Magazines

ઘમંડી હાથી .

By GS TEAM
27 Feb 20263 mins read
ઘમંડી હાથી                             .

- હાથીના આખા શરીરે બળતરા ઉપડી. એ રડવા લાગ્યો. 'મને કોઈ બચાવો.... મને કોઈ બચાવો...  કોઈ છે? આ કીડીને મારી સૂંઢમાંથી બહાર કાઢો...'  

હાથી જંગલમાં સૌને સતાવતો. એને પોતાની જાત પર બહુ  ઘમંડ હતો.  પોતાની વિશાળ કાયાનું એને અભિમાન હતું. બધા સામે પોતાની વીરતાનું પ્રદર્શન કરતો. વળી, એના બતાવવાના દાંત અને ચાવવાના જુદા દાંતથી મુખમાં મલકાતો. નાનાં નાનાં પ્રાણીઓની મજાક ઉડાવતો અને રોફ જમાવતો. 

એક સવારે એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો.  વૃક્ષ પર બેઠેલા પોપટને જોઈને એ કહે, 'તું મને જોતો નથી. હું જંગલનો રાજા છું. મને ઝૂકીને પ્રણામ કર...' 

પણ પોપટ ન નમ્યો. 

હાથી રોષે ભરાયો. 

એણે પોતાની સૂંઢથી ઝાડ પાડી નાખ્યું. 

પોપટ તો હસતો હસતો ઉડી ગયો. 

પછી તો હાથી નદીમાં પાણી પીવા ગયો. નદી કિનારે નાનકડી કીડી પોતાના માટે ખોરાક ભેગો કરી રહી હતી. 

એ હાથીને કહે, 'આજે તો મારે ઘરે પાર્ટી છે. મારા સ્નેહી- મિત્રો સાથે મારે બર્થ ડે ઉજવવાનો છે.' 

અહીં પણ હાથીએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. એણે  સૂંઢમાં પાણી ભરી કીડી પર ઉછાળ્યું. કીડીએ ભેગો કરેલો  બધો ખોરાક બગડી ગયો. 

કીડીએ મનમાં સંકલ્પ કર્યો, 'આ હાથીને પોતાની કાયા ઉપર ઘમંડ છે. તે બધાં પ્રાણીઓને હેરાન કરે છે. હું ચોક્કસપણે એને પાઠ ભણાવીશ.' 

હાથી હસવા લાગ્યો. એ કહે, 'હું તને મારા પગ નીચે કચડી નાખીશ.' 

કીડી તે વખતે તો કશું ન બોલી, પણ એક વાર હાથી ઊંઘતો હતો ત્યારે કીડી તેની સૂંઢમાં પેસી ગઈ અને ચટકા મારવા લાગી.  

હાથી તો બરાબરનો અકળાયો. એ ધમપછાડા કરવા લાગ્યો. 

એ ચીસો પાડવા લાગ્યો, 'કોણ મને હેરાન કરે છે? કોણ મને હેરાન કરે છે?  બહાર નીકળ... બહાર નીકળ...'

કીડીએ ના પાડી. એણે ચટકા ભરવાનું ચાલુ રાખ્યું. એણે પોતાની ફ્રેન્ડ્ઝને પણ બોલાવી લીધી હતી. એટલે કેટલીય કીડીઓ એકસાથે હાથીને ચટકા ભરતી હતી.

 હાથીના આખા શરીરે બળતરા ઉપડી. એ રડવા લાગ્યો. 

'મને કોઈ બચાવો.... મને કોઈ બચાવો...  કોઈ છે? આ કીડીને મારી સૂંઢમાંથી બહાર કાઢો...'  

આખરે કીડીને એની દયા આવી. એ સૂંઢમાંથી બહાર આવી. 

એણે બીજી કીડીઓને ઈશારો કર્યો એટલે એમણે પણ ચટકા ભરવાનું બંધ કર્યું.  

હાથીને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. એ રડતાં રડતાં કહે, 'કીડીબને, આઇ એમ સોરી. આજથી હું ક્યારેય મારી જાત પર ઘમંડ નહીં કરું. મને મારી વજનદાર કાયાનું અભિમાન હતું, પણ આજે મને તમે બોધપાઠ આપ્યો કે આ દુનિયામાં નાનામાં નાનું જંતુ કે વિશાળ કાયાવાળા પ્રાણીઓનો સામનો કરી શકે છે, તેને લાચાર બનાવી શકે છે. તેથી સૌપશુપક્ષી અને જીવજંતુને માન આપવું જોઈએ અને ક્યારેય કોઈને હેરાન કરવા ન જોઈએ...'

કીડી કહે, 'બહુ સરસ. ચાલ, આજથી આપણે ફ્રેન્ડ્ઝ!'

...અને આ રીતે હાથી અને કીડી વચ્ચે પાક્કી દોસ્તી થઈ. હાથીએ પછી ક્યારેય કોઈને હેરાન ન કર્યા. 

બાળમિત્રો, આ નાની ટચૂકડી વાર્તા આપણને ઘણું સમજાવે છે. કદી પણ કોઈને નાનો ન માનો. શેરને માથે સવાશેર હોય જ છે. તેથી નાના-મોટા સૌને માન આપો.

- વસંત આઈ. સોની