પશુ પંખીઓનાં યોગ કલાસ .

- પિમ્પો પોપટ, કાલી કાગડો, સીલી શિયાળ પણ બહુ મથ્યાં, પણ કોઈથી ધનુરાસન થયું જ નહીં. સમ્રાટ સિંહ સહિત બાકીનાં પશુ-પંખીઓ તો આ બધું જોઈને હસીહસીને લોટપોટ થઈ ગયાં.
- જતિન ભટ્ટ 'નિજ'
નંદનવનમાં સમ્રાટ સિંહની સભા ભરાઈ. સભામાં ગરબડ ગધેડો આ વખતે નવી વાત લાવ્યો.
'સમ્રાટ સિંહ, પ્રણામ.'
'તું પાછો કઈ નવી વાત લાવ્યો? આ વખતે શું લાવ્યો? તું કઈ નવી વાત લાવે છે ને પછી ગરબડ ગોટાળો થઈ જાય છે.'
'મહારાજ, આ વખતે એવું નહીં થાય. મહારાજ, આપ જોઈ રહ્યાં છો કે આપણા નંદનવનમાંબધાંના હાથમાં મોબાઈલ હોય છે. બસ, આખો દિવસ મનુષ્યોની જેમ રીલ જોયા કરે છે. આમાં ને આમાં નંદનવનવાસીઓ આળસુ થઈ ગયાં છે. કોઈના ચહેરા પર નૂર દેખાતું નથી. તો મારી વાત એ છે કે આપણે નંદનવનમાંયોગના ક્લાસ ચાલુ કરીએ. એમ પણ એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસ આવે છે.'
બધાં જ પશુપંખીઓએ ગરબડ ગધેડાની વાત વધાવી લીધી.
'હા, એ વાત તો તારી સાચી છે, પણ યોગ કરાવશે કોણ?'
ગરબડ ગધેડો પાછલા બે પગે ઊભો થયો. માથું નીચે કરી સમ્રાટ સિંહનું અભિવાદન કર્યું. પછી બોલ્યો, 'મહારાજ, આ નાચીઝ યોગ શીખીને આવ્યો છે.'
'અલ્યા, તું વળી ક્યારે શીખીને આવ્યો?'
'મહારાજ, મનુષ્યો યોગ કરતા હતા ત્યારે ત્યાં હું હાજર રહ્યો હતો ને શીખી રહ્યો હતો. એ વાત અલગ છે કે મારા પાછળના ભાગે કોઈ નાદાન મનુષ્યે લાકડી મારી હતી. એટલે ત્યાંથી હું ભાગી ગયો હતો એટલે થોડું શીખવાનું બાકી રહી ગયું હતું, પણ મહારાજ જેટલું પણ શીખ્યો છું તેટલું પરફેક્ટશીખીને અહીં આપ લોકોને શીખવાડવા આવ્યો છું. હોંચી-હોંચી-હોંચી...'
'બસ તો પછી કરો કંકુના! શુભશ્ય શીઘ્રમ્... હમણાંથી જ ચાલુ કરો દો.'
ગરબડ ગધેડો કહે, 'જરૂર... તો મારા પ્યારાનંદનવાસીઓ, સૌ પ્રથમ આપણે પદ્માસનશીખીશું. જમણા પગને વાળી તેનો પંજો ડાબી જાંઘ પર મૂકો. હવે ડાબાપગને વાળી તેનો પંજો જમણી જાંઘ પર મૂકો. ટટ્ટાર બેસો અને અને આંખો બંધ કરી ઊંડા શ્વાસ લો.'
