Magazines

27 સાલ બાદ: રામગોપાલ વર્મા અને મનોજ બાજપેયીએ હોરર-કોમેડીમાં સાથે કામ કર્યું

By GS TEAM
9 Apr 20263 mins read
27 સાલ બાદ: રામગોપાલ વર્મા અને મનોજ બાજપેયીએ હોરર-કોમેડીમાં સાથે કામ કર્યું

- 'હોરર ફિલ્મમાં કાસ્ટિંગ મહત્ત્વનું હોય છે, કેમ કે ડરનો માહોલ પેદા કરવામાં એક્ટરનો ફાળો 80 ટકા હોય છે, જ્યારે સાઉન્ડ અને ભેદી સંગીત બાકીના૨ 20 ટકા ડર પેદા કરે છે...'.

મોલ્મી દુનિયામાં સફળતા અને નિષ્ફળતાનો  એકસમાન સ્વાદ  ચાખનારા રામગોપાલ વર્મા એક અલગ મિજાજના ફિલ્મમેકર છે. પ્રયોગો કરવામાં જરાય પાછી પાની ન કરતાં રામગોપાલ વર્માની નવી ફિલ્મ હોરર કોમેડી 'પોલીસ સ્ટેશન મેં ભૂત' મે મહિનામાં આવી રહી છે. મજાની વાત એ છે કે પ્રતિભાશાળી અભિનેતા મનોજ બાજપેયી અને રામ ગોપાલ વર્માની જોડીએ  આ ફિલ્મ માટે ૨૭ વર્ષના અંતરાલ બાદ ફરી એકવાર સાથે કામ કર્યું છે. 

એક જમાનામાં 'સત્યા' જેવી કલ્ટ ફિલ્મ આપનાર દિગ્દર્શક  રામગોપાલ વર્મા અને એક્ટર મનોજ બાજપેયીની જોડી કમાલની છે. તેમની પહેલી ફિલ્મ ૧૯૯૭માં આવેલી 'દૌડ' હતી, જેમાં ઉર્મિલા માતોંડકર પણ હતી. એ પછી ૧૯૯૮માં 'સત્યા' આવી, જેણે રામગોપાલ વર્માને પ્રતિભાશાળી નિર્દેશકોની પંગતમાં બેસાડી દીધા અને મનોજ બાજપેયીને એક તેજસ્વી એક્ટર તરીકે સ્થાપિત કર્યો. એ પછી બીજા જ વર્ષે ૧૯૯૯માં વર્મા અને બાજપેયીની બે ફિલ્મો અનુક્રમે 'મૌન' અને 'શૂલ' આવી. એ બંને પણ બોક્સ ઓફિસ પર સફળ નીવડી. 

રસપ્રદ બાબત એ છે કે મનોજ બાજપેયી અને રામગોપાલ વર્મા બંને અનુભવી હોવા છતાં તેમણે હોરર કોમેડી પ્રકારની ફિલ્મ બનાવી કે તેમાં કામ કર્યું નથી. રામગોપાલ વર્માની ૨૦૦૩માં આવેલી ફિલ્મ 'ભૂત' મુંબઇમાં આકાર લેતી એક અફલાતૂન હોરર ફિલ્મ હતી. રામુ આજે પણ કહે છે તેમ ઉર્મિલા માતોંડકર સિવાય આ ભૂમિકા એ સમયે બીજું કોઇ કરી શકે તેમ નહોતું. 

મનોજ બાજપેયીએ 'પોલીસ સ્ટેશન મેં ભૂત' ફિલ્મમાં કામ કરતી વખતે નોંધ્યું કે રામગોપાલ વર્મા એક ફિલ્મ સર્જક તરીકે ઘણા પીઢ બન્યા છે. મનોજ બાજપેયીના જણાવ્યા અનુસાર આ ફિલ્મ દર્શકોને ક્રિયેટિવ શૉક આપશે. આ ફિલ્મમાં જેનેલિયા દેશમુખ અને રામ્યા કૃષ્ણા પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.   

રામગોપાલ વર્માને ડરની લાગણી માટે એક અજબ પ્રકારનું વળગણ છે. આ ફિલ્મમાં પણ ડરને એક અનોખા અંદાજમાં રજૂ કરવામાં આવ્યો છે. વર્માએ તેમની લાક્ષણિક સ્ટાઇલમાં ફિલ્મના પોસ્ટર પર લખ્યું છે કે, આપ મુર્દો કો ગિરફ્તાર નહીં કર સકતે. 

ફિલ્મની સ્ટોરી લાઇન કઇંક આ પ્રકારની છે કે એક ગેંગસ્ટરનું ભૂત પોલીસ સ્ટેશનના અધિકારીઓને સતાવે છે. સામાન્ય રીતે કોઇ માણસને ડર લાગે તો તે રક્ષણ મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં જાય છે. પણ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારીઓને જ ભૂતનો ડર લાગે તો તેઓ જાન બચાવવા ક્યાં ભાગવાના? આ  હોરર કોમેડીમાં દર્શકને ડર લાગવાની સાથે મજા પડે એ સહજ છે. 

રામુ કહે છે, 'હોરર ફિલ્મમાં કાસ્ટિંગ મહત્ત્વનું હોય છે. કેમ કે હોરર ફિલ્મમાં ડરનો માહોલ પેદા કરવામાં એક્ટરનો ફાળો ૮૦ ટકા હોય છે, જ્યારે સાઉન્ડ અને ભેદી સંગીત બીજો ૨૦ ટકા ડર પેદા કરે છે. દાખલા તરીકે અજય દેવગણ હોરર ફિલ્મમાં સારું કાસ્ટિંગ ગણાય, કેમ કે તેની ઇમેજ એક નીડર પોલીસ અધિકારીની છે. દર્શકો જ્યારે પડદા પર અજય દેવગણને ડરતો જુએ ત્યારે દર્શકો પણ આપોઆપ ડરવા માંડે છે. મનોજ બાજપેયીના કાસ્ટિંગમાં પણ આવી જ બાબત કામ કરી ગઇ છે.'

જોઈએ, આ કોમેડી હોરર રામગોપાલ વર્મા અને મનોજ બાજપેયીની જોડીને કેવીક ફળે છે.