Magazines

એકધારાં 10 વર્ષ ઓડિશન્સ આપ્યા બાદ શર્વરીને તક મળી

By GS TEAM
30 Apr 20262 mins read
એકધારાં 10 વર્ષ ઓડિશન્સ આપ્યા બાદ શર્વરીને તક મળી

- 'મારામાં મિલેનિયલ્સ જેવું પેશન અને ડેડિકેશન તો છે જ, પરંતુ મને જેન-ઝીનું બિન્દાસપણું અને પોતે જેવા છે એવા દેખાવાનો એટિટયુડ પણ બહુ ગમે છે.'

શ ર્વરી વાઘની લાઈફ-સ્ટોરી બોલિવુડના બીજા એકટર્સ કરતાં જુદી છે. મોટાભાગના એકટર્સ પોતાના બાળપણના સંસ્મરણો વાગોળતી વખતે કહેતા હોય છે કે અમારા ફેમિલીમાં ફિલ્મો જોવાની મનાઈ હતી, ફિલ્મો સાથે અમારે કોઈ લેવાદેવા નહોતી. જ્યારે મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી શર્વરી ગર્વભેર કહે છે કે, 'હું ટીનેજર હતી ત્યારે અમારા પરિવારનું દરેક શનિ-રવિમાં ફિલ્મ જોવાનું નક્કી જ રહેતું. અમારા ઘરમાં સિનેમાઘરમાં મૂવી જોવા જવું એક મોટી ઈવેન્ટ બની રહેતી. આખા વરસ દરમિયાન પ્રત્યેક વીકેન્ડમાં મારી મમ્મી, પપ્પા, મોટી બહેન કસ્તુરી અને મારી એમ નવી ફિલ્મની ચાર ટિકિટો એડવાન્સમાં બુક થઈ જતી. ફિલ્મ જોવા જવાનો અમારો એક જ ક્રાઇટેરિયા રહેતો- ફિલ્મ ગમે તે જોનરની હોય એ જોવાની બસ મજા પડવી જોઈએ.'

શર્વરી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને શિવસેનાના સન્માનનીય નેતા મનોહર જોશીની દોહિત્રી છે. પરંતુ એને ફિલ્મોમાં બ્રેક મેળવવા પોતાના નાનાની રાજકીય વગ કોઈ કામ નહોતી આવી. પોતાના સંઘર્ષ કાળને યાદ કરતા ૨૮ વરસની એકટ્રેસ એક પોડકાસ્ટમાં કહે છે, 'બોલિવુડની ગ્લેમરસ દુનિયામાં મને સહેલાઈથી પ્રવેશ નહોતો મળ્યો. ૧૦ વરસ સુધી ઓડિશન્સ આપ્યા બાદ અને રિજેક્શન્સનો સામનો કર્યા પછી મને પહેલો બ્રેક મળ્યો હતો. મુંબઈમાં મારું પોતાનું ઘર અને ફેમિલીની સપોર્ટ સિસ્ટમ હોવા છતાં મં્ ઘણો સંઘર્ષ કર્યો છે.' એકટર બન્યા પહેલા શર્વરીએ સંજય લીલા ભણસાલી અને લવ રંજન જેવા ફિલ્મમેકર્સ સાથે લાંબો સમય આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. કબીર ખાને પોતાની ડ્રામા સીરિઝ 'ધ ફોરગોટન આર્મી : આઝાદી કે લિયે'માં એને ૨૦૨૦માં એકટર તરીકે બ્રેક આપ્યો. એના પછીના વરસે યશરાજ ફિલ્મ્સની 'બંટી ઔર બબલી-૨' આવી અને શર્વરીની ગાડી ચાલી નીકળી. આ મૂવી માટે એને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યુ (ફીમેલ) એવોર્ડ મળ્યો. પછી ૨૦૨૪માં કમર્શિયલી સકસેસફુલ હોરર ફિલ્મ 'મુંજ્યા' આવી અને ટેલેન્ટેડ એકટ્રેસ તરીકે શર્વરીને સર્વસંમત માન્યતા મળી ગઈ.

આજે મિસ વાઘ પાસે યશરાજ ફિલ્મ્સની આલિયા ભટ્ટ સાથેની 'આલ્ફા,' ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'મૈં વાપસ આઉંગા' અને સૂરજ બડજાત્યાની ફેમિલી એન્ટરટેનસર 'યે પ્રેમ મોહ લિયા' જેવી મોટા બેનર્સની મૂવીઝ છે.

શર્વરી આજે જેન-ઝી અને મિલેનિયલ્સ બંને પેઢીના એકટર્સ સાથે કામ કરી રહી છે. બંનેમાંથી કઈ જનરેશન  સાથે કામ કરવું વધુ ગમે છે એવું પૂછાતા અભિનેત્રી એનો ડિપ્લોમેટિક ઉત્તર આપે છે, 'બેમાંથી એક શા માટે પસંદ કરું? હું તો બંને પેઢી વચ્ચે સેતુ બનવાનું કામ કરી રહી છું. બંને પાસેથી કંઈક ખાસ શીખવા મળે છે. મારામાં મિલેનિયલ્સ જેવું પેશન અને ડેડિકેશન તો છે જ, પરંતુ મને જેન-ઝીનું બિન્દાસપણું અને પોતે જેવા છે એવા દેખાવાનો એટિટયુડ પણ બહુ ગમે છે.' વેલ સેઇડ!