Magazines

ચાંદીના ETFમાં એક સાથે ખરીદી ન કરવાની સલાહ

By GS TEAM
19 Oct 20252 mins read
ચાંદીના ETFમાં એક સાથે ખરીદી ન કરવાની સલાહ

ફંડ ઓફ ફંડ્સ રૂટ દ્વારા ચાંદીના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ) પર પ્રીમિયમ સ્પોટ ભાવો કરતાં ૧૨% સુધી વધી ગયું છે, તેથી ફંડ મેનેજરો આ રોકાણો પર રોક લગાવી રહ્યા છે. ચાર એસેટ મેનેજમેન્ટ કંપનીઓ કોટક, સ્ટેટ બેંક, યુટીઆઈ અને ટાટા - એ ફંડ ઓફ ફંડ્સ  દ્વારા રોકાણ અટકાવ્યા પછી, બે અન્ય કંપનીઓ, આઈસીઆઈસીઆઈ અને એક્સિસે પણ તેમનું અનુકરણ કર્યું છે. સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. ૧.૮૩ લાખના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં તે ૫૨ ડોલર પાર કરી ગયા હતા.  ઘરેલુ બજારમાં ભાવમાં  આશ્ચર્યજનક રીતે ૧૦૫% વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતો જણાવે છે કે સ્થાનિક ચાંદીના ભાવમાં પ્રીમિયમ સીધી યોજનાઓના મૂલ્યાંકન પર અસર કરે છે કારણ કે હવે ખરીદી કરવાનો અર્થ એસેટના વાસ્તવિક મૂલ્ય કરતાં વધુ ચૂકવણી કરવી પડે છે. એકવાર પુરવઠો સામાન્ય થઈ જાય અને ઈટીએફના ભાવ  ચાંદીના વાસ્તવિક મૂલ્ય સાથે સુસંગત થઈ જાય, પછી રોકાણકારો ચોખ્ખી સંપત્તિ મૂલ્યની નજીક ખરીદી કરી શકે છે.  હમણાં ઉતાવળ કરવી એ ભૂલ હોઈ શકે છે. ભૌતિક ચાંદીની અછત ક્યારે ઓછી થશે તેની કોઈને ખાતરી નથી.


- ભારત અને સાઉદી અરેબિયાની કાપડ ક્ષેત્રમાં રોકાણ માટે કવાયત

ભારત અને સાઉદી અરેબિયાએ સરકારની વિવિધ યોજનાઓ અને પહેલોને અનુરૂપ ભારતના વસ્ત્રો અને કાપડ ક્ષેત્રમાં રોકાણ માટેની તકો અંગે ચર્ચા વિચારણા કરી હતી. સાઉદી પ્રતિનિધિમંડળે કાપડ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા માટે નવી દિલ્હીમાં  તૈયાર વસ્ત્રોના એટલે કે રેડીમેડ ગારમેન્ટ ક્ષેત્રમાં સાઉદી રોકાણ માટે નોંધપાત્ર તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બંને પક્ષોએ કાપડ ઉત્પાદન અને વેપારમાં સહયોગી પ્રયાસો દ્વારા ઉત્પાદન ક્ષમતા અને બજાર પહોંચ વધારવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરી હતી.  માનવસર્જિત તંતુઓ અને ટેકનિકલ કાપડનો ઉભરતો વિસ્તાર દ્વિપક્ષીય વેપારના સ્તંભ બનવા માટે તૈયાર છે, જે કાચા માલના સાર્સિંગ, ટેકનોલોજી વિનિમય અને ઉત્પાદન વિકાસમાં સિનર્જીનો લાભ લેવાની તકો પ્રદાન કરે છે.