને ગોળાકાર પથરી જો કદમાં નાની હોય તો કુદરતી પેશાબ વાટે બહાર નીકળી જાય છે, પરંતુ જે પથરી ખરબચડી, અણીદાર કે ધારવાળી હોય છે તે કિડની અથવા મૂત્રનળીમાં જ રહે છે. આવી પથરી મોટી હોવાથી કુદરતી રીતે બહાર નીકળતી નથી. તેને માટે શસ્ત્રક્રિયા જરૂરી છે. આમ પથરીનું કદ-આકાર જાણ્યા પછીથી નક્કી કરી શકાય કે તે કુદરતી રીતે નીકળશે કે તેનાં માટે બીજી રીત અજમાવવી પડશે. આ પથરી એક કરતાં વધુ રાસાયણિક તત્વોમાંથી બને છે. જેની તપાસ કર્યા બાદ સારવારની પધ્ધતિ નક્કી કરી શકાય છે.
- પથરી કિડની કેલિક્સમાં બનીને તેની જાતે જ આગળ વધે છે, અથવા તો મૂત્રનળીમાં રહીને વધે છે.
- ઘણીવાર પથરી કિડનીથી પેઢામાં ફરે છે જ્યાં તેનું કદ વધતાં પેશાબ પસાર થવાનાં માર્ગમાં અવરોધ ઉભા કરે છે. પરિણામે સોજા આવવા, તીવ્ર દુ:ખાવો થવો અથવા ચેપ લાગે છે.
- ૭ મી.મી.થી નાની પથરી મૂત્રનળીમાં આવીને પેશાબને રોકે છે. જેને લીધે દુ:ખાવો થાય છે. પેશાબમાં લોહી આવે છે અથવા બળતરા થાય છે.
જો પેશાબમાં લોહી જતું હોય તો તે પથરી હોવાની શક્યતાની નિશાની છે. પરુ હોય તો ચેપ અથવા પથરીનાં લીધે ચેપ હોવાની શક્યતા છે.
- પથરીની સારવાર કેવી રીતે કરવી :-
પથરી કુદરતી રીતે આપો-આપ જ નીકળી જાય છે. પથરી થવાની શક્યતા નિવારવા માટે અને તમારી તકલીફ ઓછી થાય તે માટે ઉત્તમ રીત એ છે કે, બને તેટલું વધારે પાણી પીઓ, જેનાં લીધે વધુ પેશાબની સાથે પથરી પણ નીકળી જશે. દિવસમાં ઓછામાં ઓછા ૧૨ ગ્લાસ પાણી પીઓ. અને દરેક વખતે પેશાબને ગાળીને તપાસો. જો તેમાં પથરી દેખાય તો નિષ્ણાંતની સલાહ લો.
અશ્મરીહટકવાથ, ગોક્ષુર ચૂર્ણ વગેરે જેવી આયુર્વેદીક દવાઓ આ રોગમાં ધાર્યુ પરિણામ આપી જાય છે.