બાળમિત્રો, જરા વિચારો કે બધાં પ્રાણીઓ કેવી રીતે પદ્માસન કરે છે. હક્કાહાથીથી તો ગરબડ ગધેડાએકીધું તે પ્રમાણે પલાંઠી વળી જ નહીં. પલાંઠી વાળવા ગયો તો ગબડી પડયો. પિમ્પો પોપટે ઊડતાં ઊડતાંપદ્માસન કરવાનો પ્રયત્ન કર્યો, એ પણ નીચે ગબડયો. સીલી શિયાળ, કલબલ કાબર , કાલી કાગડો આ બધાં લોકો પડી ગયાં. બીજાં બધાં પશુ પંખીઓ પણ ગબડી પડયાં. લોકોમાં હસાહસ થઈ ગઈ. સમ્રાટ સિંહ પણ હસી પડયો.
'હવે આપણે શીખીશું ધનુરાસન. તો ચાલો સૌ પ્રથમ ચટાઈ પર પેટનાબળે સીધા સૂઈ જાઓ. પછી બંને પગનેઘૂંટણમાંથી વાળો. ત્યાર બાદ બંને હાથ પાછળ લઈ જઈને પગની ઘૂંટી પકડી લો. શ્વાસ અંદર લેતાં લેતાં છાતી અને જાંઘને જમીનથી ઉપર ઉઠાવો. શરીર ધનુષ્ય જેવો આકાર બનાવશે. નજર સામે રાખો અને સામાન્ય શ્વાસ લેતા રહો. આવી સ્થિતિ દસથી વીસ સેકન્ડ સુધી સ્થિતિ જાળવો. હવે શ્વાસ છોડતાંછોડતાં ધીમે ધીમે મૂળ સ્થિતિમાં પાછા આવી જાઓ. ઓકે? તો ચાલો સૌ શરૂઆત કરી દો.'
હક્કા હાથી ગરબડ ગધેડાએકહ્યાં મુજબ સૂઈ તો ગયો પણ એની ઘૂંટી એના હાથમાં આવી જ નહીં. બિચારાએ બહુ જોર કર્યું તો પણ ધનુરાસન થયું જ નહીં. કલબલ કાબર તો ચાંચ ઊંચી કરી પગનેપકડવા ગઈ તો પગ તો પકડાયો જ નહીં. પિમ્પો પોપટ, કાલી કાગડો, સીલી શિયાળ પણ બહુ મથ્યાં, પણ કોઈથી ધનુરાસન થયું જ નહીં. સમ્રાટ સિંહ સહિત બાકીનાં પશુ-પંખીઓ તો આ બધું જોઈને હસીહસીને લોટપોટ થઈ ગયાં.
ગરબડ ગધેડાએકીધું, 'કશો વાંઘો નહીં. ધીમે ધીમેઆવડી જશે. હવે આજનું છેલ્લું આસન શીખવાડી દઉં. પછી કાલે બીજાં આસનો શીખવાડીદઈશ.'
'ઓકે, ગુરુ.' બધાં એક જ અવાજે બોલ્યાં.
'તો હવે શીખવાડીશ શવાસન. ચાલો બધાં ચટાઈ પર પીઠનાબળે સીધા સૂઈ જાઓ. બંને પગને થોડા અંતરે રાખો અને ઢીલા છોડો. બંને હાથ શરીરથી થોડા દૂર રાખો, હથેળીઓ ઉપરની તરફ રાખો. આંખો બંધ કરો. આખા શરીરને સંપૂર્ણપણે ઢીલું મૂકી દો. શ્વાસ પર ધ્યાન આપો અને મનને શાંત રાખો. પાંચથી પંદર મિનિટ સુધી સુધી આ સ્થિતિમાં રહો.'
ગરબડ ગધેડો, હક્કા હાથી, સીલી શિયાળ, પિમ્પો પોપટ, કલબલ કાબર અને કાલી કાગડા સાથે સમ્રાટ સિંહ અને નંદનવનનાં બધાં જ પશુ-પંખીઓએશવાસન કરવાનું શરૂ કર્યું... ને થોડીવારમાં તો ઘસઘસાટ સૂઈ ગયાં. બાળમિત્રો, આ લોકો ક્યારે જાગ્યાં એ ખબર છે? સવારે સૂર્ય ઊગ્યો ત્યારે...








